• મંગળવાર, 07 એપ્રિલ, 2026

ચૂંટણીપંચની સ્વાયત્તતા જળવાવી જોઈએ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું વાતાવરણ શરૂ થઈ ગયું છે, ચૂંટણીપંચની ભૂમિકા ફરી વિશેષ રીતે શરૂ થશે. છેલ્લા છ-બાર મહિના જો કે આમ પણ મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા, તેનો વિરોધ, ચોક્કસ વર્ગના નામ બાદ થવા સહિતની બાબતોને કારણે ચૂંટણીપંચ ચર્ચામાં રહ્યું. દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટિસે એક જાહેર કાર્યક્રમમાં ચૂંટણીપંચ પાસે શું અપેક્ષિત છે તેની વાત કરી. સૌના કાન સરવા થાય તે સ્વાભાવિક છે કારણ કે આ મહત્વના વિષય ઉપર વાત કરનાર વ્યક્તિ પણ મહત્વના છે. લોકશાહીના ચાર સ્તંભો વિશે આપણે હંમેશાં વાત કરતા આવ્યા છીએ. ચૂંટણી પંચ જેવી સંસ્થા-વ્યવસ્થા પણ આખરે લોકશાહીનો અગત્યનો આધાર છે તે નિ:શંક છે.

ચૂંટણીપંચની વ્યવસ્થા વર્ષોથી અસ્તિત્વમાં છે. ટી.એન. શેષાનનો કાર્યકાળ એવો હતો જ્યારે જનતાને જાણ થઈ કે આવી પણ કોઈ સત્તા છે. મતદાન માટેના ઓળખપત્રો અમલી બન્યા. ચૂંટણી આચારાસિંહિતા જેવો એક ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો. સભા સરઘસની સમયમર્યાદા, ઉમેદવારોના ખર્ચની મર્યાદા. ચૂંટણીપંચ દરેક ચૂંટણી વખતે પ્રકાશમાં રહે, આખું વહીવટીતંત્ર તેની પાસે હોય. સમયાંતરે ચૂંટણીપંચ ઉપર વિવિધ આક્ષેપ થતા રહે છે. સ્વાયત્ત વ્યવસ્થા હોવા છતાં તે સરકારને અનુસરે છે, સરકાર કહે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થાય છ વગેરે આરોપ લાગે છે. મતદારયાદી સુધારણા કાર્યક્રમ વખતે તો સતત આવી ચર્ચા ચાલી. ચૂંટણી પંચ પાસે તટસ્થતા-નિષ્પક્ષતાની અપેક્ષા રહે જ તે પણ ખોટું નથી.

સર્વોચ્ચ અદાલતના જસ્ટિસ બી.વી. નાગરત્નાએ ચૂંટણીપંચને કોમ્પ્ટ્રોલર ઓફ ઓડિટર જનરલ- કેગની સાથે સરખાવતાં કહ્યું કે આ સંસ્થાઓ બાહ્ય પ્રભાવથી મુક્ત અને વિશિષ્ટ હોય છે. આવી સંસ્થાઓ સ્વતંત્રરૂપથી કાર્ય કરે અને રાજનૈતિક પ્રક્રિયાઓથી પ્રભાવિત ન થાય તે અત્યંત જરૂરી છે. પટણાની ચાણક્ય નેશનલ લો યુનિવર્સિટીમાં અધિકારોથી અલગ સાવિંધાનવાદ : સંરચનાનું મહત્વ શું? તે વિષય ઉપર ડો. રાજેન્દ્રપ્રસાદ સ્મારક વ્યાખ્યાનમાં જસ્ટિસ નાગરત્નાએ કરેલી આ વાત અત્યંત અગત્યની છે. સાથે જ એ પણ વિચારવાનું કે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિએ આ વિષય ઉપર આવું કેમ કહ્યું? આટલા જવાબદાર વ્યક્તિ આવી અપેક્ષા જાહેર કરે તેના સંકેત મોટા છે. તેમની પાસે પણ આવી કોઈ વિગત કે માહિતી હશે ને? તેમણે કહ્યું કે, ચૂંટણી સમયાંતરે આકાર લેતી કોઈ એક ઘટના નથી પરંતુ એક એવું તત્ર છે જેના માધ્યમથી રાજનૈતિક સત્તાનું ગઠન થાય છે. સરકારમાં પરિવર્તન સુચારુ રુપે થાય તે આપણા સંવૈધાનિક લોકતંત્રે સાબિત કર્યું છે. સૌથી અગત્યની વાત તેમણે એ કરી કે ચૂંટણી કરાવવાવાળા લોકો-પ્રશાસન જો ચૂંટણી લડતા લોકો ઉપર નિર્ભર રહે તો વિશ્વસનીયતા જાળવવી મુશ્કેલ જ બને. આવી સંસ્થાઓ એકમેક ઉપર નજર રાખવાનું બંધ કરી દે તો તેનું પતન ઝડપથી થાય છે. જો ચૂંટણીપંચ જેવી સંસ્થાઓની સ્વતંત્રતા ન રહે તો અદાલતો કામ કરે, સંસદ કાયદા પણ બનાવે, ચૂંટણીઓ પણ થાય પરંતુ પછી સત્તા ઉપર વાસ્તવિક લગામ રહેવી જોઈએ તે ન રહે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિની આ વાત દરેક પક્ષે ગાંઠે બાંધવા જેવી છે. કેન્દ્ર કે રાજ્યમાં જ્યાં જેની સત્તા હોય તેણે ચૂંટણીપંચની સ્વાયત્તતા બરકરાર રાખવી જોઈએ આ નિયમપાલન કે કાયદો માત્ર નથી. લોકશાહીને મજબૂત રાખવાનું ખરું માધ્યમ છે.

ઇ-પેપરના નવા શુલ્ક