• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

“મમ્મી-પપ્પા, મારા મૃત્યુ પછી તમે રડતા નહીં, તો જ મને શાંતિ મળશે”

લોધિકા પાસેના છાપરાના તરુણનો રહસ્યમય આપઘાત

16 વર્ષના વિદ્યાર્થીએ શિક્ષકનો ઉલ્લેખ કરી પત્ર બતાવી ગળાફાંસો ખાધો : વીડિયો વાયરલ

(ફૂલછાબ ન્યૂઝ)

રાજકોટ તા.19: “મમ્મી...પપ્પા... તમે મારા  ગયા પછી રડતા નહીં. તમે લોકો ખુશ રહેજો... તમે રોશો તો મારા આત્માને પણ દુ:ખ થશે... પપ્પા- મમ્મી... સોરી...” આંસુ નિતરતી આંખે, ડૂસકો ભરતાં ભરતાં 16 વર્ષના એક તરુણે પોતે જ પોતાના ગળામાં દોરીનો ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હોવાનો અત્યંત કરુણ બનાવ રાજકોટ પાસેના લોધિકાના છાપરા ગામે બન્યો છે.

લોકાના છાપરામાં રહેતા, મોટાવડા ગામની નિશાળમાં ભણતા વિદ્યાર્થીનો આ કાળજું કંપાવનારો વીડિયો આજે વાયરલ થયો છે. આશા- અરમાનોથી ભરેલો આ તરુણ તો  દુનિયા છોડીને જતો રહ્યો પરંતુ પરિવારને સંતાપ આપી ગયો છે અને સમાજ માટે સવાલ છોડી ગયો છે. સ્યુસાઇડલ વીડીયોમાં તે એક પત્ર બતાવી રહ્યો છે સાથે  પોતાના શિક્ષકનો ઉલ્લેખ કરી રહ્યો છે. શિક્ષણ સંબંધી કોઇ પ્રશ્નથી ગભરાઇને તેણે આ અંતિમ પગલું ભર્યુ કે શિક્ષકે કોઇ અણછાજતું કૃત્ય કર્યું તે દિશામા ંપોલીસ તપાસ કરી રહી છે. આ અત્યંત ચોંકાવનારો અને ગંભીર બનાવ છે. પોલીસે તળિયા સુધી પહોંચી સત્ય બહાર લાવવું જોઇએ.

આ બનાવ અંગેની વિગત એવી છે કે, છાપરા ગામે રહેતો અને મોટાવડા ગામે સ્કુલમાં ધોરણ-11 માં અભ્યાસ કરતા ધ્રુવીલ ભરતભાઈ વરુ (ઉ.16) નામના વિદ્યાર્થીએ તેના ઘેર છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ થતા મેટોડા પોલીસ મથકના પોસઈ શર્મા તથા જમાદાર હરેશભાઈ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.

આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં પોલીસને એક વીડિયો અને એક સુસાઈડ નોટ મળી હતી. જેમાં મૃતક ધ્રુવીલ તેના માતા-િપતાને ઉદેશીને વાત કરે છે. મમ્મી-પપ્પા તમે ખુશ રહેજો અને તો જ મારી આત્માને શાંતિ મળશે તેમજ શિક્ષક સામે આક્ષેપ કર્યા હતા. જેના કારણે આ પગલું ભરતો હોવાનું જણાવ્યું હતું તેમજ પોલીસ પકડી જાય અને જેલમાં જવું પડે તેવી વાત કરી હતી અને  આ અગેનો વીડિયો અને સુસાઈડ નોટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

પોલીસની વધુ તપાસમાં મૃતક ધ્રુવીલ ધોરણ-11માં અભ્યાસ કરતો હતો અને પરીક્ષામાં ચોરી કરી હોય તેવા આક્ષેપો બે મહિલા શિક્ષક અને એક પુરુષ શિક્ષકે આપેક્ષો કરી પોલીસમાં પકડાવી દેવાની વાત કરી હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી હોય પોલીસે વીડીયો અને સુસાઈડનોટના આધારે તપાસ હાથ ધરી હતી તેમજ મૃતક વિદ્યાર્થી સાથે પરીક્ષા ચોરીની બાબત કારણભુત છે કે પછી મૃતક વિદ્યાર્થી સાથે કંઈ અજુગતું કૃત્ય આચરવામાં આવ્યું હોય અને નાસીપાસ થઈ જઈ આ પગલું ભરી લીધાની પણ આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ  શરૂ કરવામાં આવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક