• ગુરુવાર, 02 જાન્યુઆરી, 2025

વેરાવળમાં વિવાદિત બિલ્ડર દંપતી-બેંક મેનેજર વિરુદ્ધ રૂ.93 લાખની ઠગાઈનો ગુનો નોંધાયો

હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે કાર્યવાહી કરવી પડી

ગેરકાયદે બાંધકામોના મામલે વિવાદિત બિલ્ડર સામે પોલીસ કાર્યવાહી નહીં થતા અનેક તર્કવિતર્કો

વેરાવળ, તા.6 : હરણાસા ગામના ટ્રાન્સપોર્ટર યુવાનને બેંકમાંથી લોન અપાવી દેવાના બહાને બિલ્ડર દંપતી અને બેંક મેનેજર દ્વારા રૂ.93 લાખની ઠગાઈ આચર્યાની ફરિયાદ કરવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને હાઈકોર્ટના આદેશના પગલે પોલીસે નાછુટકે બિલ્ડર દંપતી અને બેંક મેનેજર વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, હરણાસા ગામે રહેતા કિરીટ નાધેરા નામના ટ્રાન્સપોર્ટર યુવાનને એક વર્ષ પહેલા ધંધામાં નાણાની જરૂરિયાત ઉભી થતા તેના ભાઈના વેરાવળ રહેતા મિત્ર બિલ્ડર ભાવેશ ઠક્કરને વાત કરી હતી ત્યારે વેરાવળ પિપલ્સ બેંકમાંથી ટર્મ લોન અને સીસી લોન કિરીટ નાધેરાને અપાવી હતી અને બન્ને ખાતાની ચેકબુકો ભાવેશની ઓફિસમાં રાખી હતી અને બન્ને લોનના ખાતામાં મંજૂર થયેલી લોનના નાણા જમા થયાનો મેસેજ કિરીટના મોબાઈલમાં આવ્યો હતો અને બાદમાં ટર્મ લોનના ખાતામાં રહેલા રૂ.93 લાખની રકમ કિરીટની જાણ બહાર બિલ્ડર ભાવેશની પત્ની નેહલના ખાતામાં ટ્રાન્સફર થયાનો મેસેજ આવતા કિરીટે ભાવેશને વાત પુછતા ભાવેશે થોડા સમયમાં પરત કરી દેવાની વાત કરી હતી. જે રકમ પરત કરી નહોતી.

બાદમાં કિરીટના બેંક ખાતામાં થતા વ્યવહારોના મેસેજ આવતા બંધ થઈ જતા બેંકમાં તપાસ કરતા બેંક ખાતામાં કિરીટના બદલે ભાવેશનો નંબર રજિસ્ટર થયાનું જાણવા મળ્યું હતું અને કિરીટની પેઢીનો બીજો રબ્બર સ્ટેમ્પ બનાવી તેમાં ખોટી સહીઓ કરી હોવાનું જણાવા મળ્યું હતું. તેમજ ભાવેશે સીસી લોનનું ખાતું પણ બોગસ સહી કરી રબ્બર   સ્ટેમ્પનો ઉપયોગ કરીને બેંક મેનેજર સુધીર ચંદારાણાએ મદદગારી કરી હોવાનું જાણવા મળ્યું હતું અને કિરીટને જાણ કર્યા વગર બેંક ખાતુ બંધ કરી દીધું હતું. તેમજ ભાવેશે કિરીટના સીસી લોનના ખાતાના બે ચેકોમાં રૂ.1.પ0 કરોડની રકમ લખી બોગસ રબ્બર સ્ટેમ્પ મારી ખોટી સહીઓ કરી અન્ય બેંકમાં રજૂ કરી સિક્યુરિટી ચેકોનો દુરુપયોગ કર્યો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ કરવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા કિરીટ નાધેરાએ હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી.

આ મામલે હાઈકોર્ટના આદેશના પગલે પોલીસે વેરાવળમાં ગેરકાયદે બાંધકામોને લઈ અનેક વખત ચર્ચામાં આવેલા બિલ્ડર ભાવેશ ઠક્કર તેની પત્ની નેહલ અને બેંક મેનેજર સુધીર ચંદારાણા વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક