• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

તહેવારોમાં વાહનચાલકો લૂંટાશે ! જૂનાગઢ, સોમનાથ, દીવ કોરીડોર ઉપર ચાર ટોલ બૂથ

કોડિનાર, તા.20 : કોડિનાર નજીક વેળવા ગામ પાસે શરૂ થયેલા ટોલ બૂથને લઈને વાહન ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહે છે. જૂનાગઢથી સોમનાથ અને દીવ પર્યટન કોરીડોરમાં વધુ એક ટોલ બૂથ અસ્તિત્વમાં આવ્યું છે. કોડિનાર નજીક વેળવા ગામ પાસે રાષ્ટ્રીય માર્ગ પ્રાધીકરણ ઓથોરિટી દ્વારા ટોલ બૂથ શરૂ કરવામાં આવ્યું છે. કોડિનારથી ઉના તરફ 10 કિ.મી.ના માર્ગનું હજુ કોઈ ઠેકાણું નથી. બન્ને તરફ સર્વિસ રોડનું પણ કોઈ કામ થયું નથી. પ્રાચીથી દીવ તરફ જતા માર્ગ પર દશ જગ્યાએ આજે પણ ડાયવર્ઝન ઊભા કરી દેવામાં આવ્યા છે. તેમ છતાં તહેવારો આવતા પર્યટન કોરિડોરમાં પૈસા કમાવાની લાલચમાં રાષ્ટ્રીય માર્ગ પ્રાધિકરણ ઓથોરિટી દ્વારા ટોલ બૂથ શરૂ કરવામાં આવ્યું છે. જેનો વિરોધ અહીંથી પસાર થતા વાહનચાલકો કરી રહ્યા છે.

પર્યટન કોરિડોર એવા જૂનાગઢથી દીવની વચ્ચે ચાર ટોલ બૂથ અસ્તિત્વમાં આવનાર છે. જેમાં વંથલી નજીક ગાદોઈ અને ચાંડુવાવ પાસે બે ટોલ બૂથ પાછલા પાંચેક વર્ષ કરતા પણ વધુ સમયથી કાર્યરત છે. ભાવનગર સોમનાથ અને પોરબંદર વચ્ચે બની રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સુંદરપરા ગામ નજીક એક નવું ટોલ બૂથ આગામી દિવસોમાં શરૂ થઈ જશે. કોડીનાર નજીક વેળવા ગામ પાસે ટોલ બૂથ શરૂ થઈ ગયું છે. આમ પર્યટન કોરિડોરમાં જૂનાગઢથી દીવ જવા માટે ચાર ટોલ બૂથ અને દીવથી સાસણ આવવા માટે બે ટોલ બૂથમાંથી પ્રત્યેક વાહન ચાલકોને પસાર થવું પડશે ત્યારે તહેવારોના સમયમાં રોડનું કામ હજુ પણ બાકી હોવા છતાં પણ ટોલબૂથ શરૂ કરી દેવામાં આવતાં વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળે છે. 

કોડિનારથી દીવ રૂટના વેળવા ટોલ બૂથના દર 

કાર સહિત નાનાં વાહનો             રૂ.70

મોટાં વાહનો                           રૂ.110

બસ અને ટ્રક                           રૂ.335

ત્રણ એક્સેલ વ્યાપારિક વાહનો     રૂ.255

હેવી મશીનરીનું વહન કરતાં વાહનો           રૂ.365

7 એક્સેલ કરતા વધુ કેપેસિટી ધરાવતાં મોટાં વાહનો રૂ.445

 

 

ઇ-પેપરના નવા શુલ્ક