ખેડૂતો સતત વરસાદથી થાક્યાં, વરાપની તાતી જરુર
(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ, તા.5 : વરસાદે શનિવારે રાજકોટ શહેરમાં પોરો ખાધો હતો. જોકે જિલ્લામાં છૂટોછવાયો વરસાદ હતો. સૌરાષ્ટ્રના મોટાંભાગના જિલ્લાઓમાં અર્ધાથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડયો હતો. ખેડૂતો હવે ખેતી કામમાં વ્યસ્ત થઇ ગયા છે પણ બે ચાર દિવસ વરાપની સખત જરૂરિયાત છે. અલબત્ત હવામાન ખાતાએ હજુ છ દિવસ વરસાદની આગાહી કરી છે.
પોરબંદર: રાણાવાવ અને પોરબંદરમાં શનિવારે અઢી ઇંચ વરસાદ હતો. આદિત્યાણા, રાણાકંડોરાણા, હનુમાનગઢ, બિલેશ્વરમાં પણ વરસાદ હતો. પોરબંદર શહેરમાં જૂના ફુવારાથી નવા ફુવારા રોડ, છાયાચોકીથી ખીજડી પ્લોટ, ખાડીકાંઠા વિસ્તારો તથા એસવીપી રોડ પર પાણી ભરાયા હતા. શહેરમાં સીઝનનો 14.50, રાણાવાવ 1%.50 અને કુતિયાણામાં 12 ઇંચ પડયો છે.
બરડા પંથક: પોરબંદરના બરડા પંથકમાં કુણવદર, બગવદર, ખંભોદર, રામવાવ, ભેટકડી, શીંગડા સહિતના ગામડાંઓમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ પડયો હતો. વાડી-ખેતર અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
જૂનાગઢ: સોરઠમાં વરાપ વચ્ચે કેશોદ, માણાવદર અને વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ હતો. જિલ્લાભરમાં હળવાથી મધ્યમ ઝાપટાં હતા. શહેરમાં સતત વરસાદથી જનજીવન અકળાયું છે, મેઘરાજા ખમૈયા કરે તેવી લાગણી છે. જૂનાગઢ ઉપરાંત વંથલી, માંગરોળ અને માળિયામાં ભારે ઝાપટા હતા. ગિરનાર વિસ્તારમાં અર્ધો ઇંચ હતો.
મોટી પાનેલી: ઉપલેટા તાલુકાના મોટી પાનેલી તથા આસપાસના ગામમાં દોઢેક ઇંચ વરસાદ હતો. ખેડૂતોની ચિંતા વધતી જાય છે. સૂર્યનારાયણના દર્શન થતા નથી એટલે ઉભા પાક પીળા પડી જવાનો ભય છે. ફુલઝર ડેમમાં પાણીની સપાટી વધતી જાય છે. રસ્તાઓનું ધોવાણ થઇ જતા વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડે છે.
ભાટિયા: ભાટિયા, રાવલ, ટંકારીયા, કેનેડી, બાકોડી, લાંબાબંદર, ભોગાદ, નંદાણા, બારણાસા અને ગાગા સહિતના ગામડાઓમાં બેથી ત્રણ ઇંચ અનરાધાર વરસાદ પડયો હતો. સારા વરસાદતી ખેડૂતોમાં આનંદ છે. નદી-નાળા, તળાવ અને ચેકડેમોમાં નવી આવક થઇ છે. એચજીએલ હાઇસ્કૂલ તથા બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા હતા. ભાટિયાના કેશરીયા તળાવમાં નવા પાણીની પુષ્કળ આવક થઇ છે.
દક્ષિણ ગુજરાત: વસલાડ, સુરત, ડાંગ અને નવસારી સહિતના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ હતો. અવિરત વરસાદથી ઉકાઇ ડેમમાં નવા નીર આવ્યા છે. રોપણી અને મશીનથી શેરડીનું વાવેતરકાર્ય ચાલે છે. ડાંગરના ખેડૂતોએ ધરુવાડિયા તૈયાર કરી લીધાં છે.
શનિવારે મોડી સાંજ સુધીમાં ધરમપુર 90 મીમી, પારડી 37, કપરાડા 105, ઉમરગામ 57, વાપી 80 અને વલસાડ શહેરમાં 50 વરસાદ હતો. સુરતના ઓલપાડમાં 14 મીમી, માંગરોળ 26, ઉમરપાડા 65, માંડવી 29, કામરેજ 19, ચોર્યાસી 10, પલસાણા 61, બારડોલી 67, મહુવા 62 અને શહેરમાં 35 મીમી વરસાદ હતો. તાપીના નિઝરમાં 12 મીમી, ઉચ્છલ 30, ડોલવણ 79, નવસારીના ખેરગામ 73, ચીખલી 51, જલાલપોર 50, વાંસદા 87, ગણદેવી 64, નવસારીમાં 52 મીમી વરસાદ હતો.