2026 સુધીમાં માઓવાદને સંપૂર્ણ નાબૂદ કરવાનો મોદી સરકારનો સંકલ્પ પૂર્ણ થઈ રહ્યો હોય તેવું દેખાય છે. આ અભિયાનમાં વધુ એક સફળતા સુરક્ષાદળોને મળી છે. ઓડિસાના કંધમાલ જિલ્લામાં સરગણા ગણેશ ઉઈકે અને તેના ચાર સાથીઓ સુરક્ષાકર્મીઓ સાથેના ઘર્ષણમાં માર્યા ગયા છે. સરગણા ઉપર રૂ. 1.1 કરોડનું ઈનામ સરકારે જાહેર કર્યું હતું. આ ઘટના પૂર્વે થોડા કલાકો અગાઉ ઓડિસામાં જ બે માઓવાદી ઢેર થઈ ગયા હતા. સરગણા ગણેશના મૃત્યુ પછી હવે ઓડિસા પણ માઓવાદથી મુક્ત થવાના આરે ઊભું છે. આતંકવાદ અને આતંકવાદીઓ હજીય મોટો પડકાર છે. સેના અને સરકારના હિંમતભર્યા વલણ પછી પણ પાડોશી દેશોની દુપ્રેરણાથી આવા હુમલા થતા રહે છે પરંતુ માઓવાદને ખતમ કરવામાં સરકાર સફળ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
ગૃહમંત્રી
અમિત શાહે ઉગાઉ પણ કહ્યું હતું કે 2026ના માર્ચ માસ સુધીમાં દેશમાં માઓવાદનો મૃત્યુઘંટ
વાગી જશે. કોઈ પણ નેતાના નિવેદન માટે શરૂઆતમાં પ્રજા અને માધ્યમોનો પ્રતિભાવ એવો જ
હોય કે આ તો ફક્ત મંચ ઉપરથી બોલાયેલી વાત હોઈ શકે. ગૃહમંત્રીના આ વચનને પણ પહેલાં આ
રીતે જોવાયું હતું પરંતુ જે રીતે માઓવાદ ગ્રસ્ત રાજ્યો-િવસ્તારોમાં સ્થાનિક સુરક્ષા
પ્રશાસનને સાથે રાખીને કેન્દ્રીય દળોએ સપાટો બોલાવ્યો છે. ઉગ્રવાદીઓને તેમના ઠેકાણામાં
જઈને ખતમ કર્યા છે. ઓપરેશન સિંદૂર જેવી કાર્યવાહી તો આતંકવાદી હુમલાના પ્રતિકારમાં
જ થઈ પરંતુ માઓવાદ-નક્સલવાદ સામે સાતત્યપૂર્ણ રીતે સેના ઝઝૂમી છે.
ગૃહમંત્રાલય
અને ગૃહમંત્રીની પ્રતિબદ્ધતાનું આ પરિણામ છે. કોંગ્રેસની સરકારમાં ગૃહમંત્રી પી. ચિદમ્બરમે
માઓવાદી વિરુદ્ધ ઓપરેશન ગ્રીનહન્ટનો અમલ શરૂ કરાવ્યો ત્યારે કોંગ્રેસ અને તેના સહયોગી
દળોએ જ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. સમગ્ર ઝુંબેશ પ્રભાવહીન બની ગઈ હતી. દેશના અનેક
રાજ્યોએ તેની કિંમત ચૂકવવી પડી. સામે માઓવાદીઓની હિંમત એટલી વધી ગઈ કે તેઓ સુરક્ષાદળો
ઉપર પણ હુમલા કરવા લાગ્યા હતા. આદિવાસી વિસ્તારમાં વિકાસકાર્યોને તેમણે અટકાવવાના પ્રયાસ
આદર્યા. ગરીબોના હિતની રક્ષાની આડમાં આ માઓવાદીઓ સશત્ર પ્રહારો કરીને ઉગ્રતા ફેલાવે
છે તે સર્વવિદિત છે. છેલ્લા કેટલાક સમયથી તેમની આ હિંસક પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ આવ્યું
છે. મોટી સંખ્યામાં આ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. જે લોકો અક્કડ રહ્યા તે લોકોનો
અંજામ સારો રહ્યો નથી.
એક
સમયે માઓવાદથી અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા 182 હતી જે હવે 11 રહી ગઈ છે. ઘણા ક્ષેત્રો
હવે આ પ્રવૃત્તિથી મુક્ત છે. જો કે જ્યાં આ પ્રકારના લોકો વસે છે તેઓ હજી પણ શત્રવિરામ
માટે તૈયાર નથી અને સરકારે હવે ત્યાં કોઈ રીતે નરમ વલણ બતાવ્યા વગર જ કાર્યવાહી કરવી
જોઈએ કે જેથી આત્મસમર્પણ સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ રહે નહીં. હવે લડાઈ અંતિમ તબક્કે
છે, સરકારે જે સખ્તી બતાવી છે તે ચાલુ રાખવી રહી.