• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

ઇકોઝોન કિસોનોને બરબાદ કરે તે પહેલાં ઓનર્સ મિટિંગ બોલાવો : કિસાન સંઘ

મેંદરડા ખાતે કિસાન સંમેલન યોજાયું : કિસાન સંઘના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતોએ મામલતદારને આવેદન પાઠવ્યું

જૂનાગઢ, મેંદરડા, તા.ર1 : સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાનાં 196 ગામને ઇકો ઝોન હેઠળ મૂકવા સામે ઠેર-ઠેર વિરોધ વચ્ચે આજે મેંદરડામાં કિસાન સંમેલન યોજાયું હતું. જેમાં કિસાનોને બરબાદ કરનાર ઇકો ઝોન રદ કરવા અથવા ઓનર્સ મિટિંગ બોલાવી વાંધાઓ મેળવવાની માગણી સાથે કેન્દ્રના વન સચિવને ઉદ્દેશીને મામલતદારને આવેદન અપાયું હતું.

વન્ય પ્રાણીઓની સુરક્ષા સંવર્ધન માટે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જિલ્લામાં ર.14 ચો.કિ.મી. વિસ્તારમાં જંગલ છે તેમાં જ વન્ય પ્રાણીઓ માટે જરૂરી સુવિધા ઉભી કરાય તો પણ નવા ઇકો ઝોન લાગુ કરવાની જરૂર નથી. વન વિભાગએ જંગલની જાળવણી કરવાની જરૂર છે તેમજ કેન્દ્ર સરકાર દ્વારા નવા ઇકોઝોન લાગુ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે તેને સમજવામાં કિસાનો અસમર્થ હોય, સ્થાનીક ભાષામાં જાહેર કરવા માંગણી કરી છે. આ સાથે ઓનર્સ મિટિંગ બોલાવી વાંધા-સૂચનો મેળવવા માગણી કરી છે.

ઇકોઝોન લાગુ થયા બાદ કિસાનો ખેતી કરી શકશે નહીં, કારણ કે તેના નિયમો જડ છે. ખેડૂતને કૂવો, મકાન, બોર કરવા, પાઇપ લાઇન બિછાવવા માટે વનતંત્રની મંજૂરી લેવી પડશે. ઉપરાંત અત્યારે પ્લાસ્ટિક સર્વવ્યાપી છે. દૂધથી માંડી ખાદ્ય ચીજો પ્લાસ્ટિકમાં આવે છે તેનો વપરાશ કરાતા કિસાનો દંડાશે.

અત્યારે ગીર જંગલ બોર્ડર કાંઠાના ગામોનો લોકો વન્ય પ્રાણીઓથી પરેશાન છે. માનવમૃત્યુના બનાવો છાશવારે બને છે પણ જંગલ ખાતાના જડ કાયદાની સજા કિસાનો ભોગવે છે. આવા કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો અને ઇકોઝોન લાગુ કરવા માટે વનતંત્ર કવાયત કરે છે પણ જાહેરનામાની સાચી હકિકત કિસાનો જાણી શકતા નથી. તેથી કિસાનો જડ કાયદાથી છૂટવા આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે, તેમ કિસાન સંઘના આગેવાનોએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક