દેશભરમાં સમાજના તમામ વર્ગોને અસર કરી રહેલા સાયબર ગુનેગારોની સામે જાગૃતિના અને પગલાંના દાવા વચ્ચે આ ગુનાખોરીના અંતના કોઈ અણસાર જણાતા નથી. રોજેરોજ નવા નવા કારસામાં નિર્દોષ લોકોના લાખો રૂપિયાની સાયબર ધાડના બનાવ વધી રહ્યા છે ત્યારે ઠગાઈ અને વિશ્વાસઘાતની મસમોટી રકમ સગેવગે કરવામાં બેંકિંગ વ્યવસ્થાના કર્મચારીઓની સાંઠગાઠ તરફ ભાગ્યે જ કોઈએ ધ્યાન આપવાની તસ્દી લીધી છે. સાયબર ગુનાખોરીના વધતા જતા વ્યાપની સામે દેશભરની સલામતી એજન્સીઓ મથી રહી છે ત્યારે આવી ઓનલાઈન ધાડનાં નાણાંની માટે બેંકોના જવાબદારો મદદગાર બની જતા હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે. સામાન્ય લોકોને નજીવા કમિશનની લાલચ આપીને સાયબર ગઠિયાઓ તેમનાં ખાતાંનો ઉપયોગ છેતરપિંડીની મસમોટી રકમ જમા કરાવવા માટે કરતા હોવાની હકીકત આજકાલની નથી. મ્યુલ ખાતાં તરીકે કુખ્યાત આ બેંક એકાઉન્ટ - આવાં ખાતાં ખોલાવવાથી માંડીને તેનાં ઓપરેશન તરફ કોઈનું ધ્યાન ન જાય તે માની શકાય તેમ નથી. સાયબર ગુનેગારોના કારસામાં બેંકના કર્મીઓની સાંઠગાઠ હોવાની વાત હવે નક્કર સ્વરૂપમાં સામે આવી રહી છે. તાજેતરમાં રાજધાની દિલ્હીના ન્યૂ કોલોની વિસ્તારમાં એક સહકારી બેંકના નાયબ મેનેજરની આવા ગુના માટે ધરપકડ થઈ હતી. આવા કિસ્સા વધુ ને વધુ સામે આવી રહ્યા છે.
દરમ્યાન
ગુજરાત પોલીસે આવાં ખાતાંની સામે ઓપરેશન મ્યુલ હન્ટ શરૂ કરીને રૂા. 2,200 કરોડથી વધુની
લેવડદેવડ કરાવતા એક હજારથી વધુ ખાતાં અને ખાતાધારકોની સામે કાર્યવાહી હાથ ધરી છે. પહેલી જૂનના અપાયેલી સત્તાવાર માહિતી મુજબ 638 આરોપીઓ
સામે પ6પ એફઆઈઆર નોંધાઈ છે. સૌરાષ્ટ્રના નાના
નગરો પણ હવે આ પ્રકારની છેતરપિંડીમાંથી બાકાત નથી કારણકે ‘ઓન લાઇન’ આ છેતરપિંડીમાં
ભૌગોલિક સ્થળ અગત્યાનું નથી. આ કિસ્સામાં ગાંધીધામની એક ખાનગી બેંકના કર્મચારીની સંડોવણી
પણ સામે આવી છે. દિલ્હીમાં અને ગાંધીધામમાં
મ્યુલ બેંક ખાતાંના બનાવમાં બેંક કર્મચારીઓની સંડોવણી સામે આવતાં આ સાયબર ક્રાઈમનાં
ચક્રમાં બેંકના જવાબદારોની ભૂમિકા પ્રસ્થાપિત થઈ રહી છે. પોલીસ અને સલામતી એજન્સીઓ સાયબર ક્રાઈમને રોકવા
લોકોને જાગૃત કરવા સતત મથી રહ્યા છે ત્યારે
આ ગુનામાં છેતરપિંડીની રકમ જ્યાં જમા થાય છે તે બેંક ખાતાંને શોધીને ગુનેગારોના સગડ
અને રકમ મેળવવા પર વધુ વ્યવસ્થિત રીતે વ્યૂહરચના ઘડી કાઢવાની જરૂરત છે. સામાન્ય લોકોને
જાગૃત કરવાની સાથોસાથ આવી જવાબદાર બેંકોને તેમનાં ખાતાંના વ્યવહારો તરફ આંખ આડા કાન
કરવાને બદલે લેવડદેવડ પર બારીકાઈથી નજર રાખવાની તાલીમ આપવાની પણ તાકીદની જરૂરત છે.
દેશભરના પોલીસદળોએ ગુજરાતનાં ઓપરેશન મ્યુલ હન્ટમાંથી બોધપાઠ લેવાની પણ ખાસ જરૂરત છે.
કેન્દ્રીય સ્તરે ઓપરેશન મ્યુલ હન્ટના સંકિલત અમલથી સાયબર ગુનાખોરીનાં વળતાં પાણી કરી
શકાય તેમ છે.