-સ્કૂલે ભણવા ગયેલી
બન્ને દીકરીને સાથે લઇને માતા કુંડમાં કપડાં ધોવા ગઇ હતી ઃ પોલીસે વધુ તપાસ હાથ ધરી
કોડિનાર,
તા.18ઃ કોડિનાર તાબાના આદપોકાર ગામે આવેલા સુપ્રસિદ્ધ શિવજીના મંદિરની
પાછળના ભાગે કુંડમાં નાહવા તથા કપડાં ધોવા માતા પોતાની બે દીકરીને સાથે લઈ ગયા હતા.
એ સમયે એક દીકરીનો પગ લપસતા કુંડમાં પડતા બીજી દીકરી અને માતા બચાવવા જતા ત્રણેયના
મૃત્યુ નિપજયા હતા.
ગામલોકોએ જણાવ્યા મુજબ
મૃતક ઇલાબેનના પતિ રમેશભાઈ વંશ ગુજરાત એસટીમાં ઉના ડેપોમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે
છે. તેઓ આજે બપોરે નોકરીમાંથઈ ઘરે આવીને આરામ કરતા હતા. ત્યારે પત્ની ઇલાબેન રમેશભાઈ
વંશ ઉંમર વર્ષ 40 કપડાં ધોવા તથા નાહવા
નજીક આવેલા મહાદેવના મંદિર પાછળ કુંડમાં જવા નીકળ્યા હતા અને પ્રાથમિક શાળામાં અભ્યાસ
કરતી બંને દીકરીઓને શિક્ષકો પાસેથી રજા લઈને રીતિકાબેન રમેશભાઈ વંશ (ઉં.10)
અને એન્જલબેન રમેશભાઈ વંશ (ઉં.7)ને સાથે લઈ ગયા હતા.
ગ્રામજનોના જણાવ્યા
અનુસાર શેવાળને કારણે એક દીકરીનો પગ લપસ્યો હતો. ત્યારે એને બચાવવા બીજી દીકરી અને
માતા જતા ત્રણેય ડૂબવા લાગ્યા હતા. એ સમયે ત્યા કોઇ હાજર ન હતા પરંતુ થોડા સમય પછી
ત્યાંથી નીકળતા લોકોને કુંડના કિનારે પડેલા ચંપલ અને કપડા દેખાયા અને કુંડમાં તરતા
મૃતદેહ જોવા મળ્યા હતા. જેથી લોકો એકઠા થયા હતા અને પોલીસને બોલાવી તથા 108ને જાણ કરી હતી. ત્રણેયના મૃતદેહને બહાર કાઢીને કોડીનારના સરકારી
દવાખાને લઇ જવામાં આવ્યા હતા. ત્યારે સરપંચ સહિત ગામ લોકો હાજર રહ્યા હતા. હવે આ અંગે
વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.