• મંગળવાર, 16 જૂન, 2026

સુપર ઓવરમાં શ્રીલંકાની જીત બાદ વૈભવ સાથે ધક્કામુક્કી ત્રિકોણીય વન ડે શ્રેણીનો ભારત-શ્રીલંકા A ટીમનો મેચ ટાઇ થયો

દામ્બુલા તા.1પ: ત્રિકોણીય વન ડે શ્રેણીનો ભારત-શ્રીલંકાની એ ટીમનો મેચ ટાઇ થયો હતો. બાદમાં સુપર ઓવરમાં શ્રીલંકાનો વિજય થયો હતો. સુપર ઓવરની જીત બાદ શ્રીલંકાના ખેલાડીઓએ ભારતના 1પ વર્ષીય ખેલાડી વૈભવ સૂર્યવંશી સાથે બોલાચાલી કરી હતી. આ વિવાદમાં વૈભવ પણ શ્રીલંકાના ખેલાડીઓ તરફ ધસી ગયો હતો. સુપર ઓવરમાં શ્રીલંકા એ ટીમના 16 રનના જવાબમાં ભારતીય એ ટીમના 9 રન થયા હતા. આ મેચમાં ભારતને 10 રનની પેનલ્ટી મોંઘી પડી હતી. સુપર ઓવરમાં વૈભવ 3 દડામાં 6 રને અને સૂર્યાંશ 3 દડામાં 3 રને નોટઆઉટ રહ્યા હતા. ત્રિકોણીય વન ડે શ્રેણીમાં ભારતીય એ ટીમે હવે બુધવારે અફઘાનિસ્તાન સામેના મેચમાં હરહાલમાં જીત મેળવવી પડશે. તો જ ફાઇનલની આશા જીવંત રહેશે.

અગાઉ ભારતના 49.2 ઓવરમાં 26પ રન થયા હતા. જવાબમાં શ્રીલંકાના પ0 ઓવરમાં 9 વિકેટે 26પ રન થયા હતા. આથી એક સમાન સ્કોરને લીધે મેચ ટાઈ થયો હતો. ભારતીય ટીમના ઝડપી બોલર અશરદ ખાને આખરી ઓવરમાં ફકત 4 રન આપ્યા હતા અને બે વિકેટ પણ લીધી હતી. જેથી મેચ સુપર ઓવરમાં પહોંચ્યો હતો.

ભારતીય એ ટીમે 7 વિકેટ 143 રનમાં ગુમાવી દીધી હતી. આ પછી સૂર્યાંશ શેડગેએ 72 અને અનુકુલ રોયે પ1 રન કરી ભારતીય એ ટીમનો સ્કોર 26પ રને પહોંચાડયો હતો. બાદમાં સદીરા સમરવિક્રમાની 93 રનની ઈનિંગથી શ્રીલંકાનો સ્કોર પણ 26પ રન થયો હતો.

ઇન્ડિયા A ટીમને પેનલ્ટીના 10 રન મોંઘા પડયા

ઇન્ડિયા એ ટીમને 10 રન પેનલ્ટીના મોંઘા પડયા હતા. વિપરાજ નિગમ આ મેચમાં પિચના ડેન્જર એરિયામાં અમ્પાયરની ચેતવણી છતાં બે વખત દોડયો હતો. આથી મેચ રેફરીએ ભારતને 10 રનની પેનલ્ટી આપી હતી. શ્રીલંકા ટીમ દાવ લેવા મેદાનમાં આવી ત્યારે પહેલેથી તેનો સ્કોરમાં 10 રન બોર્ડ પર આવી ગયા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક