• શનિવાર, 13 જુલાઈ, 2024

ચાઇનિઝ સ્ટીલના ડમ્પિંગથી રિ-રોલિંગ સ્ટીલની ખપત ઘટી

અલંગમાં આવતાં જહાજોની સંખ્યા સાધારણ, ટનેજના ભાવમાં અનિશ્ચિતતા

રાજકોટ, તા. 10(ફૂલછાબ ન્યૂઝ) ચીનથી કોમર્શિયલ ગ્રેડ સ્ટીલનું ડમ્પિંગ મોટાપાયે થઈ રહ્યું હોવાથી રિરોલિંગ સ્ટિલ અન્ડર કટિંગમાં વેચાઈ રહ્યું છે. સ્ટિલની મબલક આયાતને લીધે લોકલ બજારમાં ભાવ ઢીલા છે અને હવે રિરોલિંગની ખપત ઘટતા મુશ્કેલી પડી છે. તેની સીધી અસર અલંગના જહાજ ભાંગવાના ઉદ્યોગને થઈ છે. ચીનના હોટ રોલ્ડ કોઈલ 530-535 ડોલર પ્રતિ ટનના ભાવથી મળે છે એ કારણે ભારતના 25 ડોલર જેટલા ઊંચા ભાવમાં મળતા સ્ટિલની ખપત નથી. અલંગમાં એ કારણે ભારતીય ટનેજના ભાવ 520-560 ડોલર પ્રતિ ટન થઇ ગયા છે. શીપ બ્રેકરોને ભાવ ચૂકવવામાં સમસ્યા થઇ રહી છે. ચીનને લીધે બાંગ્લાદેશ અને પાકિસ્તાનની માર્કેટ પણ પ્રભાવિત છે.

વૈશ્વિક સ્તરે શિપ રિસાઇક્લિંગ માર્કેટમાં કપરો સમય શરૂ થયો છે. ભારતમાં ચોમાસું શરૂ થઈ ગયું છે એ પૂર્વે કેટલાક સોદા અલંગના શિપ બ્રેકરોએ કર્યા હતા પણ હવે સ્ટિલની ખપત મોટો પ્રશ્ન બને તેમ છે. નવા સોદામાં થોભો અને રાહ જૂઓની નીતિ સૌ અપનાવી રહ્યા છે. ભારતીય શિપ બ્રેકરો 520-560 ડોલરનો ભાવ ઓફર કરી રહ્યા છે. જે બાંગ્લાદેશ જેવો જ છે પણ અત્યારે નવા સોદામાં ગભરામણ થઈ રહી છે. ભાવમાં પાછલા દસેક દિવસમાં સાધારણ ઘટાડો પણ દેખાયો છે.

વિશ્વ બજારમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનના બજેટ  પસાર થઈ ગયા છે, જે બન્નેએ જહાજની ઓફરિંગ પર પ્રતિકૂળ અસર પહોંચાડી છે. હવે ભારતમાં અંદાજપત્રની તૈયારી થઈ રહી છે. સંભવત: બે સપ્તાહમાં અંદાજપત્ર જાહેર થશે. એમાં અલંગના ઉદ્યોગને કેવા લાભ-છૂટ કે પ્રોત્સાહન આપવામાં આવે છે તેની સૌને ઇંતેજારી છે. અલંગના ઉદ્યોગને મંદીમાંથી બહાર લાવવા માટે કેવા પગલાં લેવાય છે એના પર અત્યારે બધાનું ધ્યાન છે. અલંગમાં વાહનોના ક્રેપ યાર્ડ માટેની વ્યવસ્થા કે એ દિશામાં જાહેરાત થાય તેની અપેક્ષા છે. નવા પ્લોટ ડેવલપમેન્ટ તથા અલંગ આવતા જહાજોની સંખ્યા વધે તેની પણ અપેક્ષા છે.

તૂર્કીની હાલત ઘણા સમયથી કથળેલી છે. તૂર્કીમાં સ્થાનિક જહાજ ઓફરો છતાં મૃત રહે છે જેણે વર્ષની શરૂઆતમાં નોંધપાત્ર છલાંગ લગાવી હતી. તૂર્કીની માર્કેટ અત્યારે મૃત:પ્રાય છે અને 360-380 ડોલરના ભાવ ઓફર થાય છે. બીજી તરફ પાકિસ્તાન 500-530 ડોલર ઓફર કરે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક