• રવિવાર, 06 જુલાઈ, 2025

દ્વારકા અને કલ્યાણપુર પંથકમાં સાર્વત્રિક 4 થી 4.5 ઇંચ વરસાદ

નદીઓમાં પૂર, ખેતરો તળાવમાં ફેરવાયા : ચેકડેમો છલકાયા

(ફૂલછાબ ન્યૂઝ)

ખંભાળિયા, દ્વારકા, તા. 5: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સર્વત્ર મેઘમહેર થતા ખેડૂતો સહિત લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી વરસાદ વરસવાનું શરૂ થયું હતુ અને સવારે 10 વાગ્યા સુધી વેગ રહ્યા પછી ધીમો પડયો હતો. દ્વારકા શહેરમાં 4.5 ઇંચ વરસાદ પડી ગયો હતો. એ ઉપરાંત કલ્યાણપુરમાં 4 ઇંચ, ભાણવડમાં દોઢ અને ખંભાળિયામાં 1 ઇંચ વરસાદ થયો હતો. મેઘ મહેર થતા અનેક નદીઓમાં ઘસઘસાટ પુર નીકળ્યા હતા જ્યારે ખેતરો તળાવમાં ફેરવાયા હતા અનેક નાના મોટા ચેકડેમો ઓવરફ્લો થયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાર્વત્રિક વાવણી લાયક વરસાદથી થઇ છે. ત્રણ દિવસથી સમગ્ર જિલ્લામાં સારા વરસાદથી રાજીપો છે. પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી ઉઠી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

દ્વારકા જિલ્લામાં શનિવારના વરસાદ સાથે મોસમનો કુલ 14.49 ઇંચ વરસાદ નોંધાયો છે. ખંભાળીયામાં કુલ 9.76 ઇંચ, ભાણવડમાં 11.72ઇંચ, કલ્યાણપુરમાં 20.84 ઇંચ અને દ્વારકામાં 15.6 ઇંચ જેટલો વરસાદ થયો છે.  દ્વારકા જિલ્લામાં ચારેય તાલુકામાં સૌથી વધુ મોસમનો કુલ વરસાદ કલ્યાણપુરમાં છે અને સૌથી ઓછો ખંભાળીયા તાલુકામાં છે.

દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં કાલે ચાર ઇંચ જેટલો વરસાદ થયો હતો.  દ્વારકામાં એક ઇંચ અને ભાણવડમાં પોણો ઇંચ વરસાદ થયો હતો. કલ્યાણપુર આજે ફરી વધુ ચાર ઇંચ વરસાદ થતાં અનેક ખેતરો તરબોળ થઈ જતા કેટલાયે ખેડૂતોએ ખેતરમાં પાળા તોડીને પાણી કાઢવા પડયા હતા. મોસમનો સતત 20 ઇંચ જેટલો વરસાદ કલ્યાણપુર તાલુકામાં પડતા અનેક સ્થળે ઝરણાં શરૂ થઈ ગયા છે. તળાવો ચેકડેમો છલકાઈ ગયા છે.

જિલ્લામાં સતત મેઘમહેરથી લોકોમાં ખુશી જોવા મળી રહી છે તો કેટલાક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક