• શનિવાર, 12 જુલાઈ, 2025

ગંભીરા બ્રિજ દુર્ઘટના આજે ત્રીજા દિવસે વધુ 3 મૃતદેહ મળ્યા, મૃત્યુઆંક 21

નદીમાં ટ્રકમાં રહેલું સલ્ફ્યુરિક એસિડ પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂમાં મુશ્કેલી : હજુ પણ એક વ્યક્તિને શોધવા કામગીરી ચાલુ 

રાજકોટ, વડોદરા તા.11:

વડોદરા-આણંદ વચ્ચે આવેલો ગંભીરાબ્રિજ ગત બુધવારે તૂટી પડતાં 21 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. 9 તારીખે રાત્રી સુધીમાં નદીમાંથી 13 મૃતદેહ મળ્યા હતા. ત્યાર બાદ 10મી તારીખે પૂનમ હોઈ, મહીમાં ભરતીના પાણી આવતાં રેસ્ક્યૂ કામગીરીને અસર પડી હતી, જોકે ઓટ આવ્યા બાદ 10મી તારીખે રેસ્ક્યૂ કામગીરી યથાવત્ રખાતાં વધુ 5 મૃતદેહ મળતાં મૃત્યુઆંક 18 થયો હતો. રેસ્ક્યૂનો આજે(11 જુલાઈ) સતત ત્રીજો દિવસ છે, ત્યારે અત્યાર સુધીમાં 3 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. સાથે જ 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કઢાઈ હતી. નદીમાં ટ્રકમાં રહેલું સલ્ફ્યુરિક એસિડ પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂમાં મુશ્કેલી આવી રહી છે, જેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે એ કહેવું હાલ મુશ્કેલ લાગી રહ્યું છે.

પાદરા તાલુકા મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ત્રીજા દિવસે પણ મહીસાગર નદીમાં પડેલા વાહનો અને લાપતા વ્યક્તિઓને શોધવાની કામગીરી ચાલી રહી છે. આ બ્રિજ છેલ્લા ઘણા સમયથી જોખમી હાલતમાં હોવાથી તેના નવિનિકરણ માટે સ્થાનિક આગેવાનો દ્વારા અનેક વખત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી. છતાંય આ ભ્રષ્ટ અધિકારીઓના પેટનું પાણી હલ્યું નહીં અને આખરે ગત તા. 9 જૂલાઇના રોજ સવારે સાડા સાત વાગ્યાના અરસામાં બ્રિજ તૂટી પડ્યો અને ત્રણ ટ્રક સહિત રિક્ષા, ઇકો અને બે પીકઅપ તેમજ બે જેટલી બાઇક મહીસાગર નદીમાં પડી હોવાની આશંકા છે. આ ગોઝારી ઘટનાના ત્રીજા દિવસે પણ નરાસિંહાપુરા ગામમાં રહેતો વિક્રમાસિંહ પઢીયાર ઘટનાના દિવસે પિતરાઇ ભાઇને નજીકમાં આવેલા દેવપુરા ગામે મુકાવા માટે બાઇક પર નિકળ્યો હતો. ત્યારે સવારે સાડા વાગ્યાના અરસામાં મુજપુર-ગંભીરા બ્રિજ તૂટતી પડતા બાઇક સાથે મહીસાગર નદીમાં પડ્યો હતો. તંત્ર દ્વારા મહીસાગરમાં નદીમાં પડેલા તમામ વ્યક્તિઓની શોધખોળ કરવામાં આવી રહીં છે. તેવામાં છેલ્લા ત્રણ દિવસથી લાપતા વિક્રમની શોધમાં તેના સ્વજનો મુજપુર-ગંભીરા બ્રિજ નીચે આવી તેની રાહ જોઇ રહ્યાં છે. જોકે બ્રિજના તૂટી પડેલા ગડર નીચે હજી પણ બે મૃતદેહો દબાયા હોવાની આશંકા છે. આ ભયંકર દુર્ઘટનામાં ગંભીર ઇજા પામેલા આણંદ જિલ્લાના દેહવણ ગામના રહેવાસી 45 વર્ષીય નરેદ્રાસિંહ રતનાસિંહ પરમારને સારવાર હેઠળ સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં આજરોજ તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું. જોકે આ દુર્ઘટનામાં હજી મૃત્યુઆંક વધે તેવી આશંકા છે.

કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, પરમ દિવસે જે ગંભીર અકસ્માત થયો તેના અંતર્ગત બચાવ કામગીરી ચાલુ રાખી છે. ખાસ કરીને કાદવની પરિસ્થિતિ અને બ્રિજની સ્થિરતાના પ્રશ્નોને કારણે, ઉપરના ભાગે ક્રેન સુરક્ષિત રીતે કામ કરી રહી છે. આ ઉપરાંત, અંદરના ભાગમાં સોડા એશ ફેલાવાને કારણે પાણીમાં બળતરા અને ખંજવાળની સમસ્યા થઈ રહી છે.  સલ્ફ્યુરિક એસિડનું 98% સાંદ્રતા ધરાવતું એક ટેન્કર પણ અંદરના ભાગમાં છે, જેથી તમામ જોખમોને ધ્યાનમાં રાખીને ટીમ કામ કરી રહી છે.  ગઈકાલે રાત્રે 10.00 વાગ્યાની આસપાસ પાણી ભરાઈ ગયા બાદ ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું.

----------------

‘ગુજરાતના તમામ બ્રિજના ફિટનેસ રિપોર્ટ જાહેર કરો’

રાજ્યમાં ભયજનક પુલો પરનો વાહન વ્યવહાર બંધ કરાવો : અમિત ચાવડા

અમદાવાદ, તા. 11: ગુજરાતમાં કમીશનવળી સરકારમાં કોઈપણ ગુજરાતીના જીવની કોઈ કિંમતના હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખુબ દુ:ખ સાથે કહેવું પડે છે કે પ્રજાના ટેક્ષના પૈસાથી ચાલતી સરકારના શાસનકાળમાં છેલ્લા થોડા જ વર્ષમાં રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ કાંડ, મોરબી બ્રીજ તુટ્યો, વડોદરા હોડી દુર્ઘટના, સુરતમાં તક્ષશિલાકાંડ અને છેલ્લે ગંભીરાનો બ્રીજ તુટ્યો જેમાં 18 કરતા વધુના જીવ ગયા હતા. થોડા વર્ષોનો અભ્યાસ કરીએ તો સરકારની ગુનાહિત બેદરકારીને કારણે અકસ્માત થાય છે અને મોટી સંખ્યામાં લોકોના જીવ જાય છે. ખુબ જ અસંવેદનશીલતા સાથે રાજ્યના શાસકો આવી દુર્ઘટના, હોનારતો પછી શીખ લેવાને બદલે, ફરીવાર આવી દુર્ઘટનાઓ, હોનારત ના થાય તે માટે આગોતરા પગલા લેવાને બદલે ટ્વીટ કે સંદેશાઓ પાઠવી પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી દેતા હોય છે એમ આજરોજ વિધાનસભા ખાતે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું. 

તેમણે કહ્યુ કે ગુજરાતમાં ગુજરાતીઓ સલામત નથી, ભગવાન ભરોસે હોય તેવી સ્થિતિ છે. પ્રજાના ટેક્ષના પૈસાથી સરકારનું બજેટ બને, એમાંથી પુલ, રસ્તા કે બીજા વિકાસના કામો થાય, પરતું એની સલામતી, જાળવણી, યોગ્ય ગુણવત્તાયુક્ત કામો થાય એ જોવાની સંપૂર્ણ જવાબદારી સત્તામાં બેઠેલા લોકોની છે. હાઈકોર્ટમાં પણ મોરબીના બ્રીજ પછી સુઓમોટો કેસ ચાલ્યો ત્યારે પણ સરકારે કહ્યું હતું કે અમે ગુજરાતના બધા જ બ્રીજોની ચકાસણી કરી છે બધાજ બ્રીજો સલામત છે કોઈ ભયજનક નથી. છતાં ગંભીરાનો બ્રીજ ભયજનક છે તેવી જાહેરાત કેમ ના કરી? શા માટે લોકોની અવર-જવર માટે બ્રીજ બંધ ના કરવામાં આવ્યો? તેવા સવાલ કર્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025