• શનિવાર, 05 એપ્રિલ, 2025

ધ્રોલના સુમરામાં એકસાથે 5 અર્થી ઉઠતા ગામ હિબકે ચડયું

આર્થિક સંકડામણે પરિવાર વેરવિખેર કરી નાખ્યે

ઘ્રોલ, તા.4: ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં સામુહિક આપઘાતનો બનાવ સામે આવ્યો હતો. જેમાં આર્થિક ભીંસથી કંટાળી માતાએ પોતાના ચાર સંતાન સાથે કૂવામાં કૂદીને મૃત્યુને વહાલું કર્યું હતુ. આજે એકસાથે પાંચ લોકોની અંતિમ યાત્રા નીકળતા નાના એવા સુમરા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.  હકીકતમાં ગઈકાલે બપોરના સમયે સુમરા ગામમાં રહેતા ભરવાડ પરિવારની ભાનુબેન ટોરિયા (32) નામની પરિણીતાએ પોતાના 3થી 10 વર્ષ સુધીના 4 સંતાન સાથે ઘર નજીકના કૂવામાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. મોડી સાંજે આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે કૂવામાં પાણી વધારે હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા ઈલેક્ટ્રિક મોટર મૂકીને પાણી ઉલેચવામાં આવ્યું હતું. જે બાદ એક પછી એક પાંચ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ધ્રોલ સીએચસીમાં ખસેડીને પોલીસે પરિવારજનો સહિતના લોકોના નિવેદન નોંધવા સહિત આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ભાનુબેને આર્થિક ભીંસથી કંટાળીને પોતાના એક પછી એક ચાર સંતાનને કૂવામાં ફેંકીને પોતે પણ ઝંપલાવ્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ તમામના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. જે બાદ આજે એક સાથે પાંચ લોકોની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર ગામ હીબકે ચડયું હતું. ગ્રામજનોએ ભારે હૈયે મૃતકોને અંતિમ વિદાય આપી હતી.

આ બનાવની જાણ થતા મંત્રી રાઘવજીભાઇ પટેલ, ભાજપ અગ્રણી રસીકભાઇ ભંડેરી, મેઘજીભાઇ ચાવડા સહિતના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને પરિવારને સાંતવના પાઠવી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક