આખરે વીસ વર્ષે ઠાકરે બંધુઓએ ગઈગુજરી ભૂલી જઈ એક થવાના નિર્ણય પર મહોર મારી છે. પોતાના વેગળા ચૂલાનું અસ્તિત્વ જાળવી રાખતાં સહભોજન માટે બે ભાઈઓ ભેગા થયા છે. આપસના મતભેદો દૂર થયા કે નહીં, એ તો એ બંને જ જાણે. ભૂતકાળ કોરાણે મૂકી બંને સાથે આવવા માટે મરાઠી માણૂસનું નામ આગળ કરી રહ્યા છે, પણ સર્વવિદિત છે કે આ તેમના પોતાના અસ્તિત્વને ટકાવવા માટેનો આખરી દાવ છે. આ બંને શા માટે સાથે આવ્યા છે, એના કરતાં તેમની યુતિને પગલે આગળ જતાં શું થઈ શકે, એ મુદ્દો વધુ મહત્ત્વનો છે. ભાજપના દેવેન્દ્ર ફડણવીસે તો ઠાકરે ભાઈઓના મિલનને યુક્રેન અને રશિયા એક થઈ જવાની ઉપમા આપી છે અને આ ગઠબંધનથી વાસ્તવમાં કોઈ ફરક નહીં પડે, એવું ભારપૂર્વક તેમણે કહ્યું છે. મહાવિકાસ આઘાડી આ ચૂંટણીઓ સાથે નહીં લડે, એ તો લગભગ નિશ્ચિત છે અને મહાયુતિમાં પણ ભાજપ શિંદેસેનાને 100 જેટલી બેઠકો નહીં ફાળવે એ પણ દીવા જેવું સ્પષ્ટ છે. ઠાકરે બંધુઓ એકજૂટ થવાથી ચિંતા તો રાજ્યના દરેક પક્ષની વધી છે. ચૂંટણીઓ આવે એટલે મુંબઈના મહારાષ્ટ્રથી અલગ કરવાના પ્રયાસો અમે સાંખી નહીં લઈએ, એવી એક બૂમ ઊપડે છે. જોકે, અત્યારના સમયમાં આ મુદ્દામાં વજૂદ રહ્યું નથી, આથી શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને માત્ર આ એક મુદ્દો ચગાવવા કે મરાઠી માણૂસની અસ્મિતાનો જૂનો રાગ આલાપવાને બદલે પોતે રાજ્ય માટે શું કરવા માગે છે અને શું કરી શકે છે, એ મતદારોના ગળે ઉતારવાની જરૂર વધુ છે.
એક
તો શિવસેનાનો જનાધાર બે ફાળિયાંમાં વહેંચાઈ ગયો છે અને બીજું, મનસેના જનાધારનો પનો
ટૂંકો છે. મુંબઈમાં મરાઠી મતો પચાસેક ટકા જેટલા છે અને છ લોકસભા મતદાર સંઘમાં આ પ્રમાણ
ચાળીસેક ટકા જેવું છે. ભાજપની પડખે હિન્દી, ગુજરાતી, મારવાડી તથા અન્ય મતદારો મક્કમપણે
ઊભા છે. ભાજપને ટક્કર આપી શકે એવી ગજું શિવસેના-મનસે ગઠબંધનમાં છે, એવી ઇમેજ સર્જવામાં
સફળતા મળી તો મુસ્લિમ અને ઓબીસી મતો તેમની તરફેણમાં આવી શકે છે, પણ એ પહેલાં આંતરિક
ખેંચતાણનો ઉકેલ લાવવાનો રહેશે. યાદ રહે, વિધાનસભા ચૂંટણીમાં આ બંને ભાઈઓએ એકમેક સામે
ઉમેદવારો ઊભા રાખ્યા એના કારણે આદિત્ય ઠાકરે વરલીમાંથી જીત્યો અને અમિત ઠાકરેને માહિમમાં
હારનું મોઢું જોવું પડ્યું હતું. મુંબઈમાં તો ભાજપ સામે ઉદ્ધવ-રાજ વચ્ચે જ સ્પર્ધા
દેખાય છે. મુંબઈમાં શિવસેનાની મોટા ભાગની શાખાઓ અને સંગઠન પર એકનાથ શિંદેનો કબજો છે,
પણ ખરેખર જનાધાર તેમની તરફેણમાં છે કે કેમ એની કસોટી પણ થવાની છે. હાલના જનાધાર અને
ચૂંટણી પરિણામોના આધારે તો ભાજપ સૌથી બળુકો પક્ષ છે, પણ ખરેખર તો રણમાં જીતે તે શૂર.