• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

બાહુબલી ઈસરો

ક્રિસમસની પૂર્વસંધ્યાએ ઇન્ડિયન સ્પૅસ રિસર્ચ અૉર્ગેનાઈઝેશન (ઈસરો)એ અત્યાર સુધીના સૌથી ભારેખમ રૉકેટનું સફળ પ્રક્ષેપણ કર્યું. અમેરિકન મોબાઈલ સેવા પ્રદાતા ખાનગી કંપની એસએસટી માટે 6100 કિલો વજનની બ્લૂ બર્ડ બ્લૉક- 2 દૂરસંપર્ક સેટેલાઈટને અવકાશમાં મોકલી, એ બાબત અવકાશ ટેક્નૉલૉજી ક્ષેત્રમાં ભારત અને ઈસરોના દબદબાનો પુરાવો છે જ. પણ સાથે વિદેશમાં ઉપલબ્ધ લૉન્ચ વિકલ્પો કરતાં ઘણા ઓછા ખર્ચે આ કામ પાર પાડયું એ બાબતનું મહત્ત્વ પણ બહુ મોટું છે. એલવીએમ3એ (લૉન્ચ વૅહિકલ માર્ક-થ્રી) બાહુબલીએ સિફતપૂર્વક અમેરિકાની ન્યૂ જનરેશન કૉમ્યુનિકેશન સેટેલાઈટને અવકાશમાં મોકલવા સાથે સમાનવ સ્પૅસફ્લાઈટ, ડીપ-સ્પૅસ મિશન અને હવે હાઈ-ઍન્ડ કમર્શિયલ ડિપ્લોયમેન્ટમાં પણ પોતાની કાબેલિયત પુરવાર કરી છે. અત્યાર સુધી ઈસરોએ વજન-કદની દૃષ્ટિએ ચારસોથી વધુ નાના-મોટા ઉપગ્રહોનું પ્રક્ષેપણ કર્યું છે, પણ ખાસ વાત એ છે, એલવીએમની વજન મર્યાદા 4100 કિલો છે અને ઈસરોએ 6100 કિલોની સેટેલાઈટને અવકાશમાં મોકલવામાં સફળતા મેળવી છે. આ પહેલાં મંગલયાન, ચંદ્રયાન તથા એકસાથે 104 સેટેલાઈટ્સ લૉન્ચ કરવાનું પરાક્રમ ઈસરોએ કરી દેખાડયું છે. અવકાશમાં રહેવાની ક્ષમતા વિકસાવવા તથા ત્યાં બાયો-ટેક્નૉલૉજિકલ પ્રયોગોની તક સર્જવાનો આશય ધરાવતું ગગનયાન અભિયાન પણ ભારતે હાથ ધર્યું છે.

નવી સેટેલાઈટના હેરફેર માટે જૂના-ખખડેલા બળદગાડાના ઉપયોગથી એકાદ દાયકા પહેલાં લૉન્ચ સ્ટેશન સુધીના ઈસરોના પ્રવાસે ભારતને અવકાશ ક્ષમતા ધરાવતા દેશોની યાદીમાં માનભર્યું ઉચ્ચ સ્થાન અપાવ્યું છે. ટેક્નૉલૉજિકલ મર્યાદાઓથી આત્મનિર્ભરતા સુધીના આ પ્રવાસનું આગવું મહત્ત્વ છે. અનેક દાયકાઓ સુધી, વિકસિત રાષ્ટ્રોએ ભારતને મિસાઈલ કે પરમાણુ ટેક્નૉલૉજી વિકસાવતું રોકવા વ્યૂહાત્મક ટેક્નૉલૉજીના નિકાસમાં અનેક નિયંત્રણો નાખ્યાં હતાં, છતાં આજે અમેરિકા જેવા દેશની કંપનીનું સેટેલાઈટ ભારત-ઈસરો લૉન્ચ કરે છે, એ બાબત આપણી પ્રગતિનું યશગાન છે. ઈસરોએ 34 દેશોની 434 સેટેલાઈટ્સ સફળતાપૂર્વક લૉન્ચ કરી છે. આમ છતાં, ઈસરો તથા તેના વિજ્ઞાનીઓની થવી જોઈએ એટલી કદર-પ્રશંસા થતી નથી. અત્યારે અવકાશ ટેક્નૉલૉજીમાં વિશ્વ બજારમાં ભારતનો હિસ્સો માંડ બે ટકા જેટલો છે અને આગામી દસ વર્ષમાં તે આઠ ટકા સુધી લઈ જવાનું લક્ષ્ય છે. અત્યારે સેટેલાઈટ લૉન્ચિંગનું વિશ્વ બજાર આશરે 15-20 બિલિયન ડૉલરની આસપાસ છે અને તેમાં થઈ રહેલા વધારાનું પ્રમાણ જોતાં 2030 સુધીમાં બજારનું કદ 90 બિલિયન ડૉલરની નિકટ પહોંચી શકે છે અને આના આઠ ટકા હિસ્સો મેળવવાના લક્ષ્ય સાથે ઈસરો કામ કરી રહ્યું છે. આ ક્ષેત્રમાં બાહુબલી બનવાની દોડમાં ભારત અત્યારે ભલે પાછળ હોય, પણ તે યોગ્ય માર્ગ પર છે, એ તો ‘બાહુબલી’ના લૉન્ચે સાબિત કરી દીધું છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક