• શનિવાર, 12 જુલાઈ, 2025

“ચેલેન્જ’ કરીને ઈનામોની જાહેરાતો પછી કરો, પહેલા વિકાસના કામ કરો’

મોરબીના ધારાસભ્યએ ‘આપ’ના ધારાસભ્યને આપેલી ચેલેન્જના પગલે રાજકારણ ગરમાયું : શહેરમાં પ્રાથમિક સુવિધા ઝંખતા નગરજનો

 

સુરેશ ગોસ્વામી

મોરબી, તા.11 : મોરબીમાં પ્રાથમિક સુવિધાઓ પ્રશ્ને ત્રાહિમામ પ્રજાજનો એક તરફ વિકાસ ઝંખી રહ્યાં છે ત્યારે બીજી તરફ ભાજપ-આપના ધારાસભ્યો પરસ્પર ચૂંટણી લડવાની ચેલેન્જો અને બે કરોડના ઈનામોની જાહેરાતો કરતા રાજકારણ ગરમાયું છે.  પ્રજાજનોનો એક જ સૂર છે કે, કરોડોની ચેલેન્જો પછી કરો પહેલા વિકાસના કામો કરો.

મોરબીના અનેક વિસ્તારો આજે પણ રોડ, લાઈટ, સફાઈ, ગંદકી સહિતની પ્રાથમિક સુવિધા પ્રશ્ને હાલાકી વેઠી રહી છે, અત્રેના લાતીપ્લોટમાં પણ ગંદકીના ગંજ ખડકાયા છે, આજે મોરબીના રવાપર રોડ તેમજ મહેન્દ્રપરા વિસ્તારમાં પણ લોકોએ પ્રાથમિક સુવિધા પ્રશ્ને લોકોએ ચક્કાજામ કર્યો હતો. મોરબીના પ્રજાજનો કહી રહ્યાં છે કે, ગત ટર્મમાં મોરબીની જનતાએ તમામ 13 વોર્ડમાં ભાજપના બાવન સભ્યોને ચૂંટયાં હતાં છતાં પ્રાથમિક સુવિધાના નિરાકરણ માટે એક પણ સભ્ય લોકોને વચ્ચે આવતાં નથી.

આ પ્રકારન વિકટ પરિસ્થિતિ વચ્ચે ગઈકાલે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ વિસાવદરના આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાને મોરબીથી ચૂંટણી લડે તો બે કરોડના ઈનામ આપવાની ચેલેન્જ કરતાં મોરબીનું રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે છેલ્લા 40 વર્ષથી શહેરમાં પાનની દુકાન ધરાવતા જીતેન્દ્રભાઈ પાનવાળાએ જણાવ્યું છે કે, માથામાં ધોળા આવી ગયાં છતાં હજુ સુધી મોરબીને પ્રાથમિક સુવિધા મળી નથી. નેતાઓના ચેલેન્જોના વીડિયો વાયરલ થઈ રહ્યાં છે ખરેખર તો શહેરની તંત્રને ઢંઢોળવા શહેરની વર્તમાન સ્થિતિ અંગેના વીડિયો પણ વાયરલ થવા જોઈએ. પહેલા પ્રજાના કામ કરો પછી ચેલેન્જ કરો. ઉલ્લેખનીય છે કે, ગોપાલ ઈટાલિયાની ચેલેન્જના પગલે આવતીકાલે મોરબી જિલ્લા કોંગ્રેસે પણ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યુ છે જેને લઈને પણ અનેક ચર્ચાઓએ વેગ પકડયો છે.

----------------------

ઈટાલિયાને હવે વાંકાનેરના ધારાસભ્યની ખુલ્લી ચેલેન્જ

મોરબી શહેર ભાજપ પૂર્વ પ્રમુખે પણ રૂ.2 કરોડના ઈનામની કરી જાહેરાત

ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને આપેલી ‘ચેલેન્જ’ બાદ હવે બે બળીયાના આ રાજકીય યુદ્ધમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ પણ ઝંપલાવ્યું છે. સોશિયલ મીડિયામાં એક વીડિયોના માધ્યમથી તેઓએ જણાવ્યું છે કે, જો ગોપાલ ઈટાલિયા મોરબીથી ચૂંટણી જીતી બતાવે તો તેમણે પણ વાંકાનેર બેઠક પરથી રાજીનામું આપી દેશે તેવી વળતી ‘ચેલેન્જ’ આપી છે. વીડિયોમાં જીતુભાઈ કહે છે કે, ગોપાલભાઈ તો ગ્રેજ્યુએટ અને વકીલ છે. અમારા કાંતિલાલ ભલે અશિક્ષિત હોય પણ તમે વિસાવદરથી રાજીનામુ આપી મોરબીથી ચૂંટણી લડીને જીતી બતાવો તો હું પણ વાંકાનેર બેઠક ઉપરથી રાજીનામુ આપી દઈશ. મોરબી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ લાખાભાઈ જારિયાએ પણ ગોપાલ ઈટાલિયા ચૂંટણી લડે અને જીતે તો રૂ.2 કરોડના ઈનામની જાહેરાત કરી છે.

----------------------

વિસાવદરના વિકાસમાં ગોપાલ ઈટાલિયા ધ્યાન આપે : મતદારો

જૂનાગઢ તા.11 વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા કાંતિ અમૃતિયાની ‘ચેલેન્જ’ સ્વીકારવાના મામલે વિસાવદરની પ્રજા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. વિસાવદરની પ્રજાએ જણાવ્યું છે કે, હાલના તબક્કે ગોપાલ ઇટાલીયાએ આવું કોઈ પણ જાતનું પગલું ભરવાની આવશ્યકતા નથી ઉપરાંત વિસાવદરના સ્થાનિકોએ એ  જણાવ્યું હતું કે વિસાવદરનો વિકાસ છેલ્લા ઘણા સમયથી રૂધાયેલો છે ત્યારે હવે જો કોઈ પણ આ પ્રકારનું પગલું ભરાશે તો લોકોનો વિશ્વાસ પણ ઉઠી જશે. વધુમાં કેટલાક લોકોએ જણાવેલ કે તેમને ગોપાલ ઇટાલીયા પર ભરોસો છે અને તેઓ રાજીનામું નહીં આપે જ્યારે કેટલાક લોકોએ જણાવ્યું હતું કે ગોપાલ ઇટાલીયાએ આ પ્રકારની બાબતમાં પડવાની જ આવશ્યકતા નથી..

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025