• શનિવાર, 05 એપ્રિલ, 2025

રાજ્યસભામાં વક્ફ વિધેયકનો તારણહાર બન્યો BJD

રાજ્યસભાની અગ્નિપરીક્ષામાં ખરડો અટકાવી દેવાનાં વિપક્ષનાં ગણિતે બીજેડીએ છેલ્લી ઘડીને ઉંધુ વાળી દીધું: પોતાનાં સાંસદોને અંતરાત્માનો અવાજ સાંભળી નિર્ણય લેવા કહીને સરકારનો માર્ગ મોકળો કરી દીધો

 

આનંદ કે. વ્યાસ

નવીદિલ્હી,તા.3: લોકસભામાં બુધવારની મોડી રાતે લાંબી અને ધગધગતી ચર્ચા પછી પસાર કરી દેવામાં આવેલો વક્ફ સુધારા ખરડો આજે સંસદનાં ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં મૂકાયો હતો. લોકસભામાં સ્પષ્ટ બહુમત ધરાવતી ભાજપની એનડીએ સરકાર માટે ખરી અગ્નિપરીક્ષા રાજ્યસભામાં જ હતી કારણ કે રાજ્યસભામાં તેની પાસે બહુમત પૂરતા કટોકટ મત જ હતાં. એટલે જો એકાદો મત પણ આઘોપાછો થાય તો આ મહત્વનું વિધેયક અટકી જવાની પૂરી સંભાવના હતી. જો કે, છેક સુધી આ વિધેયકનો વિરોધ કરતા રહેલા નવીન પટનાયકનાં બીજેડીએ છેલ્લી ઘડીએ ભાજપ અને એનડીએને રાહત આપતી ચાલ ચાલીને બાજી પલટી નાખી હતી. આ વિધેયક માટે ચર્ચા અને મતદાનમાં ભાગ લેવા માટે પોતાનાં સાંસદોને વ્હીપ જારી કરવાને બદલે પક્ષે તેમને પોતાનાં અંતરાત્માનો અવાજ સાંભળીને નિર્ણય કરવાં કહી દીધું હતું. જેને પગલે મોદી સરકારનો માર્ગ આસાન બની ગયો હતો. રાજ્યસભામાં પસાર થઈ ગયા બાદ આ વિધેયક  રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે અને તેમનાં હસ્તાક્ષર સાથે જ તે કાયદો બની જશે. આ લખાય છે ત્યારે લોકસભાની જેમ જ રાજ્યસભામાં પણ મોડી રાત સુધી ઉગ્ર ચર્ચા અને દલીલો ચાલી હતી.

લોકસભામાં પસાર થઈ ગયેલા આ વિધેયકને રાજ્યસભામાં રોકી લેવા માટે વિપક્ષ આશાવાદી હતો. બીજેડીએ પણ આ વિધેયકની ચર્ચા પહેલા તેનાં   વિરોધની વાત કરેલી. જો કે આજે છેલ્લી ઘડીએ તેણે પલટી મારી હતી અને તેનાં હિસાબે વિપક્ષની સ્થિતિ કમજોર થઈ ગઈ હતી. રાજ્યસભામાં બીજેડી પાસે 7 સાંસદ છે અને તેની ગણતરી અત્યાર સુધી વિપક્ષ તરીકે જ થતી આવી છે. પરંતુ આજે પક્ષે પોતાનાં સાંસદોને પોતાની મરજી પ્રમાણે વિધેયકનું સમર્થન કે વિરોધ કરવાની છૂટ આપી દેતાં બહુમતનાં આંકડે ઉભેલા શાસક મોરચા માટે વિધેયક પસાર કરવાનો માર્ગ પ્રશસ્ત થઈ ગયો હતો.

વર્તમાનમાં રાજ્યસભામાં 236 સાંસદો છે અને 9 બેઠક ખાલી છે. આમ, બિલ પસાર કરવા માટે એનડીએને 119 સાંસદોનાં સમર્થનની આવશ્યકતા હતી. ભાજપ પાસે કુલ 98 રાજ્યસભા સાંસદ છે. આ સીવાય જેડીયુ, ટીડીપી, એનસીપી અને અન્ય દળોનું તેને સમર્થન મળેલું છે. તો વિપક્ષમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે. ત્યારબાદ તૃણમૂલ કોંગ્રેસ, આપ અને ડીએમકે અન્ય મોટા પક્ષો છે. આ ગણિત પ્રમાણે વિધેયકનાં સમર્થનમાં બહુમતનાં આંકડા બરાબર 119 સાંસદો એનડીએ પાસે હતાં. જ્યારે વિપક્ષ પાસે કુલ 98 સાંસદ છે. બીજેડીએ છેલ્લી ઘડીને નરોવા-કુંજરોવા જેવો અભિગમ અપનાવીને વિપક્ષનું ગણિત ઉંધું વાળી દીધું હતું.

ગઇ કાલે મધરાત બાદ દોઢ વાગ્યે લોકસભામાં વક્ફ વિધેયક પર મતદાન કરાયું હતું જેમાં તરફેણમાં 288 અને વિરોધમાં 232 મત મળતા બિલ બહુમતીથી પાસ થયું હતું. લોકસભાની જેમ રાજ્યસભામાં પણ સંસદીય કાર્ય પ્રધાન કિરણ રિજિજુએ સરકાર વતી વક્ફ વિધેયક પ્રસ્તુત કર્યું હતું. બપોરે એક વાગ્યે રાજ્યસભામાં આ બિલ મુકતા રિજિજુએ કહ્યું હતું કે વક્ફ બૉર્ડને વધુ મજબૂતી આપીને મુસ્લિમ સમૂદાયની મહિલાઓ, બાળકો અને વંચિતોને અધિકાર અને ન્યાય અપાવવાના હેતુથી આ સુધારા કરાયા છે.

રિજિજુએ આ નવા બિલને ઉમ્મીદ (યુનિફાઇડ વક્ફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ એફિસિયન્સી એન્ડ ડેવલપમેન્ટ) નામ આપતા જણાવ્યું હતું કે આ બિલથી મુસ્લિમ સમૂદાયનો નવોદય થશે, એ સારા હેતુથી તૈયાર કરાયું છે, એટલે આ બિલને સરકારે ઉમ્મીદ નામ આપ્યું છે એનાથી કોઇને તકલીફ ન હોવી જોઇએ.

કેન્દ્રના લઘુમતિ બાબતોનું મંત્રાલય સંભાળતા રિજિજુએ કહ્યું હતું કે સરકારે સમુદાયની ધાર્મિક લાગણીઓને માન આપીને આ બિલ તૈયાર કરતા પહેલા સંયુક્ત સંસદીય સમિતિને મોકલાવ્યું  હતું અને મુસલમાન વક્ફ રિપીલ બિલ 2024માં સૌની સંમતિથી જરૂરી ફેરફાર કરીને વક્ફ અમેન્ડમેન્ટ બિલ 2025 તૈયાર કરાયું હતું.

આ બિલ મુસ્લિમોના અધિકારો પર તરાપ છે એવા વિપક્ષના આક્ષેપોને નકારતા રિજિજુએ કહ્યું હતું કે કેટલાકનો દાવો છે કે આ બિલ ગેરબંધારણીય અને મુસ્લિમોના અધિકારો છીનવી લેનારૂં છે પરંતુ આ બધા આક્ષેપો નિરાધાર છે. આ બિલથી વક્ફની પ્રોપર્ટીમાં વધારો થશે અને એનું સંચાલન પારદર્શિ થશે, ઉપરાંત એનો ફાયદો પણ મુસ્લિમ સમુદાયને થશે. આ બિલથી વક્ફમાં બિનમુસ્લિમોનો હસ્તક્ષેપ નહીં હોય.

રિજિજુએ કહ્યું હતું કે નવા નિયમોથી વક્ફ બૉર્ડમાં મુસ્લિમોના વંચિત, પછાત સહિતના બધા વર્ગ અને પંથને પ્રતિનિધિત્વ મળશે, આ બિલ સર્વસમાવેશી છે. પ્રસ્તાવિત બિલ પ્રમાણે કેન્દ્રીય વક્ફ બૉર્ડમાં કુલ બાવીસ સભ્યો હશે જેમાં બિન મુસ્લિમની સંખ્યા ચારથી વધુ નહીં રાખી શકાય. વક્ફ બૉર્ડની નવી સંરચના સમજાવતા રિજિજુએ કહ્યું હતું કે કેન્દ્રીય વક્ફ બૉર્ડમાં બાવીસ સભ્યોમાં ત્રણ સંસદસભ્ય, મુસ્લિમ સમુદાયના દસ સભ્યો જેમાં બે મહિલા, સુપ્રીમ કોર્ટ કે હાઇ કોર્ટના બે પૂર્વ જજ હશે. રાજ્યના વક્ફ બૉર્ડમાં કુલ 11 સભ્ય રહેશે જેમાં ત્રણથી વધુ બિનમુસ્લિમ નહીં હોય.

 

 

વક્ફ વિધેયકને સમર્થનથી જેડીયુમાં વિદ્રોહ!

 

-         પક્ષનાં મુસ્લિમ નેતાઓ નારાજ

 

-         વરિષ્ઠ નેતા મોહમ્મદ કાસિમ અંસારીએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું

 

નવી દિલ્હી, તા.3: લોકસભામાં વક્ફ સુધારા બિલ પસાર થઈ ગયું છે. જેને એનડીએ મોરચાનાં સહયોગી દળ, નીતિશ કુમારનાં જેડી(યુ) તરફથી સમર્થન કરવામાં આવ્યું છે. આનાં હિસાબે હવે જેડી(યુ) સામે નવી મુશ્કેલી પેદા થઈ ગઈ છે. નીતિશ કુમારના આ નિર્ણયથી પાર્ટીમાં મુસ્લિમ નેતાઓ નારાજ થઈ ગયા છે. જેડીયુના વરિષ્ઠ નેતા મોહમ્મદ કાસિમ અંસારીએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે મુખ્યમંત્રી નીતીશ કુમારને પોતાનું રાજીનામું મોકલી દીધું છે.

જેડીયુના એમએલસી ગુલામ ગૌસે પણ આ બિલનો વિરોધ કર્યો હતો. તેમણે આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ સાથે પણ મુલાકાત કરી હતી. આમ, હવે જેડીયુમાં વિદ્રોહ જેવી હાલત પેદા થઈ જતાં બિહારનાં રાજકીય તાપમાનમાં વધારો થઈ ગયો છે.  નીતિશ કુમારને લખેલા પત્રમાં, કાસિમ અન્સારીએ વક્ફ સુધારા બિલ 2024 પર જેડી (યુ) ના વલણની ટીકા કરી છે અને કહ્યું છે કે તેનાથી તેમને અને લાખો સમર્પિત ભારતીય મુસ્લિમો અને કાર્યકરોને ખૂબ જ દુ:ખ થયું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે લલન સિંહે લોકસભામાં જે સૂર અને સૂરમાં પોતાનું નિવેદન આપ્યું હતું અને બિલનું સમર્થન કર્યું હતું તેનાથી તેઓ ખૂબ જ દુ:ખી થયા હતા. મને અફસોસ છે કે મેં મારા જીવનના ઘણા વર્ષો પાર્ટીને આપ્યા છે. હું પક્ષના પ્રાથમિક સભ્યપદ અને તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું.

 

ઇ-પેપરના નવા શુલ્ક