• મંગળવાર, 30 એપ્રિલ, 2024

જંગલમાં ટ્રેન વ્યવહાર પર બ્રેક

ગિરના જંગલનું આકર્ષણ સતત વધતું રહ્યું છે. તેની સામે વન્ય સૃષ્ટિના સંરક્ષણ માટેના પડકારો પણ સતત સામે આવે છે. વન તંત્ર પ્રયાસ પણ કરે છે અને ક્યાંક તેની ‘સરકારીકરણ’ વાળી ખામીઓ પણ દેખાય છે. પરિણામે સિંહના અકાળે મોતથી માંડીને વન વિસ્તારમાં થતી ગેરકાયદે પ્રવૃત્તિ નોંધપાત્ર રીતે વધતી રહે છે. જો કે, પર્યાવરણવાદી સંસ્થાઓ અને અદાલતો જંગલના રખોપા કરતા હોવાનું પણ સમયાંતરે જોઈ શકાય છે. ગિરના જંગલમાં ટ્રેનની અવરજવર પર મુકાયેલા નિયંત્રણ અને બનેલા નવા નિયમો તેની ગવાહી પુરે છે. 

રેલવે ટ્રેક પર પસાર થતા સિંહ કે અન્ય પ્રાણીઓના કમોત થતા હોવાના બનાવ વારંવાર નોંધાતા રહે છે. ગિરમાંથી પસાર થતી આ ટ્રેન પરોક્ષ રીતે જંગલ સફારીનું સ્થાન લે છે. મુસાફરોને વન્ય સંપદા જોવાનો લહાવો પણ મળે છે પરંતુ સિંહ કે સિંહબાળ કે દીપડાના મૃત્યુ થતા હોવાની ઘટના પર્યાવરણના સંતુલન માટે યોગ્ય નથી સતત ચર્ચા વચ્ચે આ મુદે થયેલી સુઓમોટો અંતર્ગત હાઈ કોર્ટના મુખ્ય જજ સુનીતા અગ્રવાલ અને અનિરૂદ્ધ મયીની બેન્ચે મહત્વનો ચુકાદો આપ્યો છે. હવે પછી ગિરના જંગલમાંથી રાત્રે એક પણ ટ્રેન પસાર નહીં થાય.

આ નિર્ણય અતિ મહત્વનો છે સાથે જ ટ્રેનની ગતિ પણ 30 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. વન વિસ્તારમાં પ્રાણીઓના થતા આકસ્મિક મોત હવે નિવારી શકાશે કે પછી તેની સંખ્યામાં ચોક્કસ ઘટાડો થશે તેવી આશા રાખી શકાય. જો કે, અન્ય મુદાઓની જેમ અહીં પણ અદાલતે ટકોર કરવી પડી છે. પર્યાવરણવાદી સંસ્થાઓ ગિરના જંગલની વિવિધ સમસ્યાઓ માટે જાગૃતિ દાખવે છે. તેમાં કેટલાક લોકો વન વિભાગની સામે અકારણ મુદા પણ ઉભા કરતા રહે છે પરંતુ એકંદરે આવી સંસ્થાઓ જંગલની જાળવણી માટે મથે છે.

વન વિસ્તારમાં વાયરસ ન ફેલાય તે માટે તંત્ર પ્રયત્નશીલ હોય છે, તો પાળી વગરના કૂવાનો પ્રશ્ન પણ જુનો છે. ખેતરને બચાવવા માટે ઇલેકટ્રિક શોક જેવા રસ્તા ખેડૂતો અપનાવતા તે બાબતે પણ જાગૃતિ દાખવીને પ્રયાસ કરવામાં આવ્યા છે. તે જ દિશામાં ટ્રેનની ગતિ પરનું નિયંત્રણ એક વધારે પગલું છે.

સિંહોની ચિંતા સરકાર અને અદાલત કરે તે આવકારદાયક અને આવશ્યક છે. એશિયાટીક લાયન માત્ર ગિરમાં થાય છે તેથી તેનું તો મહત્વ છે જ પરંતુ ગિરની વન સૃષ્ટિની વિવિધતા અપાર છે. ભૂતકાળમાં વિનાશક વાવાઝોડા અને પુરનો સામનો ગિરના જંગલના વૃક્ષોએ કરીને અન્ય વિસ્તારમાં તબાહીથી બચાવી લીધા છે.

સિંહનું સંરક્ષણ સાથે જ ગિરના જંગલની સાર્વત્રિક સુરક્ષા સામૂહિક જવાબદારી છે. આ દિશામાં વન તંત્ર, રેવન્યુ તંત્રની નિષ્ઠાની સાથે જ પ્રજાની જાગૃતિ પણ જરૂરી છે. રેલવે ટ્રેકની બહાર વિહરતા સિંહો અને પ્રાણીઓને પણ આ રીતે જ બચાવવાના છે.

 

           

ઇ-પેપરના નવા શુલ્ક