• મંગળવાર, 30 એપ્રિલ, 2024

વિકસિત ભારતનો સંકલ્પ

વિકસિત ભારત માટેનો સંકલ્પ - પત્ર ભારતીય જનતા પાર્ટીનો છે. લોકસભાની ચૂંટણી - 2024નો ઢંઢેરો કે ચીલાચાલુ ઘોષણાપત્ર નથી, અગાઉ - વર્ષ 1984થી અત્યાર સુધી અપાયેલાં વચનોના અમલના રિપોર્ટ કાર્ડ સાથે વિકસિત ભારતના વિગતવાર કાર્યક્રમ પાર પાડવાનો સંકલ્પ-દૃઢ નિરધાર છે. આત્મનિર્ભર ભારત નિર્માણ માટે વચનપત્ર છે : મોદીનો ગૅરંટી પત્ર છે! વિપક્ષોના રેવડી બજાર અને વિભાજક જાતિવાદથી લઈને ઉત્તર-દક્ષિણ ભારતના વિખવાદનો જવાબ છે! ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે મોરચા માંડતા અને લોકોને ગુમરાહ કરવાના નિષ્ફળ પ્રયાસ કરનારા નેતાઓને સ્પષ્ટ ચેતવણી છે: દેશહિતમાં વધુ મોટા, મહત્ત્વના, કડવા નિર્ણય આવી રહ્યા છે. મોદીએ કહ્યું છે: હમારે લિયે દલ સે બડા દેશ હૈ. હવે ચોથી જૂન પછી ઝડપથી કામ-કાર્યવાહી થશે એવી ખાતરી આપી છે. આ સંકલ્પ પત્ર વિશ્વના લોકશાહી દેશો માટે અનુકરણીય - ગોલ્ડ સ્ટાન્ડર્ડ બનશે.

આ સંકલ્પ પત્ર બે-ચાર નિષ્ણાતો-પ્રધાનોની સમિતિએ લખ્યો નથી. સમગ્ર દેશમાંથી વિવિધ વર્ગના નાગરિકોએ પાઠવેલા પંદર લાખથી વધુ સૂચનોનું નવનીત છે. જનતાના પ્રતિનિધિઓની રજૂઆતનો આ પરિપાક છે.

વિકસિત ભારતનો સંકલ્પ રજૂ કરતા વડા પ્રધાન મોદીએ ભારતનાં વિવિધ રાજ્યો-બંગાળ, આસામથી લઈને કેરળ, તામિલનાડુના નૂતન વર્ષથી શરૂ થતી શુભકામનાનો ઉલ્લેખ કર્યો. સંવિધાનના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી. નવરાત્રમાં મા કાત્યાયનીએ ચાર ભુજાઓમાં ‘કમળધારણ કર્યા છે એમ કહીને નમન કર્યું. ભારતની વિવિધતામાં એકતા છે. ધર્મભાવના છે એવો સંદેશ આપ્યો.

દક્ષિણ ભારત-િવશેષ કરીને તામિલનાડુમાં ડીએમકે અને કૉંગ્રેસ અલગતાવાદી-ભેદભાવના નામે પ્રચાર કરે છે. તમિળ ભાષા અને સંસ્કૃતિને રક્ષણ મળતું નહીં હોવાનો પ્રચાર કરે છે. તેના જવાબમાં મોદીએ વિશ્વમાં-સૌથી જૂની ભાષા-તમિળના વૈશ્વિક પ્રચાર માટે સંત થિરૂવર કલ્ચર સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે.

જાતિવાદના આધારે વસતિગણતરીનાં વચન આપનાર વિપક્ષી નેતાઓને પરોક્ષ જવાબ આપ્યો. ગરીબ, યુવા મહિલા અને કૃષિકાર-ના ઉત્કર્ષે જીવનધોરણ સુધારવાનો સંકલ્પ છે. યુવા ભારતની પણ આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. રોજગારી માટે નિવેશ મૂડીરોકાણ શ્રેષ્ઠ માર્ગ છે એમ કહીને દેશના ઉદ્યોગપતિઓને વખોડતા-ટીકા પ્રહારો કરનાર વિપક્ષને જવાબ આપ્યો છે. ગરીબ કલ્યાણની યોજનાઓથી 25 કરોડ લોકો ગરીબીની રેખાથી ઉપર આવ્યા છે. પણ તેઓ પાછા ગરીબીમાં ધકેલાય નહીં તે માટે કલ્યાણ યોજનાઓ જારી રખાશે. વિનામૂલ્યે અનાજ હજુ પાંચ વર્ષ ચાલુ રહેશે. પરિણામે પેટ અને મન ઉપરાંત ખિસ્સાં પણ સલામત રહેશે. સ્વાસ્થ્ય માટે જનઔષધિ 80 ટકા ડિસ્કાઉન્ટ ઘટેલા ભાવે દેશભરમાં ઉપલબ્ધ કરાશે. આયુષ્યમાન ભારતની યોજનાનો લાભ 70 વર્ષથી વધુ વયસ્ક નાગરિકો-ગરીબ, મધ્યમવર્ગ તથા સૌને મળશે. રૂા. પાંચ લાખ સુધીનો ખર્ચ આ યોજના હેઠળ મળશે.

દેશભરમાં ચાર કરોડ ઘર બાંધી આપવામાં આવ્યાં છે હવે ત્રણ કરોડ વધુ પાકાં ઘર અપાશે. પાઇપલાઇનથી રાંધણગૅસ ઉપરાંત વીજળી માટે સૂર્યઘરની યોજના વિસ્તારાશે. વિપક્ષો મફત વીજળીનાં વચનો આપે છે જ્યારે સૂર્યશક્તિથી ઘરવપરાશની વીજળી ઉપરાંત વધારાની વીજળીથી કમાણી પણ થઈ શકશે. વાહનોનાં ચાર્જિંગ પણ થશે. મુદ્રા યોજના હેઠળ લોનની મર્યાદા 10 લાખથી વધારીને 20 લાખ થશે. દિવ્યાંગ લોકો માટે મકાનોના બાંધકામમાં વિશેષ વ્યવસ્થાનો પ્રબંધ થશે. ટ્રાન્સજેન્ડર-સાથે ભેદભાવ નહીં, સમાન સવલતો હશે.

નારીશક્તિની નવી ભાગીદારી શરૂ થઈ છે. લખપતિ મહિલાઓની સંખ્યા એક કરોડ છે તે વધારીને ત્રણ કરોડ થશે. મહિલાઓ-જેમને સાઈકલ ચલાવતા આવડતી નહીં તેઓ આજે ડ્રૉન પાઇલોટ બને છે. તેનો લાભ કૃષિ ક્ષેત્રને મળે છે. કિસાનોની સમૃદ્ધિ વધારવા માટે ફૂડ પ્રોસેસિંગ દેશભરમાં વિસ્તારાશે. કઠોળ અને ખાદ્યતેલનું ઉત્પાદન વધારીને આત્મનિર્ભર બનાવાશે. શાકભાજી ઉત્પાદન અને વેચાણ માટે નવા કલસ્ટર્સ - સંકુલ અને મત્સ્યઉદ્યોગના વિકાસ સાથે ‘મોતીઉત્પાદન માટે માર્ગદર્શન અને સહાય અપાશે - માછીમારો માટે વીમા યોજના અને એમની સુરક્ષાની વ્યવસ્થા થશે.

નાના વ્યાપારીઓ અને ફેરિયાઓ પણ ભુલાયા નથી. ગ્રીન ઍનર્જી માટે ભારત વિશ્વનું કેન્દ્ર બનશે.

સમાજના તમામ વર્ગોને આવરી લેવાયા છે. કલ્યાણ - યોજનાઓ ઉપરાંત મોદીએ દેશહિતમાં મહત્ત્વના - કડવા નિર્ણયો લેવાની ખાતરી આપી છે. એક રાષ્ટ્ર એક ચૂંટણીનું વચનપાલન થશે. ભ્રષ્ટાચાર સામેનો જંગ જારી રહેશે. સરકારની ત્રીજી ટર્મના પ્રથમ 100 દિવસમાં કડક પગલાં લેવાની તૈયારી અત્યારથી શરૂ થઈ છે. મોદી સરકારના પ્રથમ દસ વર્ષમાં ‘ટ્રેલરજોયા પછી હવે ખરો ખેલ જોવા મળશે. ભ્રષ્ટાચારીઓને બચાવવા માગતા વિપક્ષી નેતાઓને આ સ્પષ્ટ સંદેશ, ચેતવણી છે.

ભાજપે આપેલાં વચનોનો અમલ કર્યો છે. વર્ષ 1984ના ઘોષણાપત્રમાં સંવિધાનની 370મી કલમ - કાશ્મીરનો વિશેષ દરજ્જો - રદ કરવાનું વચન આપ્યું હતું તેનો અમલ 2019માં થયો. આર્થિક નબળા વર્ગને અનામતનો લાભ આપવાનું વચન 1989માં અપાયું હતું તેનો અમલ 2019માં થયો. 1991માં અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું વચન અપાયું હતું તે 2024માં પૂર્ણ થયું. નાગરિકત્વ કાયદો, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગૅરંટી યોજના - 2005માં શરૂ થઈ. શિક્ષણ અધિકાર 2009માં અને રાષ્ટ્રીય અન્ન સલામતી - 2013માં શરૂ થઈ.

હવે જનકલ્યાણ અને આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત નિર્માણ થાય છે ત્યારે સંકલ્પ પત્ર રજૂ કરતા વડા પ્રધાન મોદીએ નૂતન ભારતની આકાંક્ષાઓ, સપના સાકાર કરવા માટે જનતા જનાર્દનના આશીર્વાદ માગ્યા છે...

 

 

ઇ-પેપરના નવા શુલ્ક