પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીનો દાવો : ભારતના સહયોગની શરતે આતંકવાદીઓના પ્રત્યાર્પણનો માર્ગ ખુલ્લો હોવાનો મત, આતંકવાદીઓને પકડવાના ભારતના સંકલ્પ અંગે ચિંતા વ્યકત કરી
ઈસ્લામાબાદ, તા.પ : એક મહત્વના ઘટનાક્રમમાં પાકિસ્તાન આતંકવાદી હાફિઝ સઈદ અને મસૂદ અઝહરને ભારતને સોંપવા તૈયાર થયું છે. પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ આવો દાવો કર્યો છે.
બિલાવલે કહ્યું કે તેમના દેશને વિશ્વાસ બહાલીના ઉપાય તરીકે તપાસના દાયરામાં આવેલા વ્યક્તિઓને ભારત પ્રત્યાર્પિત કરવામાં કોઈ વાંધો નથી પરંતુ શરત એ છે કે નવી દિલ્હી આ પ્રક્રિયામાં સહયોગ કરવાની ઈચ્છા દર્શાવે. પાકિસ્તાનના ડોન અખબારના અહેવાલ અનુસાર પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ શુક્રવારે અલ ઝઝીરા સાથેની વાતચીતમાં આતંકવાદીઓના પ્રત્યાર્પણની વાત કરી હતી. લશ્કરે તોઈબાના પ્રમુખ હાફિઝ સઈદ અને જૈશે મોહમ્મદના મસૂદ અઝહરને સંભવિત સમજૂતી અને સદભાવનાપુર્ણ વલણ હેઠળ ભારતને હવાલે કરવા અંગેના એક સવાલના જવાબમાં તેમણે હકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. બિલાવલે આતંકવાદીઓને પકડવાના ભારતના સંકલ્પ અંગે ચિંતા વ્યક્ત કરી અને તેને નવી અસામાન્યતા ગણાવી હતી.
તેમણે કહ્યું કેપાકિસ્તાન સાથે એક વ્યાપક વાર્તાના ભાગ તરીકે, જ્યાં આતંકવાદ એ મુદ્દાઓમાંથી એક છે જેના પર આપણે ચર્ચા કરીએ છીએ, મને વિશ્વાસ છે કે તેમાં કોઈ પણ ચીજનો વિરોધ નહીં કરે. રાષ્ટ્રીય આતંકવાદ નિરોધક કાયદા અનુસાર પાકિસ્તાને લશ્કરે તોઈબા અને જૈશે મોહમ્મદ બન્ને સંગઠન પર પ્રતિબંધ મૂકેલો છે. ર6/11 મુંબઈ હુમલાનો મુખ્ય કાવતરાખોર હાફિઝ સઈદ આતંકવાદને નાણાકીય રીતે પોષવાના આરોપમા દોષિત ઠરતાં 33 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે.