આમ આદમી પાર્ટીએ (આપ) રાજ્યસભાના ઉપ-નેતા પદ પરથી રાઘવ ચઢ્ઢાને હટાવવાનો નિર્ણય લીધો છે, એનાથી વધુ એકવાર સાબિત થયું છે કે, પક્ષમાં બધું ક્ષેમકુશળ નથી. આપના સુપ્રીમો અરાવિંદ કેજરીવાલને દિલ્હી ઍક્સાઈઝ નીતિના કેસમાં મળેલી અદાલતી રાહતને એકાદ મહિનો માંડ થયો છે, ત્યાં પક્ષની અંદરનો ખળભળાટ ફરી સપાટી પર આવ્યો છે અને પંજાબના સાંસદ ચઢ્ઢાને બહારનો રસ્તો લગભગ દેખાડી દેવાયો છે. કેજરીવાલ આ મુદ્દે મૌન છે, પણ આપના પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન, આતિશી જેવા વરિષ્ઠ નેતાઓ અને ચઢ્ઢા વચ્ચે જે રીતે સોશિયલ મીડિયામાં સામસામું વાકયુદ્ધ ચાલી રહ્યું છે, એ જોતાં પાર્ટી વિથ ડિફરન્સનો આપનો દાવો પોકળ સાબિત થઈ રહ્યો છે. કેજરીવાલના નિકટવર્તીઓમાં ગણાતા અને જનલોકપાલ વિધેયકનો મુસદ્દો અને પક્ષનું જાહેરનામું ઘડવામાં જેમની મહત્ત્વની ભૂમિકા હતી, એવા લંડન સ્કૂલ અૉફ ઈકોનૉમિક્સના ભૂતપૂર્વ વિદ્યાર્થી રાઘવ ચઢ્ઢાનો ફાળો આપે પંજાબમાં મેળવેલી સફળતામાં ખાસ્સો મોટો હતો.
દિલ્હીના
વિધાનસભ્ય અને 2022થી પક્ષ તરફથી રાજ્યસભામાં ગયેલા રાઘવ ચઢ્ઢાએ સંસદના ઉપલા ગૃહમાંના
કાર્યકાળમાં મોબાઈલ ડેટા, પેટર્નિટી લીવ તથા ઍરપોર્ટ પર મોંઘા ભાવે વેચાતી ચીજો જેવા
મહત્ત્વના મુદ્દા ઉપાડ્યા હતા. જોકે, આપના વરિષ્ઠ નેતાઓએ હવે આક્ષેપ કર્યા છે કે, સંસદમાં
રાઘવે ક્યારેય વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અવાજ ઉપાડ્યો નથી. દિલ્હીના શરાબ કૌભાંડમાં
કેજરીવાલ અને નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડ થઈ ત્યારે આપના કાર્યકર્તાઓ
રસ્તા પર ઉતરી આવ્યા હતા, એ વખતે રાઘવ ચઢ્ઢા આંખની સારવાર માટે લંડન જતા રહ્યા હતા.
તો, ગયા મહિને અદાલતે આ બંનેને ક્લીન ચિટ આપી ત્યારે પણ તેમની ગેરહાજરી જોવા મળી હતી.
આ ઉપરાંત, વિરોધી પક્ષોએ લીધેલી ભૂમિકા અનુસાર તેમણે સભાત્યાગ કર્યો નહોતો કે મુખ્ય
ચૂંટણી કમિશનર સામેના મહાભિયોગ પ્રસ્તાવ
પર પણ તેમણે સહી કરી નહોતી. આ સાથે જ પક્ષના નેતાઓએ તેમના માટે જો ડર ગયા સમજો મર ગયા
એવા ફિલ્મ શોલેના સંવાદની પૉસ્ટના જવાબમાં ચઢ્ઢાએ ધુરંધર ફિલ્મનો ડાયલોગ ઘાયલ હૂં ઈસલિયે
ઘાતક હૂં એવું લખ્યું છે.
આપમાંથી
પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ તથા કુમાર વિશ્વાસ તથા શરૂઆતના અનેક નેતાઓએ રાજીનામાં
આપ્યાં છે. વળી, સ્વાતિ માલીવાલ અને અન્ય અનેક નેતાઓએ પક્ષના મોવડીમંડળ પર ટીકાસ્ત્રો
છોડ્યાં છે, આ યાદીમાં જોડાયેલું નવું નામ રાઘવ ચઢ્ઢા છે. રાજ્યસભા સાંસદ તરીકે ચઢ્ઢાના
કાર્યકાળના હજી બે વર્ષ બાકી છે અને આવતા વર્ષે પંજાબ વિધાનસભાની ચૂંટણી હોવાથી ચઢ્ઢા
અને આપના આગામી પગલાં પર સૌની નજર રહેશે.