50 કિલો સોનુ, મોતિઓ ભરેલા 150 બોકસ, 50 કરોડની ડાયમંડ જવેલરી, મોટાપાયે રોકડ સગેવગે કર્યાનો આરોપ, પીએનબી કૌભાંડમાં સહ આરોપી : ભારતને કાનૂની-કૂટનીતિક સફળતા
નવી દિલ્હી, તા.પ : 13000 કરોડના પીએનબી (પંજાબ નેશનલ બેંક) કૌભાંડમાં સીબીઆઈ અને ઈડીની અપીલ પર કાર્યવાહી કરતાં ભાગેડુ નીરવ મોદીના ભાઈ નેહલ દીપક મોદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. ભારત સરકારે કરેલા ઔપચારિક પ્રત્યર્પણ અનુરોધ પર અમેરિકી સરકારે કાર્યવાહી કરી છે અને તેને ભારત લાવવા પ્રયાસ શરૂ કરાયા છે. ર019માં ઈન્ટરપોલે નેહલ મોદી વિરુદ્ધ રેડકોર્નર નોટિસ બહાર પાડી હતી. નેહલ બેલ્જીયમ નાગરિક છે અને તેનો જન્મ એન્ટવર્પમાં થયો હતો. તપાસ એજન્સીઓ અનુસાર, નેહલ પર 50 કિલો સોનુ, મોતિઓ ભરેલા 150 બોકસ, 50 કરોડની ડાયમંડ જવેલરી તથા મોટાપાયે દિરહામ ચલણ સગેવગે કર્યાનો આરોપ છે. તેણે મોબાઈલ ફોન અને સર્વરનો પણ નાશ કર્યો હતો.
અમેરિકામાં ફરિયાદી પક્ષે દાખલ કરેલી ફરિયાદ અનુસાર નેહલ મોદી વિરુદ્ધ મુખ્ય આરોપોના આધારે પ્રત્યર્પણની કાર્યવાહી કરાઈ રહી છે. અમેરિકાના ન્યાય વિભાગે 4 જૂનના રોજ નેહલને પકડયો હતો. ભારત માટે દેશના સૌથી મોટા બેન્કિંગ કૌભાંડની તપાસમાં આ કાર્યવાહીને કૂટનીતિક તથા કાનૂની સફળતા માનવામાં આવે છે. મુખ્ય આરોપી નીરવ મોદી હાલ બ્રિટનની જેલમાં બંધ છે અને તેને ભારત લાવવા પ્રયાસ ચાલુ છે.
આરોપ છે કે નેહલ મોદીએ પોતાના ભાઈ નિરવ મોદીની મદદ કરતાં કરોડો રૂપિયાની ગેરકાયદે આવક છુપાવી અને શેલ કંપનીઓ તથા વિદેશી લેણદેણથી નાણાં સગેવગે કર્યા હતા. ઈડીએ ચાર્જશીટમાં નેહલ મોદીને સહ આરોપી બનાવ્યો છે. તેના પર પુરાવાનો નાશ કર્યાનો પણ આરોપ છે.