• શનિવાર, 26 એપ્રિલ, 2025

ગુજરાત ભાજપને મોટો ઝટકો, આદિવાસી નેતા મહેશ વસાવાનું પક્ષમાંથી રાજીનામું! ભાજપમાં કામને ન્યાય ન મળતો હોવાનો ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્યનો આક્ષેપ

અમદાવાદ, તા.14 : ગુજરાત ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી સુપ્રીમો છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથેનો છેડો ફાડયો છે તાજેતરમાં મહેશ વસાવા માજી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતાસિંહ અટોદરિયાના માર્ગદર્શન હેઠળ ભાજપમાં જોડાયા હતાં તેમણે પક્ષમાં પોતાના કામને ન્યાય મળતો ન હોવાનો આક્ષેપ કર્યો છે.  ભાજપમાંથી રાજીનામું આપતાં આદિવાસી નેતા તરીકે જાણીતા મહેશ વસાવાએ કહ્યું હતું કે, ‘ભાજપમાં કામને ન્યાય નથી મળતો.’ જો કે, હવે આક્ષેપો અને નિરાશા સાથે તેમણે ભાજપ પાર્ટી સાથે છેડો ફાડયો છે તેઓ છોટુ વસાવાના પુત્ર છે. મહેશ વસાવા ડેડિયાપાડાથી પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. 

ઉલ્લેખનીય છે 11મી માર્ચ 2024ના રોજ ગાંધીનગરના ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ભારતીય ટ્રાઇબલ પાર્ટી (ઇઝઙ)ના વડા મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા. નર્મદા અને ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં બીટીપીનું સારું એવું પ્રભુત્વ છે. મહેશ વસાવાના ભાજપમાં જોડાઈ જવાને કારણે અનેક વિવાદ થયાં હતાં. વસાવા પરિવારમાં જ આ મામલે બે ફાડ પડી ગઇ હતી. મહેશ વસાવાના પિતા છોટુભાઈ વસાવા ખુદ બીટીપી પાર્ટીના સ્થાપક છે જ્યારે મહેશ વસાવાએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે તેમને આ વાત જાણી મોટો આંચકો લાગ્યો હતો.

ભાજપમાં જોડાતી વખતે જ્યારે મહેશ વસાવાને સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે તો તેમણે બહુ શાનથી કહ્યું હતું કે, ‘આખી દુનિયા ભાજપમાં જાય છે તો મારા ભાજપમાં જવા સામે કયો વાંધો પડી શકે.’ હવે જ્યારે તેમણે રાજીનામું આપ્યું ત્યારે તેમને સવાલ કરવામાં આવતા તેમણે કહ્યું કે  ભાજપમાં મારા કામને કોઈ ન્યાય મળતો નથી. આમ, મહેશ વસાવાનો ભાજપ સાથેનો સંબંધ લાંબો ટક્યો નહીં.

મહેશ વસાવા દ્વારા ભાજપ સાથે છેડો ફાડવા મામલે ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ નિવેદન આપ્યું છે. યજ્ઞેશ દવેએ કહ્યું કે આદિવાસી નેતા મહેશ વસાવા દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે. મહેશ વસાવા સવા વર્ષ પહેલા ભાજપમાં જોડાયા હતા. હજુ સુધી પક્ષને કોઇ સત્તાવાર રીતે રાજીનામું મળ્યું નથી. પક્ષના મોવડી મંડળ સાથે પણ મહેશ વસાવાએ કોઇ વાતચીત કરી નથી.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક