• શનિવાર, 13 જુલાઈ, 2024

કસ્ટોડિયલ મૃત્યુ પ્રકરણમાં રાજકોટ પોલીસ કમિશનરને અનુસૂચિત આયોગની નોટિસ

માલવિયાનગર પોલીસ મથકમાં હમીર રાઠોડને ઢોરમાર મારતા સારવારમાં મૃત્યુ નીપજ્યું’તું : 15 દિવસમાં રિપોર્ટ કરવા આદેશ

રાજકોટ, તા.8 : રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, દિલ્હી દ્વારા રાજકોટમાં થયેલા કસ્ટોડિયલ ડેથના મુદ્દે રાજકોટ શહેર પોલીસ કમિશનરને નોટિસ આપી 15 દિવસમાં કેસની તમામ વિગતો સાથેનો વિગતવાર અહેવાલ પાઠવવા જણાવ્યું છે. જો સમય મર્યાદામાં અહેવાલ નહીં મળે તો જવાબદાર અધિકારી સામે સમન્સ કાઢવામાં આવશે તેમ આયોગે નોટિસમાં જણાવ્યું છે.

માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં હમીરભાઇ રાઠોડ અને રાજુભાઈ સોલંકી નામના વ્યક્તિઓને પોલીસ દ્વારા ગેરકાયદેસર ધરપકડ કરી કોઈ ગુના વગર પોતાના કબજામાં લઈ ઢોર માર મારતા બન્નેના ચાલુ સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ થયાં હતાં. જેમાં એક પોલીસમેન અશ્વિન કાનગડની ધરપકડ કરવામાં આવી છે. જે હાલ જેલ હવાલે છે.

14 એપ્રિલની રાત્રે માલવિયાનગર પોલીસે જ્યારે રાજુભાઈનાં ઘરે આવી હતી. રાજુભાઈનો પુત્ર બોલાવા જતા હમીરભાઈ જ સમગ્ર મામલામાં સમાધાન કરાવવા ગયા હતા. જ્યાં પોલીસે તેમની વાત સાંભળવાને બદલે લોકોની સામે જ તેમને માર માર્યો હતો. એ પછી તેમને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને ત્યાં કસ્ટડીમાં ઢોર માર માર્યો હતો અને અર્ધબેભાન થઈ ગયા બાદ તેમને છોડી મૂક્યા હતા.

બીજા દિવસે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. હમીરભાઈનાં મોતને હજુ 10 દિવસ માંડ થયા હશે. ત્યાં તેમના મિત્ર રાજુભાઈનું પણ મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે અમરેલીના કાંતિલાલ પરમાર નામના એક્ટિવિસ્ટ દ્વારા નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન અને નેશનલ સેડ્યુલ કાસ્ટ કમિશનમાં ફરિયાદ કરી હતી. બનાવ વખતે જ નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને તુરંત નોંધ લઈ રિપોર્ટ મગાવ્યો હતો. જેમાં હવે નેશનલ શેડયુલ કાસ્ટ કમિશને પણ રિપોર્ટ મગાવ્યો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક