• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

આ હાશકારો કેટલો ટકશે ?

આખા જગતના શ્વાસ મંગળવારે રાત્રે અદ્ધર હતા. શું થશે? અમેરિકા આસૂરી તાકાતની જેમ ઈરાન ઉપર ત્રાટકશે? ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે તેમ તેઓ ઈરાની સભ્યતાનો નાશ કરી નાખશે? વહેલી સવારે લોકોએ સમાચાર જોયા કે આ ભીષણ, ભયાનક યુદ્ધ પંદર દિવસ માટે સ્થગિત કરાયું છે. હાશકારો અનુભવાયો. શાતા આપતા આ સમાચાર શેરબજારને પણ ગમ્યા. જો કે અત્યાર સુધી બન્ને પક્ષો જે રીતે વર્ત્યા છે, વિશેષત: અમેરિકાએ જે તબાહી સર્જી છે તે જોતાં હજી વિશ્વાસ નથી આવતો કે આ હાશકારો કેટલો ટકશે ! યુદ્ધ પંદર જ દિવસ સ્થગિત કરાયું છે તે તો ઠીક પરંતુ તે દરમિયાન પણ શું થશે તે નક્કી નથી.

‘ઈરાનની સંસ્કૃતિ ખતમ કરી નાંખશું’ તેવી ટેરિફ કિંગ ટ્રમ્પની ધમકીને એક જ કલાકની અવધિ બાકી હતી ત્યાં જ બન્ને તરફથી યુદ્ધ સ્થગિત થવાની ઘોષણા થઈ. આ સમજૂતી અંતર્ગત હોર્મુઝ ખાડી ખોલી નાખવાની પણ ખાતરી અપાઈ, વિશ્વના અનેક દેશોની ચિંતા હાલ પૂરતી ઓછી થઈ. યુદ્ધ સ્થગિત કરાવવાનો યશ પાકિસ્તાન લઈ રહ્યું છે તેના પણ કેટલાંક કારણ છે પરંતુ અંદરની વાત તો એવી છે કે આખરે હસ્તક્ષેપ ચીનનો હતો. ચીને બન્ને પક્ષને અહં ઓગાળવા કહ્યું. હવે અમેરિકા અને ઈરાનની વચ્ચે ઈસ્લામાબાદમાં વાતચીત શરૂ થશે. જો કે સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ પણ કહે છે કે આ સંવાદ યુદ્ધના અંતનો સંકેત નથી.

બન્ને પક્ષ વચ્ચે 14 દિવસ વાર્તાલાપ થશે. ઈરાને કહ્યું, ‘અમારા હાથ ટ્રીગર ઉપર છે, શત્રુનો થોડો અટકચાળો પણ તેને ભારે પડશે.’ ઈઝરાયલે પણ કહ્યું છે કે ‘િસઝફાયર મંજૂર પરંતુ લેબેનોનમાં તો ભડાકા ચાલુ જ રહેશે.’ આ સમજૂતીના કેટલાક કારણો અગત્યના છે. ડોનાલ્ડ ટ્રમ્પ શાતિર છે તેવું વધુ એકવાર સાબિત થયું. ઈરાનની દસ સૂત્રીય યોજનાને તેમણે આધાર માની. મીડલ ઈસ્ટમાં અમેરિકાના સૈનિકોની રક્ષા સાથે પણ તેને વિદેશી માધ્યમો જોડી રહ્યા છે. યુદ્ધને લીધે સમગ્ર વિશ્વમાં ઊર્જા સંકટ ઊભું થઈ રહ્યું હતું. પુરવઠાની વૈશ્વિક સાંકળ ખોરવાઈ રહી હતી. ઈરાન ભલે હાર્યું નહોતું પરંતુ થાક્યું તો હતું જ.

હવે સવાલ એ છે કે યુદ્ધ પર અલ્પવિરામ મૂકાયો છે. સ્થાયી શાંતિ સમજૂતી  સુધી તેઓ પહોંચી શકશે કે નહીં તેના ઉપર ભાવિ નિર્ભર છે. જો બન્ને પક્ષે સમજૂતી સધાય, તેના ઉપર બન્ને ઊભા રહે તો આ 14 દિવસ એક કૂટનિતિક અવસર છે પરંતુ અહંકાર શમે નહીં, વૈમનસ્ય વકરતું જ રહે તો 14 દિવસ પછીના દિવસો વધારે ભયાનક હશે. સૌથી અગત્યનો સવાલ એ છે કે જે કાયમ આતંકવાદને પોષે છે, પોતાની ક્ષમતા કંઈ નથી છતાં ભારતમાં છમકલાં કરીને માર ખાય છે તે પાકિસ્તાન યુદ્ધ વિરામમાં મધ્યસ્થી કરી રહ્યું છે. જો કે શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર જો ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના માટે ઝંખી શકે તો પાકિસ્તાન સમજૂતીમાં મધ્યસ્થી કરે તેમાં આશ્ચર્ય થાય નહીં. 

ઇ-પેપરના નવા શુલ્ક