• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

શિવરાજપુર ગામે સગીરાઓને વેચી નાખવાનું કૌભાંડ ચાલતું હોવાની ફરિયાદ

યુવાને તેની બહેનને દલાલોને વેચી નાખ્યાના આક્ષેપો : ગામના દંપતી સહિતનાઓ સામે આક્ષેપ

જસદણ, તા.ર1 : જસદણ તાબેના શિવરાજપુર ગામે રહેતા યુવાને તેની બહેન સહિતની અનેક સગીરાઓને લગ્ન કરવાના બહાને દલાલો દ્વારા વેચી નાખવામાં આવતી હોવાનું કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપો સાથે લેખિત ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, શિવરાજપુર ગામે રહેતા નિશાદભાઈ ભીમજીભાઈ રાઠોડ નામના યુવાને જસદણ પોલીસ મથકમાં અનેક ચોંકાવનારા આક્ષેપો સાથે લેખિતમાં ફરિયાદ કરી ગરીબ પરિવારની પુત્રીઓને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયા બાદ દલાલોને વેચી નાખવામાં આવતી હોવાના આક્ષેપો સાથે ફરિયાદ કરવામાં આવી હતી.

આ બનાવ અંગે વધુમાં જણાવ્યા મુજબ ફરિયાદી નિશાદ રાઠોડની બહેન ગત તા.18/10/ર4ના ઘેરથી નીકળ્યા બાદ ગુમ થઈ ગઈ હતી અને શિવરાજપુર ગામે રહેતા વર્ષાબેન રાજુભાઈ પરમાર, દીપક રાજુભાઈ પરમાર, રાજુ હીરાભાઈ પરમાર, ગોવિંદ જેઠા પરમાર, વાલજી દેહાભાઈ પરમાર નામના શખસો ભગાડી ગયાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી તેમજ બીજા દિવસે વર્ષાબેન અને રાજુભાઈ રાજકોટ ભાગી ગયા હતા. આ દપંતીએ તેની બહેનને વેચી નાખ્યાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ દંપતી સહિતના શખસો દ્વારા યુવતીઓને ભગાડી ગયા બાદ દલાલોને વેચી નાખવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

વધુમાં નિશાદ રાઠોડે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે શિવરાજપુર ગામેથી છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વર્ષા રાજુ પરમાર, દીપક રાજુ પરમાર, રાજુ હીરા પરમાર સહિતના શખસો દ્વારા પાંચ દીકરીઓને નાણાની લાલચ આપી કોર્ટ મેરેજ કરાવી દેવાના બહાને વેચી નાખતા હોવાનુ કોભાડ ચલાવતા હોવાનું જણાવ્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક