• સોમવાર, 29 એપ્રિલ, 2024

ચૂંટણી પંચની સકારાત્મક સક્રિયતા 

ચૂંટણી સમયે સ્થાનિક, પ્રાદેશિક કે રાષ્ટ્રીય રાજકીય પક્ષ તો સ્વાભાવિક રીતે સક્રિય થાય જ પરંતુ છેલ્લા કેટલાક સમયથી મતદાન વધારવા માટે ચૂંટણી પંચની સક્રિયતા પણ ઉલ્લેખનીય રહી છે. ચૂંટણીને માત્ર સરકારી ઔપચારિકતા તરીકે લેવાના બદલે લોકોના વિરાટ સમુદાયને તેમાં જોડવાના સઘન પ્રયાસ થઈ રહ્યા છે. મતદાન જાગૃતિને એક ઝુંબેશ તરીકે લેવામાં આવી રહી છે. મજબૂત લોકશાહીનો મુખ્ય અને મહત્વનો આધાર નિષ્પક્ષ અને નિર્ભય ચૂંટણી છે. ભારત જેવડા મોટી વસતિ ધરાવતા દેશમાં પણ મતદાનનું પ્રમાણ રહેવું જોઈએ તેટલું રહેતું નહોતું પરંતુ હવે આ બાબતે જાગૃતિ આવી છે. 

રાજકીય પક્ષો ચૂંટણીના પ્રચાર માટે સતત મથી રહ્યા છે. રેલી, રોડ-શો, જાહેરસભા બધું થઈ રહ્યું છે. આધુનિક માધ્યમોનો પણ ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. મતદારોને આકર્ષી શકે તેવા મુદ્દા તો જુદા જુદા પક્ષો પાસે હોય છે પરંતુ મતદાન મથક સુધી જવા જોઈએ તેટલા લોકો જતા ન હોવાનો અનુભવ છે. રાજ્ય અને કેન્દ્રનું ચૂંટણીપંચ મતદારોને જાગૃત કરવા સતત અને સઘન પ્રયાસ કરી રહ્યું છે. ગામડે ગામડે મતદાન માટે અપીલ થઈ

રહી છે.

વિવિધ મોબાઈલ એપ્લિકેશન દ્વારા અનુરોધ કરવામાં આવી રહ્યો છે. દિવ્યાંગો અને વરિષ્ઠો માટે મતદાનની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શાળાઓમાં પણ મતદાન જાગૃતિની પ્રવૃત્તિ આ વખતે થઈ છે. અગાઉ જ્યાં મતદાન ઓછું થયું હોય તેવા વિસ્તારમાં પત્રિકા વિતરણ કરીને મતદાન વધારવા કાર્યવાહી થઈ રહી છે. ચૂંટણી તંત્ર માત્ર ઈવીએમ, કર્મચારી તાલીમ, મતદાન અને મત ગણતરી પુરતું મર્યાદિત નથી પરંતુ મતદાન વધારવાનો ચૂંટણીનો મૂળ હેતુ પૂર્ણ થાય તે માટે પ્રયાસ કરે છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારતમાં આ રીતે મતદાન માટે કામ થવું જ જોઈએ.

અગાઉ ચૂંટણી પછી વિવિધ પૃથક્કરણ થતા તેમાં એક મુદ્દો એ આવતો કે, 40 કે 42 ટકા મતદારોએ ચૂંટેલા નેતા 100 ટકા નાગરિકો પર શાસન કરે છે. આ ટકાવારી વધે તો લોકશાહી ખરા અર્થમાં ચરિતાર્થ થાય. લોકો માટે, લોકો વડે, લોકો દ્વારા ચાલતી શાસન પદ્ધતિ એટલે લોકતંત્ર તે ખરા અર્થમાં તો જ જોવા મળે જો મતદાન વધે. આ વખતે તો દેશ પ્રજાસત્તાક થયો તેનું અમૃત પર્વ છે અને તેની ઉજવણી જંગી મતદાન દ્વારા જ થઈ શકે.

ઇ-પેપરના નવા શુલ્ક