• મંગળવાર, 17 માર્ચ, 2026

અમેરિકાના ધાર્મિક આયોગની અસહિષ્ણુતા : સંઘ, રો ઉપર પ્રતિબંધની ટ્રમ્પને સલાહ

વર્ષોવર્ષ ભારત વિરોધી એજન્ડા ફેલાવતા ધાર્મિક આયોગનો ફરી નવો રિપોર્ટ : ધાર્મિક સ્વતંત્રતા ઘટી રહી હોવાનો દાવો

 

નવી દિલ્હી, તા. 16 : અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગે ટ્રમ્પ પ્રશાસન સમક્ષ ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ અને ભારતની ગુપ્તચર એજન્સી ‘રો’ ઉપર પ્રતિબંધ લાદવાની ભલામણ કરી છે. આયોગે આરોપ મુક્યો હતો કે આરએસએસ અને રોના કારણે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા ઘટી છે. ભારતને ધાર્મિક સ્વતંત્રતા મામલે વિશેષ ચિંતાનો  દેશ ગણાવતા અમેરિકી આયોગે વોશિંગ્ટન સરકારને કહ્યું છે કે તે ભારત સાથે હથિયારના વેચાણ અને  વ્યાપાર નીતિ ઉપર પણ ધ્યાન આપે. હજી સુધી ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકાની કથિત સંસ્થા યુએસસીઆઈઆરએફના નવા રિપોર્ટ ઉપર કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ અગાઉ પણ અમેરિકી ધાર્મિક સંસ્થા ભારત વિશે વાંધાજનક રિપોર્ટ આપી ચુકી છે અને ભારત દ્વારા તેના ઉપર યોગ્ય પ્રતિક્રિયા મળી છે.

યુએસસીઆઈઆરએફ દ્વારા જાહેર કરવામાં આવેલા પોતાના નવા વાર્ષિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ સતત બગડી રહી છે. આટલું જ નહી ધાર્મિક અલ્પસંખ્યકો અને પૂજા સ્થળોને નિશાન બનાવવામાં આવતા હોવાનો આરોપ મુકાયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના ઘણા રાજ્યોમાં ધર્મ પરિવર્તન  (જુઓ પાનું 10)

વિરોધી કાયદા લાગૂ કરવાનો પ્રયાસ થયો છે. આ કાયદામાં આરોપીઓ સામે આકરી સજાની જોગવાઈ પણ છે. ભારતીય અધિકારીઓએ નાગરિકો અને ધાર્મિક શરણાર્થીઓને જેલમાં નાખવા કે દેશની બહાર કરવાની પ્રક્રિયા સુગમ બનાવી છે. આ ઉપરાંત ટ્રમ્પ પ્રશાસનને ભલામણ કરી છે કે ભારત સરકાર ઉપર ધાર્મિક મુદ્દાને લઈને દબાણ કરવામાં આવે. અમેરિકી સરકારે ભારતને હથિયાર વેચવા ઉપર પણ વિચાર કરવો જોઈએ કારણ કે ભારત સરકાર તરફથી અમેરિકી નાગરીકો અને ધાર્મિક અલ્પસંખ્યકો સામે ડરાવવા ધમકાવવાની ઘટનાઓ થાય છે. ઉલ્લેખનીય છે કે ભારત સરકાર સતત આ આયોગના રિપોર્ટને પક્ષપાતી અને રાજનૈતિક રીતે પ્રેરિત ગણાવે છે. 2025માં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અમેરિકી રિપોર્ટ ભારતના વિવિધતામાં એકતાના સમાજ ઉપર સવાલ ઉઠાવવાનો એજન્ડા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક