• રવિવાર, 06 જુલાઈ, 2025

ગોંડલ પંથકમાં બળતણ વિણવા ગયેલી મહિલાને છરીની અણીએ ઉઠાવી જઇ દુષ્કર્મ

ફરિયાદ કરીશ તો બાળકોને મારી નાખવાની ધમકી : ત્રણની શોધખોળ

ગોંડલ, તા.5: ગોંડલ પંથકમાં બળતણ લેવા ગયેલ મહિલાનું ચાકુની અણીએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યાનો બનાવ  સામે આવતા ચકચાર મચી ગઇ હતી. ચોરડી ગામના મકવાણા બંધુ એક અજાણ્યા શખસે ચોરડી ગામની સીમમાંથી અપહરણ કરી બાઇકમાં બેસાડી મોવિયાની સીમમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો.

ગોંડલમાં રહેતી એક પરિણીતાએ ચોરડીના મનીષ ભરત મકવાણા તેનો ભાઇ વિક્રમ મકવાણા અને એક અજાણ્યો શખસ સામે ગોંડલ તાલુકા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ફરીયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે, તેણીના લગ્ન 17 વર્ષ પહેલા થયેલ છે અને સંતાનમાં એક પુત્ર- પુત્રી છે. આરોપી સાથે ઘરે આવવા-જવાનો સંબંધ હતો. ગઇ તા.16-12-2023ના આરોપી મનિષની દાનત બગડતા મોબાઇલમાં તેણીનો ફોટો પાડી એડીટીંગ કરી ખરાબ ફોટો બનાવી તેને બતાવેલ અને ધમકી આપેલ કે, જો તું મારી સાથે ફોન ઉપર વાત નહી કરતો ફોટો વાઇરલ કરી તને બદનામ કરી નાખીશ.

પતિએ આરોપીને ફોન ઉપર તેના મા-બાપ સાથે ઘરે બોલાવતા પતિને ધમકી આપેલ કે, જો તું કયાંય ફરીયાદ કરીશ તો તારા બન્ને છોકરાઓને જાનથી મારી નાખીશ.

જેથી બીકના કારણે ક્યાંય ફરિયાદ કરેલ ન હતી. ગઇ તા.21-12-2023ના બપોરે તેણી બળતણ લેવા ચોરડીથી ગુંદાળા ગામ તરફ ગયેલ હતી ત્યાં ત્રણેય આરોપીઓએ આવી મનિષે છરી બતાવી કહેલ કે, ચુપચાપ પાછળ બેસી જા નહીતર જાનથી મારી નાખીશ. જેથી બાઇક પાછળ બેસી ગયેલ અને તેની પાછળ અજાણ્યો શખસ હાથમાં છરી લઇ બેસી ગયો હતો. જાનથી મારી નાખવાની ધમકી આપી અપહરણની મોવિયા ગામની સીમમાં ખેતરે લઇ મનિષે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.

તેણી બરતણ લઇ ઘરે નહી પહોંચતા પતિ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવા જતા હતા તેની જાણ થઇ જતા આરોપી વિક્રમે પતિને ફોન કરી ગાળો આપી ધમકી આપેલ કે, જો તું ફરિયાદ કરવા જઇશ તો તારા છોકરાઓને મારી નાખીશું. મારા ભાઇનું મન તારી પત્નીથી ભરાઇ ગયેલ છે. અમે કહીએ ત્યાં કોઇને તેડવા મોકલ જે, તું સાથે આવતો નહી, નહીતર તારી સારાવાટ નહી રહે અને ગામ છોડીને બીજે ચાલ્યો જજે.

ત્યાર બાદ પાડોશી તેણીને  મોવિયા  તેડી લાવ્યા હતા. ગોંડલ તાલુકા  પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ આદરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક