તેહરાન / વોશિંગ્ટન, તા. 15 : છેલ્લા ચારેક મહિનાથી વિશ્વભરના દેશોના શ્વાસ અદ્ધર કરી નાખતાં આર્થિક આંચકા આપનાર યુદ્ધની આગનું આખરે શમન કરતા ઘટનાક્રમમાં અમેરિકા અને ઈરાન યુદ્ધ ખતમ કરવા માટે શાંતિ સમજૂતી કરવા સહમત થઈ ગયા છે. ઈરાને કહ્યું હતું કે, લાંબી અને મુશ્કેલ વાતચીતના અંતે બન્ને દેશોએ શાંતિ સમજૂતીના 14 મુદ્દા સમાવતા મુસદ્દા પર સહમતી સાધી લીધી છે અને સમજૂતી કરારને અંતિમ રૂપ આપી દેવાયું છે. યુદ્ધના અંતની સમજૂતીના એલાનની અસરથી ક્રૂડતેલની કિંમતો ચાર ટકા ઘટી હતી. દરમિયાન હોર્મુઝમાંથી જહાજોની અવરજવર પણ શરૂ થઈ ગઈ હતી. યુધ્ધના કારણે ખાડીમાં અટવાઈ પડેલા જહાજો અને ખલાસીઓ પણ આ તકનો લાભ લઈને તાત્કાલિક ત્યાંથી રવાના થવા લાગ્યા છે.
અમેરિકાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટને ફરી ખોલાશે. ટ્રમ્પે
ઈરાની બંદરગાહો પર અમેરિકી નૌકાદળની નાકાબંધી તરત હટાવવાની પણ મંજૂરી આપી દીધી હતી.
ઈરાનને
24 અબજ ડોલરનું ફ્રિઝ કરાયેલું ભંડોળ અમેરિકા જારી કરે અને પ્રતિબંધો હટાવવાની પ્રક્રિયા
શરૂ કરવા સહિત 14 મુદ્દા શાંતિ માટેના સમજૂતી
કરારમાં સામેલ કરાયા છે.
સ્વીત્ઝર્લેન્ડના
જીનીવામાં 19 જૂનના શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર થશે તેવું પાકિતાનના વડાપ્રધાન શાહબાઝ
શરીફે જણાવ્યું હતું. જો કે, ઈસ્લામાબાદના સ્થાને હસ્તાક્ષર માટે જીનીવાની પસંદગીનો
ફેંસલો મધ્યસ્થતા દાવા કરતાં રહેલાં પાકિસ્તાનને મોટો ઝટકો છે.
બીજી
તરફ ઈઝરાયલે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી શાંતિ સમજૂતીને માનવાનો ઈન્કાર કરી દીધો
હતો.
ઈઝરાયલના
સંરક્ષણ મંત્રી ઈનરાઈલ કાર્ટઝે કહ્યું હતું કે, અમારી સેના દક્ષિણી લેબેનોનમાંથી પાછળ
નહીં હટે, તો રાષ્ટ્રીય સુરક્ષામંત્રી ઈતમાર બેનગ્વીરે જણાવ્યું હતું કે, અમે અમેરિકાના
ગુલામ નથી. ઈઝરાયલ એક આઝાદ દેશ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પથી સમજૂતી અમારા દેશ પર લાગુ નથી
થતી.
દરમ્યાન ઈરાનના નાયબ વિદેશમંત્રી કાજેમ ગરીબાબાદીએ
કહ્યું હતું કે, અમે એમઓયુ પર હસ્તાક્ષર થયા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે 60 દિવસની
વાતચીત ત્રણ શરત પર નિર્ભર રહેશે.
ગરીબાબાદીએ
અમેરિકી નાકાબંધી ખતમ કરવી, યુદ્ધ અને તમામ પ્રકારની સૈન્ય કાર્યવાહી રોકવી અને ઈરાનના
સ્થગીત ભંડોળને જારી કરવાની ત્રણ શરત રાખી હતી.
ટ્રમ્પે
કહ્યું હતું કે, હોર્મુઝ ફરી ખોલાશે. દુનિયાના જહાજો પોતાના એન્જિન ચાલુ કરો, તેલને
વહેવા દો.
શાંતિ
સમજૂતીની ઘોષણા બાદ ઈરાનની સેનાએ કહ્યું હતું કે, અમારી તાકાતના કારણે દુશ્મન પાસે
સમજૂતીનો માર્ગ અપનાવીને નમવા સીવાય કોઈ વિકલ્પ નહોતો.
ઈરાની
સેનાએ દાવો કર્યો હતો કે, જનતા અને સૈનિકો મજબૂતીથી લડતમાં ટકી રહ્યા હતા એ જ કારણે
અમેરિકા પીછેહટ કરવા માટે મજબૂર થઈ ગયું છે.
દરમ્યાન
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ જણાવ્યું હતું કે, લેબેનોનની અખંડતા
અને સંપ્રભુતા શાંતિ સમજૂતીની મુખ્ય શરતોમાં સામેલ છે.
બઘાઈ
બોલ્યા હતા કે, આ સમજૂતીમાં તમામ મોરચા પર યુદ્ધ ખતમ કરવા અને લેબેનોનની સ્વતંત્રતા,
સીમાઓનું સન્માન કરવા પર ભાર મુક્યો છે.
ભારત
ઉપરાંત કુવૈત, યુએઈ, સાઉદી અરેબિયા, જોર્ડન, ઈજિપ્ત, ચીન, બ્રિટન સહિત દેશોના નેતાઓએ
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીનું સ્વાગત કરતા આ ફેસલાને દુનિયાના હિતમાં તેમજ
મોટી સફળતા લેખાવ્યો હતો.
-----------------
હોર્મુઝનો
માર્ગ નિ:શુલ્ક નહી રહે : ઈરાનનો સાફ સંદેશ
તેહરાન,
તા. 15 : ઈરાક અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક મોટી સમજૂતી થવાની છે અને તેના ઉપર
જીનેવામાં હસ્તાક્ષર કરવામાં આવશે. આ મામલે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ
બકાઈએ ખુલીને વાત કરી હતી જેમાં એક વાત સ્પષ્ટ કરી હતી કે હોર્મુઝમાં અવરજવર નિ:શુલ્ક
રહેશે નહી. બકાઈએ કહ્યું હતું કે આ સમજૂતી ઈરાની લોકોની ઐતિહાસિક હિંમતનું પરિણામ છે.
બકાઈએ સાફ કહ્યું હતું કે, સમજૂતીમાં લેબનોન શબ્દ ત્રણ વખત છે. જેમાં લેબનોનની સંપ્રભુતાનું
સન્માન, જમીની અખંડતા અને યુદ્ધ બંધ કરવાની વાત છે. જો કે હોર્મુઝમાં અવજવર હવે નિ:શુલ્ક
નહી રહે તેવી વાત પણ સામે આવી છે. બકાઈએ કહ્યું હતું કે હોર્મુઝમાંથી જે જહાજ પસાર
થશે તેની પાસેથી નેવિગેશન સેવા, વીમા અને પર્યાવરણ સુરક્ષા જેવી સેવાઓના બદલામાં ફી
લેવામાં આવશે. આ ટોલ નથી પણ સેવાઓના બદલે શુલ્ક છે.