ભારતીય ન્યાયપાલિકાના ઈતિહાસમાં દૃષ્ટાંતરુપ ચુકાદો મદુરાઈની અદાલતે આપ્યો. 2020ના સાથાનકુલમ કસ્ટોડિયલ ડેથના કિસ્સાનો ચુકાદો આપતાં કોર્ટે એકસાથે 9 પોલીસકર્મીને ફાંસીની સજા ફરમાવી. કોર્ટે પોતે પણ તેને રેરેસ્ટ ઓફ ધ રેર એટલે કે દુર્લભમાં પણ દુર્લભ એવો ચુકાદો કહ્યો છે. પોલીસ કે અન્ય કોઈ પણ સત્તા પોતાની ક્ષમતા અને અધિકારોનો દુરુપયોગ કરતાં ડરે, સંયમ જાળવે તેવો આ કિસ્સો છે. ફિલ્મી વાર્તા લાગે તેવો આ બનાવ તદ્દન સાચો અને અત્યંત ગંભીર છે. કોર્ટે જે ન્યાય કર્યો તેના પછી તો ભારતના કાનૂન ક્ષેત્રે તે તવારીખી બની ગયો છે. 2020માં બનેલા આ બનાવનો ચુકાદો ભલે છ વર્ષે આવ્યો પરંતુ વર્ષો સુધી તેનું ઉદાહરણ અપાતું રહેશે તેવો આવ્યો છે.
સાથાનકુલમમાં
વેપારી પી. જયરાજ અને તેમના પુત્ર જે. બેનિક્સનું પોલીસના કબજામાં મૃત્યુ થયું હતું.
શું ગુનો હતો તે બન્નેનો? વાંચીએ તો વધારે ચોંકી જઈએ. કોરોનાને લીધે લોકડાઉન ચાલુ હતું.
આ પિતા-પુત્રે સરકાર દ્વારા નિયત કરેલી અવધિ કરતાં વધારે સમય સુધી દુકાન ખુલ્લી રાખી
હતી. 58 વર્ષના પિતા, 38 વર્ષના પુત્રને પોલીસે ઉઠાવી લીધા હતા. એમને અમાનુષી રીતે
માર મારવામાં આવ્યો, બન્નેનાં મૃત્યુ થયાં હતા. મદુરાઈની અદાલતે 6 એપ્રિલે પોલીસ ઈન્સપેક્ટર
શ્રીધર સહિત 9 દોષિતને ફાંસીની સજા આપી. આ મુદ્દે કોર્ટના નિરીક્ષણો અત્યંત અગત્યના
છે. કોર્ટે કહ્યું કે કાયદાના રક્ષકો દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરીને સામાન્ય નાગરિકોને
બેરહેમીથી મારવા તે સમાજના અંતરાત્માને ધ્રુજાવી દેવાની ઘટના છે.
જ્યાં
શક્તિ હોય-સત્તા હોય ત્યાં જવાબદારી પણ હોવી જોઈએ, આ ચુકાદો પોલીસ વિભાગમાં વ્યાપ્ત
દંડમુક્તિની સંસ્કૃતિને કડક સંદેશ આપે છે કે ગણવેશની અંદર છુપાઈને જો કોઈ અપરાધ કરશે
તો તેણે કાયદાના ઉચ્ચતમ દંડનો સામનો કરવો પડશે,
તેવું કહીને કોર્ટે ટકોર કરી કે પોલીસનું કૃત્ય માત્ર અપરાધ જ નથી પરંતુ માનવ અધિકાર
અને માનવીય ગરિમા ઉપરનો પ્રહાર હતું. આરોપીને પોલીસ કબજામાં યાતના આપવી તે સંવૈધાનિક
મૂલ્યોનું ગંભીર ઉલ્લંઘન છે. મદ્રાસ હાઇકોર્ટે સુઓમોટો લઈને કિસ્સાની તપાસ સીબીઆઈ
(કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો)ને સોંપી હતી. લંબાણપૂર્વકની સુનાવણી અને 100થી વધારે સાક્ષીઓના
નિવેદનો બાદ થયેલો આ નિર્ણય ન્યાયપ્રણાલીની મજબૂતી દર્શાવે છે.
બિહારમાં
એસિડ રેડીને આંખ ફોડી નંખાયાનો કિસ્સો બન્યો હતો. કસ્ટોડિયલ ડેથ કંઈ નવી વાત નથી. અધિકારીની
બદલી કે સસ્પેન્શન જેવાં પગલાં તેમાં લેવાતા હોય પરંતુ એકસાથે નવ પોલીસ કર્મચારીને
ફાંસીની સજા એ ઘણો આકરો ચુકાદો છે. જે લોકો સત્તાનો દુરુપયોગ કરવામાં માને છે તેઓએ
ચેતવું જોઈએ.