પાક.ના કેટલાક પૂર્વ ખેલાડીઓ નિર્ણયના વિરોધમાં
નવી
દિલ્હી, તા.2: પાકિસ્તાન સરકાર દ્વારા ટી-20 વિશ્વ કપના ભારત વિરુદ્ધના મેચના બહિષ્કારના
એલાન પછી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ કહ્યું છે કે, અમને આશા છે કે પાકિસ્તાન
ક્રિકેટ બોર્ડ (પીસીબી) તમામ હિતધારકોને ધ્યાને રાખીને તેમના નિર્ણય પર કોઈ સમાધાન
કરશે. આઇસીસીએ એવી પણ ટકોર કરી છે કે પીસીબીની નિર્ણય ખેલભાવના વિરુદ્ધનો છે. જે આઇસીસી
આચારસંહિતનાનું ઉલ્લંઘન કરે છે. આ ઉપરાંત આઇસીસીએ પીસીબીને ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી
પણ આપી છે. જેને બીસીસીઆઇના ઉપાધ્યક્ષ રાજીવ શુકલાએ યોગ્ય ઠેરવી છે.
1પ
ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાનાર ભારત-પાકિસ્તાનનો લીગ મેચ ટૂર્નામેન્ટનો સૌથી લોકપ્રિય
અને વ્યાવસાયિક રૂપે લાભદાયી માનવામાં આવે છે. પાક. સરકારે ગઈકાલે ટી-20 વર્લ્ડ કપના
ભારત સામેના મેચની બહિષ્કારની જાહેરાત કરી હલચલ મચાવી દીધી છે. પાક.ના આ નિર્ણયની ક્રિકેટ
જગતમાં વ્યાપક ટીકા થઈ રહી છે. પાકિસ્તાનના જ બાસિત અલી અને કામરાન અકમલ સહિતના બીજા
પૂર્વ ખેલાડીઓ આ નિર્ણયના વિરોધમાં છે. બીજી તરફ ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનિલ
ગાવસ્કરનું કહેવું છે કે આઇસીસીએ પાક. ટીમ પર કડક કાર્યવાહી કરવી જોઇએ.
આ દરમિયાન
એવા રિપોર્ટ સામે આવ્યા છે કે પાકિસ્તાન ટીમના મેચ બહિષ્કારની જાહેરાત છતાં ટીમ ઇન્ડિયા
શ્રીલંકાનો પ્રવાસ કરશે અને 1પ ફેબ્રુઆરીએ નિર્ધારિત સમયે મેદાનમાં ઉપસ્થિત રહેશે.
ટીમ ઇન્ડિયા આઇસીસી પ્રોટોકોલનું પાલન કરશે. ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવ અને ટીમ
મેચ રેફરીના મેચ રદ થયાના ફેંસલા બાદ જ મેદાન છોડશે. આથી પાક.ને ઝીરો અને ઇન્ડિયાને
2 પોઇન્ટ મળશે. ભારતીય ટીમ મેચ અગાઉ નેટ પ્રેક્ટિસ અને પ્રેસ કોન્ફરન્સ પણ કરશે.