- ખેડૂતો ચિંતિત ઃ કોડિનાર, પંચમહાલ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા માવઠું વરસ્યું
(ફૂલછાબ
ન્યુઝ)
અમદાવાદ,
રાજકોટ તા. 2 ઃ છેલ્લા બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદ સહિત
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે આજે હવામાન
વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે રાજ્યમાં માવઠાના સંકટની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં
ધીરે ધીરે ઠંડીનું જોર ઘટી રહ્યું છે અને છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે.
રાજકોટ સહિત રાજયના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહયું છે અને
સૌરાષ્ટ્રમાં કોડિનાર પંથકમાં કમોસમી વરસાદ પણ વરસ્યો છે ત્યારે હવે રાજયના 8 જિલ્લામાં
માવઠાનું સંકટ ઊભું થયું છે. જેમાં હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લામા
ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી કરી છે.
હવામાન
વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, વડોદરા, ભરૂચ અને અરવલ્લી જિલ્લામાં
વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડા, આણંદ અને પંચમહાલ જિલ્લામાં પણ માવઠાની
શક્યતા છે, જેના કારણે ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
રાજ્યમાં
ભર શિયાળે કમોસમી વરસાદની આગાહી છે, ત્યારે પંચમહાલ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં
આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા માવઠું થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં પંચમહાલના
શહેરા તાલુકામાં મોરવા રેણાં પંથકમાં અને મહીસાગર જિલ્લાના સંતરામપુર પંથકમાં માવઠું
થતાં ખેડૂતોમાં ચિંતા વધી છે.
કમોસમી
વરસાદની હવામાન વિભાગની આગાહીને લઈને ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા ખેડૂતોને પાક
સંરક્ષણ માટે અગમચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. હવામાન નિષ્ણાતોના અનુસાર
તેમજ દક્ષિણ ગુજરાત, વડોદરા, ભરૂચમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ઉભા કૃષિ પાકો
પર અસર થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગમાં કમોસમી વરસાદ કે છાંટા પડી શકે છે.
4થી 8 તથા 12 ફેબ્રુઆરી હળવો પશ્ચિમી વિક્ષેપ આવશે. પશ્ચિમી વિક્ષેપના કારણે ઉત્તરીય
પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે.