• શનિવાર, 12 જુલાઈ, 2025

સંઘ પ્રમુખના 75 વર્ષે નિવૃત્તિના વિધાનના બહાને કૉંગ્રેસનો નરેન્દ્ર મોદી પર કટાક્ષ 17 સપ્ટેમ્બરે વડા પ્રધાન નિવૃત્ત થશે, અચ્છે દિન આયેંગે

આનંદ કે. વ્યાસ

નવી દિલ્હી, તા. 11 : 75 વર્ષની વયે નિવૃત્ત થઇ જવું એવી પરંપરા છે, એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ ડૉ મોહન ભાગવતના વિધાનની ચર્ચા ચાલી છે. કૉંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ખુદ મોહન ભાગવત સામે કટાક્ષ કર્યો છે. ડૉ ભાગવત 11 સપ્ટેમ્બરે અને વડા પ્રધાન મોદી 17 સપ્ટેમ્બરે 75 વર્ષ પૂર્ણ કરશે.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે એક્સ પર ટ્વીટ કર્યું હતું કે બિચારા રેકર્ડ બ્રેક અવૉર્ડ વિજેતા વડા પ્રધાન, વિદેશમાં ડંકો વગાડીને સ્વદેશ પરત આવતા જ સંઘ પ્રમુખે યાદ અપાવી છે કે મોદી 17 સપ્ટેમ્બરે 75 વર્ષ પૂર્ણ કરશે. વડા પ્રધાન પણ સંઘ પ્રમુખને કહી શકે છે કે તમે 11 સપ્ટેમ્બરે 75 વર્ષના થઇ જશો. એક તીરથી બે નિશાન એ આનું નામ.

નવમી જુલાઇના મોરોપંત પિંગળે સંબંધી પુસ્તક વિમોચનના સંબોધન દરમિયાન ડૉ ભાગવતે 75 વર્ષે નિવૃત્તિની પરંપરાનો ઉલ્લેખ કર્યો હતો. ડૉ ભાગવતે કહ્યું હતું કે એક કાર્યક્રમમાં પિંગળેને શૉલ ઓઢાડીને સન્માન કરાયું તો એમણે મંચ પરથી કહ્યું હતું કે 75 વર્ષની વયે શૉલ ઓઢાડીને સન્માન કરે ત્યારે સમજવું કે હવે નિવૃત્તિની ઉંમર થઇ છે. પદ છોડીને બીજાને તક આપવી જોઇએ.

જો કે આ કાર્યક્રમમાં ડૉ ભાગવતે તો પોતાના સંબોધનમાં આ વાતનો ઉલ્લેખ માત્ર કર્યો હતો પરંતુ રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી હતી કે ડૉ ભાગવત અને મોદી બંને આગામી સપ્ટેમ્બરમાં 75 વર્ષના થશે, એટલે સંઘ પ્રમુખનો નિવૃત્ત થવાનો અને મોદીને પણ નિવૃત્તિ માટે વિચારવાનો સંકેત છે.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ પણ આ મુદે કટાક્ષ કરતા કહ્યું હતું કે અમલ ન કરવો અને શિખામણ આપવી એ હંમેશા ખતરનાક હોય છે. (ભાજપના) નેતા 75 વર્ષના થાય એટલે પરાણે એમને માર્ગદર્શક મંડળમાં બેસાડી દેવામાં આવે, પરંતુ આ (મોદી અને ભાગવતના) કેસમાં એવું લાગે છે કે નિયમનો અમલ નહીં થાય.

કૉંગ્રેસના નેતા પવન ખેડાએ પણ પોતાનો એક વિડિયો એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે દેશ કે અચ્છે દિન આ રહે હૈ.. સંઘ પ્રમુખ અને વડા પ્રધાન બંને સપ્ટેમ્બરમાં 75 વર્ષના થશે અને નિવૃત્તિ જાહેર કરશે. સંઘ પ્રમુખે તાજેતરમાં કહ્યું હતું કે 75 વર્ષની વય થાય એટલે હોદો છોડીને અન્યને તક આપવી જોઇએ.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025