• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

અમદાવાદની એલ.ડી. કોલેજના રૂમમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો

હાથ અને ગળાના ભાગે બ્લેડ મારી આપઘાત કર્યો હોવાનું તારણ : પરીક્ષામાં મોબાઇલ સાથે ઝડપાયા બાદ સતત ડિપ્રેશનમાં હતો

અમદાવાદ, તા. 9: અમદાવાદ સ્થિત એલડી એન્જિનીયરીંગ કોલેજની હોસ્ટેલમાંથી  વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો.  વિદ્યાર્થીના ગળા અને હાથ પર બ્લેડ માર્યાના નિશાન મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાની શંકા છે જેના આધારે યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે. આ વિદ્યાર્થીનુ નામ ઉર્વિન હોવાનું બહાર આવ્યુ છે.

આ વિદ્યાર્થી એલ. ડી એન્જીન્યરીંગ કોલેજમાં કેમિકલ એન્જિનિયરીંગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો અને  હોસ્ટેલના ત્રીજા માળે 435 નંબરના રુમમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો. મૃતક વિદ્યાર્થીના હાથમાં અને ગળાના ભાગે બ્લેડ માર્યાના નિશાન હતા. જે રુમમાંથી મૃતદેહ મળી આવ્યો છે તે રૂમ ખંડેર હાલતમાં હતો.ઉર્વિનનો મિત્ર સવારે રૂમ તરફ આવ્યો અને રૂમ બંધ જોયો ત્યારે શંકા ગઈ અને રૂમમાં તપાસ કરતા વિદ્યાર્થીનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ પડયો હતો, જેથી હોસ્ટેલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસે બનાવના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઉર્વિને જાતે જ બ્લેડ મારી આપઘાત કરી લીધો છે. ઉર્વિનની 1 જુલાઈએ પરીક્ષા હતી, જેમાં ઉર્વિન મોબાઈલ સાથે ઝડપાયો હતો, જેથી તેને ભવિષ્ય અંગે ડર લગતા આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. 1 જુલાઇથી તે સતત ડીપ્રેશનમાં હતો. મૃતક વિદ્યાર્થી માંડવીના ગોકુળ વાસનો રહેવાસી છે. તેના પરિવારને આ વિશેની જાણ કરતા તેમના પર આભ તૂટી પડયું હતું. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક