• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

નવા વર્ષની ઉજવણી પર આતંકનો ઓછાયો

દુનિયા 2026ના વર્ષને વધાવવા થનગની રહી છે પરંતુ આ વર્ષે ઉજવણી ઉપર આતંકી હુમલાની શક્યતાનો ઓછાયો છે. અનેક દેશ કે મહાનગરમાં નવા  વર્ષ નિમિત્તે યોજાનારા કાર્યક્રમો  સ્થગિત કે નિયંત્રિત કરાયા છે. પ્રવર્તમાન સ્થિતિમાં આતંકી હુમલાનો ડર કે ભીડને લીધે દુર્ઘટના થવાની દહેશત વિવિધ દેશની સરકારો, પ્રશાસનને ડરાવી રહી છે. જો કે આ મુદ્દે ભિન્ન અભિપ્રાયો પ્રવર્તે તે સ્વાભાવિક છે. એક તરફ કોઈ અનિચ્છનીય ઘટના નિવારવાનો અભિગમ છે તો બીજી બાજુ એ પણ છે કે આમ ડરીને કેવી રીતે રહેવાય? સંભવિત ઘટનાને લીધે કોઈ ઉજવણી થોડી બંધ કરવી જોઈએ ? જો કે અનેક દેશમાં આ પ્રમાણે નિર્ણય લેવાયા તો છે.

ન્યૂ યરની ઉજવણી આ વર્ષે વિશ્વના મોટા મોટા અને જ્યાં તેનું ખાસ મહત્વ છે તેવા પશ્ચિમના દેશમાં ઝાંખી પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. લોસ એન્જલસમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ બોમ્બ વિસ્ફોટ કરવાનું ષડયંત્ર રચાયું હોવાની વાત હતી. જો કે શંકાસ્પદ લોકોને ઝડપી લઈને પ્રશાસને તે નિષ્ફળ બનાવ્યું છે. પોલીસના અનુરોધને લીધે પેરિસમાં પણ ચાંપ્સ એલિસીઝ ઉપર યોજાતો સંગીત જલસો રદ કરી દેવાયો છે. વધારે ભીડ થાય અને ક્યાંક દોડધામમાં માણસો ઘાયલ થાય તો? આવી દુર્ઘટનાની સંભાવના ટાળવા આ નિર્ણય લેવાયો છે. સિડનીમાં તો થોડા દિવસો પૂર્વે જ હુમલો થયો હતો તેથી ત્યાં પણ નવા વર્ષની ઉજવણી રદ છે. આવું જ જાપાનમાં થયું છે.

ક્યાંક આતંકી હુમલા પછીની સ્થિતિ છે, ક્યાંક તેની સંભાવના છે. તો કોઈ જગ્યાએ ભીડને લીધે દુર્ઘટનાનો ડર સરકાર કે પ્રશાસનને છે. ઈસુના નવા વર્ષની ઉજવણી તો વૈશ્વિક છે. કેટલાંય એવા સ્થળ છે જ્યાં 31મી ડિસેમ્બરનો સૂર્યાસ્ત અને 1 જાન્યુઆરીનો સૂર્યોદય જોવા પહોંચતા હોય છે. ભવ્ય આતશબાજી સાથે રાત્રે 12 વાગ્યે નવા વર્ષની ઉજવણી થાય છે. આ તો વેશ્વિક નવું વર્ષ ગણાય છે તેથી દરેક દેશમાં પર્યટન સ્થળ, મેટ્રોમાં તે ઉજવાય છે પરંતુ આ વર્ષે સ્થિતિ અલગ છે. આવું જો ભારતમાં થયું હોય તો? અહીં સરકાર કોઈ ઉજવણી પર પ્રતિબંધ મૂકે તો તેનું જ અસ્તિત્વ જોખમાય. કોરોના સમયના નિયંત્રણો પણ પ્રજાને ગમ્યાં નહોતાં.

ક્રિકેટ ટીમને આવકારવા એકત્ર થયેલા ટોળાંને લીધે થયેલાં મૃત્યુ. ફિલ્મી નટ નેતા બને તેની રેલીમાં થયેલા અકસ્માત, મંદિરમાં થયેલી ભીડ જેવી ઘટનાઓ આપણે ત્યાં છે. આયોજકો કે પ્રજા પોતે તો ક્યારેય સામેથી એવું ન જ કહે કે અમે સંયમથી વર્તશું. ક્યારેક સરકાર કે પ્રશાસન વ્યવસ્થાના ભાગરુપે કોઈ નિયંત્રણ મૂકે તો પણ તેનું પાલન પૂર્ણપણે થતું નથી. સામે એક વિચાર એવો છે કે આતંકવાદ સામે લડવાનું હોય કે ડરીને આવી ઉજવણીઓ બંધ કરવાની હોય? પરંતુ આતંકવાદીઓના જીવન વિશ્વ માટે મહત્વના નથી. નાગરિકોના જીવ અગત્યના છે માટે કોઈ આવો નિર્ણય લે તો તે ઝૂકી જવાની વાત નથી, જીવવા તરફનો અભિગમ છે.

ઇ-પેપરના નવા શુલ્ક