• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

ભ્રષ્ટાચારનો વરવો ચહેરો

સરકારી કચેરીઓના નાના કે મધ્યમ કક્ષાના કર્મચારીઓ એન્ટી કરપ્શન બ્યુરોની ઝપટે ચડતા હોય તેવા કિસ્સા અનેક હોય છે પરંતુ જિલ્લા કલેક્ટર કક્ષાના અધિકારી વિરૂદ્ધ ફરિયાદ થાય અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર ફરિયાદી બને તે બાબત અત્યંત ગંભીર છે. હવેનો વહીવટ ભ્રષ્ટાચાર મુક્ત હોવાના દાવા પોકળ સાબિત કરતો કિસ્સો સુરેન્દ્રનગરમાં બહાર આવ્યો છે. આ પ્રકરણમાં સંડોવાયેલા મનાતા નાયબ મામલતદારની ધરપકડ થઈ છે. કલેક્ટર વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે અને તેઓની તાત્કાલીક બદલી કરવામાં આવી છે. પ્રકરણની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ આક્ષેપ કરાય નહીં તે વાત સાચી છે પરંતુ ઈડી જેવી મોટી એજન્સી અને કલેક્ટર કક્ષાના અધિકારી આ બંને મુદ્દા અગત્યના છે. કંઈ બન્યું જ ન હોય તો ઈડી આવી તપાસ ન કરે. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન બીનખેતી કરવાના કિસ્સાઓનું કૌભાંડ હોવાનું ખુલ્યું છે.

કૌભાંડનો આંક 1500 કરોડ છે. મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર હોવો જરા પણ નવાઈની વાત નથી. રેશનકાર્ડથી માંડીને આવા બિનખેતી જેવા પ્રકરણોના ભાવ નક્કી હોય છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના સેવા સદનનો આ આંક લોકોના મોંમાં આંગળા નખાવી ગયો છે. ખેતીની જમીનને બિનખેતીમાં પરિવર્તિત કરાવવા માટે કલેક્ટર કચેરીમાં પૈસા લેવાતા હોવાની બૂમ ઘણા સમયથી ઉઠી હતી. 23મી તારીખે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર્સની ઓફિસમાંથી તપાસ થઈ. જેમાં સુરેન્દ્રનગરના નાયબ મામલતદારના ઘરમાંથી 67.50 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા. તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરાયા છે. માધ્યમોના અહેવાલ અનુસાર કલેક્ટરના બંગલામાંથી 100 ફાઈલ કબજે થઈ છે.

જેમણે તપાસ આદરી છે તે એજન્સીના ધ્યાનમાં એવું પણ આવ્યું છે કે, કેસના ઉકેલમાં વિલંબ ન થાય તે માટે થઈને સ્પીડ મનીથી પૈસા વસુલાતા હતા. નાયબ મામલતદારના ફોનમાંથી આર્થિક વ્યવહારો થયા હોવાની પણ શંકા ઈડીને છે. ઈડીએ આ મુદે કલેક્ટર, તેમના અંગત સચિવ, નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ વિરૂદ્ધ એન્ટી કરપ્શન બ્યુરોમાં એફઆઈઆર નોંધાવી છે. ભ્રષ્ટાચાર થયો છે કે નહીં? તે તો તપાસ પૂર્ણ થયા પછી ખબર પડશે. પરંતુ ઈડી જેવી એજન્સી જ્યારે કલેક્ટર કક્ષાના અધિકારી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવે ત્યારે વાત પાયાવિહોણી ન હોય તે પણ ધારી શકાય. આ પ્રકરણમાં જે ચર્ચા છે તે પ્રમાણે વિગતો ખુલે તો મુદ્દો અત્યંત ગંભીર  છે કારણ કે, 1500 કરોડનું કૌભાંડ નાની ઘટના નથી.

સુરેન્દ્રનગરનું આ એક પ્રકરણ કે અનેક કિસ્સાઓના સમૂહ સ્વરૂપે 1500 કરોડનો આ એક મોટા ‘કાંડ’ ચર્ચામાં છે પરંતુ અહીં વાત અટકે નહીં, શરૂ થાય. જો એક જિલ્લામાં બિનખેતી માટે આટલો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો મોટા જિલ્લાઓ કે મથકોમાં સ્થિતિ શું હશે ? જિલ્લા પંચાયતો પણ આ પ્રકારના ભ્રષ્ટ વહીવટના મોટા કેન્દ્રો છે પ્રતિ વીઘા તેનો ભાવ હોય છે. લાંચ લેનારા અધિકારીઓ, તંત્રવાહકો તો ભ્રષ્ટ છે જ પરંતુ આવા કામ કરાવવા માટે લોકો પણ ગંજાવર  રકમ આપવા તૈયાર હોય છે તે આપણી કમનસીબી છે. ભ્રષ્ટાચાર બન્ને તરફથી અટકે તો જ અટકી શકે.

ઇ-પેપરના નવા શુલ્ક