• રવિવાર, 06 જુલાઈ, 2025

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી : ઈડરમાં 5.51 ઇંચ

અનેક વિસ્તારો જળમગ્ન થતાં લોકોને હાલાકી : આજે 12 જિલ્લામાં યલો એલર્ટ

અમદાવાદ, તા. 3 : ગુજરાતમાં મેઘરાજાની સવારી પૂર જોશમાં આગળ વધી રહી છે ત્યારે રાજ્યભરમાં વિવિધ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જોકે, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે અમુક વિસ્તારમાં લોકોને હાલાકી પણ જોવા મળી હતી. ગુરુવારે વહેલી સવારથી મેઘરાજાએ ધડબડાટી શરૂ કરી છે. ઉત્તર અને દક્ષિણ વિસ્તારોમાં મન મૂકીને મેહુલ્યો વરસ્યો છે. સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થતાં લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડયો હતો. 

હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા વરસાદના  આંકડા અનુસાર આજે સાંજના 6 વાગ્યા સુધીમાં કુલ 181 તાલુકામાં વરસાદ પડયો હતો. જેમાં સૌથી વધુ સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે આજે સૌથી વધુ વરસાદ પડ્યો હતો. બનાસકાંઠાના ધાનેરામાં 4.57 ઇંચ, બનાસકાંઠાના દાંતીવાડામાં 3.19 અને વડગામમાં 3.19 ઇંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે આવતીકાલે 4 જુલાઇએ 12 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે જ્યાં છૂટાછવાયો સ્થળોએ ભારે વરસાદ જોવા મળશે જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવી છે.  તેમજ 5 જુલાઈએ 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ જિલ્લામાં છૂટાછવાયા સ્થળે અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય 15 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ, તેમજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ જાહેર કરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક