બંધારણીય
સંસ્થાના નિર્ણયની ટીકાનો અધિકાર સૌને છે પરંતુ તે સંસ્થાની વગોવણી યોગ્ય નથી તેવી
સી જે આઈ સૂર્યકાંતની શીખ માત્ર યુવાનો માટે નહીં, પ્રત્યેક નાગરિક માટે અગત્યની છે.
તેમણે આ વાત કરી તો છે સેન્ટ્રલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પરંતુ તેનો અમલ સામાન્ય
હોય એવી અપેક્ષા રહે. બીજી બાજુ કેટલાક માધ્યમકર્મીઓએ સ્વતંત્રતા વિશે ફરીયાદ કરી છે. હિમાચલ પ્રદેશમાં સેન્ટ્રલ યુનિવર્સિટીમાં
સી જે આઈ સૂર્યકાંતે કહ્યું કે લોકશાહીમાં નાગરિકોને બંધારણીય સંસ્થાઓના નિર્ણયો સામે
ટીકા કરવાનો અધિકાર છે, પરંતુ સંસ્થાઓને જ નિશાન બનાવવાનું ટાળવું જોઈએ. કોઈ સંસ્થાના
એક નિર્ણય અને તે સંસ્થા એ બંને વચ્ચે તફાવત છે. લોકશાહીને ટકાવવા માટે બંધારણીય સંસ્થાનોમાં
લોકોનો વિશ્વાસ જરૂરી છે. આ અતિ મહત્વની વાત છે. આપણે હવે માધ્યમોની ભરમાર વચ્ચે છીએ,
આ સામૂહિક ડહાપણનો સમય છે. બધા પાસે વિચાર છે, માહિતી છે. વિચાર કે વિરોધની અભિવ્યક્તિ
સારી વાત છે પણ કોઈ એક નિર્ણય કે બાબત સમગ્ર સંસ્થાનો માપદંડ નથી.
સુપ્રીમ
કોર્ટ હોય, સંસદ હોય, ચૂંટણીપંચ હોય કે અન્ય બંધારણીય સંસ્થા, તેની કામગીરીની ટીકા
થઈ શકે છે. કોઈ સંસ્થા ટીકાથી પર હોઈ શકે નહીં પરંતુ ટીકા તથ્ય આધારિત અને તર્કબદ્ધ
હોવી જોઈએ. વ્યક્તિગત આક્ષેપો અને સંસ્થાની વિશ્વસનીયતા સામેના પાયાવિહોણા હુમલાઓ લોકશાહીને
નુકસાન પહોંચાડી શકે છે. કોઈ અંગત નકારાત્મક દ્રષ્ટિકોણને સાર્વત્રિક બનાવાય નહીં.
આખરે આ સંસ્થાનો અનેક લોકોની બંધારણીય આસ્થાના કેન્દ્રો છે. ન્યાયતંત્રની સ્વતંત્રતા
લોકશાહીના પાયામાં છે. તેના વિશે પણ વિમર્શ થઈ શકે પણ અકારણ ટીકા ન હોય.નાગરિકને સત્તા
સામે પ્રશ્ન પૂછવાનો અધિકાર છે. અસંમતિને સંસ્થાવિરોધી પ્રવૃત્તિ ગણી શકાય નહીં.
સૌથી
મોટો પ્રશ્ન
સંસ્થાની
ગરિમા જાળવવાના નામે ટીકાનો અવાજ દબાઈ ન જાય અને ટીકાના અધિકારના નામે સંસ્થાઓની વિશ્વસનીયતા
નષ્ટ ન થાય, એ સંતુલન લોકશાહીએ જાળવવાનું છે. તેથી જ કોઈ ઘૃણા કે દ્વેષ સાથે લોકશાહીની
સંસ્થા વિશે કોઈ નિવેદન કરવા જોઈએ નહીં. અલબત્ત,
સીજેઆઈએ કોઈ ફોડ પાડ્યો નથી પણ જો કોઈ ધારે તો એવું અર્થઘટન કરી શકે કે ચૂંટણી પંચ
વિશે જે વાત થઈ રહી છે તેને પણ આ મુદ્દો સુસંગત છે.
બીજી
તરફ સુપ્રીમમાં એક સંસ્થાએ કોર્ટે પત્રકારત્વ માટે કરેલી વાત પણ મહત્વની છે. નેટવર્ક
ઓફ વિમેન ઈન મીડિયા નામની એક સંસ્થાએ કોર્ટને કહ્યું હતું કે કાયદો વ્યવસ્થા જાળવવાના
નામે માધ્યમોના કામ ઉપર નિયંત્રણ લાદવા જોઈએ નહીં, મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ થયેલા
આંદોલનનું વૃતાંત લેવા ગયેલા પત્રકારની કરાયેલી અટકાયત સંદર્ભે આ વાત થઈ છે. પત્રકારો
ઉપર હુમલા થયા, તેમને રિપોર્ટિંગ કરતા રોકાયા. પોલીસે કોર્ટમાં કરેલા સોગંદનામાના સંદર્ભે
આ મુદ્દે કોર્ટના દ્વાર આ સંસ્થાએ ખખડાવ્યા છે. એક તરફ સીજેઆઈ સરકારી સંસ્થાની બિનજરૂરી
ટીકા ન કરવાની મહત્વની વાત કરે છે. બીજી તરફ માધ્યમો પણ સ્વતંત્રતા માટે પુકાર કરે
છે.