• મંગળવાર, 30 એપ્રિલ, 2024

આર્થિક ગતિવિધિઓ પર આક્રમણ

 શનિવારે મધરાતે વધુ બે દેશ વચ્ચે જંગ શરૂ થયો. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની વિપરીત અસરો વિશ્વ વેઠી રહ્યું છે ત્યાં જ ઈરાન અને ઇઝરાયેલ  બેઉ બળીયા બાથે વળગ્યા છે.  યુદ્ધ ન થવું જોઈએ તે બાબત આદર્શના સ્તરે કોઈ માને કે ન માને પરંતુ વ્યવહાર અને વાસ્તવિકતા ની દ્રષ્ટિએ માનવી પડે તેમ છે.   પ્રવર્તમાન સંજોગોમાં કોઈપણ દેશ એકબીજા પર હુમલો કરે તેની અસર વિશ્વ સ્તરે આર્થિક ગતિવિધિઓ પર પડે છે.  આધુનિક  આયુધો વડે થતા આક્રમણ દેશની સરહદો,  વિમાનમથકો કે અન્ય વ્યૂહાત્મક સ્થળો પર તો છે જ પરંતુ વિશ્વની આર્થિક ગતિવિધિઓ પર આક્રમણ થઈ રહ્યા છે છેલ્લા બે દિવસથી શેરબજારમાં સર્જાયેલી સ્થિતિ તેનું ઉદાહરણ છે.

 છેલ્લા સપ્તાહની આર્થિક ગતિવિધિઓને ધ્યાનમાં રાખીએ તો સોનુ અને સ્ટોક માર્કેટ વચ્ચે હરીફાઈ હતી.  સેન્સેક્સે  74 હજારની સપાટી સર કરી હતી ત્યાં જ સોનુ પણ તેજી પકડવા માંડયું અને શુક્રવારે 10 ગ્રામ નો ભાવ 75 હજાર હજાર રૂપિયા થઈ ગયો ત્યારે જ  નિષ્ણાતોએ શેરબજાર પર વિપરીત અસર પડવાની આગાહી કરી હતી કારણ કે ઈરાન ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ થશે તેવા ભણકારા વાગી રહ્યા હતા. આજે સોમવારે મળતા અહેવાલો અનુસાર સ્ટોક માર્કેટમાં રોકાણકારોના રૂ.6,00,000 કરોડ ધોવાઈ ગયા છે. યુદ્ધની સ્થિતિ લંબાશે તો બજાર વધારે પડે તેવી પણ સંભાવના નકારી શકાતી નથી.

વેપારની પરિભાષામાં જેને વોર કોમોડિટી કહેવાય છે તેવા સોનાના ભાવમાં થયેલો ઉછાળો નિયંત્રણમાં છે  યુદ્ધ વધારે ચાલશે તો સોનુ અને ક્રૂડ બંનેના ભાવ વધવાની પૂરી સંભાવના છે અને ક્રૂડ વધે તો  મોંઘવારીનું વિષચક્ર વધુ ગતિથી ચાલે તે સ્પષ્ટ છે. ક્રૂડના ભાવમાં થતો વધારો ફુગાવવામાં વધારો કરી શકે. સરવાળે તેનાથી સામાન્યમાં સામાન્ય લોકોના ખિસ્સા ખંખેરી નાખશે.

યુદ્ધની માનવીય અસરો તો ગંભીર છે જ પરંતુ આર્થિક ક્ષેત્રે પણ ઘણી મોટી અસર પડે છે સંયુક્ત રાષ્ટ્ર એ પણ કહ્યું છે કે હવે યુદ્ધ કોઈને પરવડે તેમ નથી.  2020માં વિશ્વને કોવિડ નામની મહામારીએ ભીસમાં લીધું હતું.  ત્યાર પછી રશિયા યુક્રેનનું યુદ્ધ અને હવે આ ઇઝરાયેલ ઈરાન ની લડાઈ ચડાઈનો સિલસિલો શરુ થયો છે. આ સ્થિતિ ચિંતાજનક છે. વિશ્વનું આર્થિક ક્ષેત્ર, વિવિધ દેશોના અર્થતંત્ર હવે આવા આંચકા ખમી શકે તેમ નથી. યુદ્ધ એ જ કલ્યાણ નહીં પરંતુ બારણે બારણે બુદ્ધની સંકલ્પના જ જગતને તારશે. આ કોઈ કાલ્પનિક વાત નથી, કોઈ આદર્શ નથી. નક્કર વાસ્તવ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક