• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

તાલાલામાં ઈકો ઝોનના વિરોધમાં સરપંચોથી સાંસદ સુધીના પદાધિકારીઓનું સંમેલન યોજાયું

તાલાલા 2016માં કોંગ્રેસનો ગઢ હતો ત્યારે પણ ઈકો ઝોન માટે ખેડૂતો સાથે રહ્યો હતો, આજે પણ પહેલા ખેડૂતો પછી પદ : સાંસદ ચુડાસમા

તાલાલા ગીર, તા.20:  તાલાલા પંથક સહિત ત્રણ જીલ્લાના 196 ગામોની પ્રજા અને ખેડૂતો માટે આફતરૂપ સરકાર દ્વારા ઈકો સેન્સિટીવ ઝોન લગાવવામાં આવી રહ્યો છે. આ કાળો કાયદો રદ કરવા શરૂ થયેલી લોક લડત વધુ મજબૂત કરવા અને લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવા તાલાલા તાલુકા ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના સરપંચથી સાંસદ સુધી ચુંટાયેલા પ્રજાનાં પ્રતિનિધિઓનું સંમેલન તાલાલા માર્કેટીંગ યાર્ડમાં યોજાયું હતું. આ સંમેલનમાં સોરઠના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જીલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પિઠીયા,પ |ર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા ઉપસ્થિત રહ્યા હતા.

પ્રજા અને ખેડૂતોની માંગણીનો પ્રત્યુતર આપતા સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે 2016માં આ વિસ્તાર કોંગ્રેસ બહુમતીવાળો હતો ત્યારે પણ હું ખેડુતોની સાથે રહી ઈકો ઝોન સામે સરકારમાં રજુઆતો કરી હતી. આજે પણ પહેલા ખેડૂત અને પછી પદ. 2016માં સરકારે ઈકો ઝોનની જે દરખાસ્ત મોકલી હતી તે રદ થયા પછી 2024માં ફરી જાહેરનામું બહાર પડ્યું હતું. આ જાહેરનામામાં અગાઉ કરતાં વધુ કડક જોગવાઈ કરવામાં આવી છે. જાહેરનામું હિન્દીમાં લોકોને સમજાય શકે તેમ નથી. આ અંગે સરકારમાં રજૂઆતો કરી છે. ઈકો સેન્સિટીવ ઝોન માટે આ વિસ્તારનું પ્રતિનિધિ મંડળ બનાવી ઈકો ઝોન સામે સરકારમાં રજૂઆત કરવા ગાંધીનગર જશે તો આ પ્રતિનિધિ મંડળમાં હું પણ સામેલ થઈ ખેડુતો માટે રજુઆત કરીશ. ઈમેઈલ દ્વારા હું મારો વાંધો રજૂ કરીશ.

તાલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિતભાઈ ઉનડકટે જાહેરનામું સંપૂર્ણ રદ કરી સ્થાનિક પ્રજા તથા ખેડૂતો સાથે પરામર્શ કર્યા બાદ જાહેરનામું પ્રસિદ્ધ કરવા માંગણી કરી હતી. માજી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ જણાવ્યું હતું કે ગીર અમારૂં ગૌરવ છે, સિંહ અમારી શાન છે. પ્રજા અને ખેડૂતો સિંહોનું વધું રખોપું કરે છે છતાં પણ સિંહોના નામે ઈકો ઝોન નો કાયદો લાવવો ખેડૂતો માટે હળાહળ અન્યાયકારક છે. ગીર સોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પિઠીયાએ ઈકો ઝોન અંગે સરકારમાં કરેલી રજુઆતથી ખેડુતોને અવગત કરી સાથે રહેવા ખાત્રી આપી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક