જામનગર, તા.3 : જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી છે અને માત્ર છ કલાકના સમયગાળા દરમિયાન ચાર ઈંચ વરસાદ ખાબકી જતા નીચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે. તેમજ ઉપરવાસના ભાગે ભારે વરસાદના કારણે જામનગર શહેરની જીવાદોરીસમાન રણજીતસાગર ડેમ બીજી વખત ઓવરફલો થયો છે તેમજ રંગમતી ડેમ બે ફૂટે ઓવરફલો થતા ડેમના ત્રણ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા તેમજ નદીના પટમાં અવર-જવર નહીં કરવા તંત્ર દ્વારા તાકિદ કરવામાં આવી છે.
જોડિયામાં
સવારે 10 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો અને સાંજે 4 વાગ્યા સુધીમાં ધોધમાર ચાર ઈંચ પાણી
પડી ગયું છે. જોડિયાની ઉંડ નદી બે કાંઠે થઈ હતી, તેમજ ઠેર-ઠેર પાણી ફરી વળ્યા હતા.
આ ઉપરાંત લાલપુરમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવતા ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો છે અને લાલપુર
તાલુકાના સેવકધુણિયા ગામે વીજળી પડતા બે પરપ્રાંતિય વ્યક્તિના ઘટના સ્થળે જ મૃત્યુ
નિપજ્યા હતા જ્યારે બે ઈજાગ્રસ્ત વ્યક્તિને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે
ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. કાલાવડમાં
પણ બે ઈંચ વરસાદ નોંધાયો છે તેમજ જામનગર શહેર અને જામજોધપુરમાં એક ઈંચ વરસાદ નોંધાવવા
પામ્યો છે.
ઉપરવાસના
ભારે વરસાદના કારણે જામનગરનો રંગમતી ડેમ બે ફૂટે ઓવરફલો થતા ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા
છે તેમજ જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડતો રણજીતસાગર ડેમ બીજી વખત ઓવરફલો થતા નીચાણવાળા વિસ્તારો જેવા કે દરેડ, રામેશ્વરનગર,
પટેલપાર્ક, નવા નાગના, જૂના નાગના, ચેલા, ચંગા સહિતના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત
સ્થળે ખસી જવા તેમજ નદીના પટમાં અવર-જવર નહીં કરવા મહાપાલિકા દ્વારા તાકિદ કરવામાં
આવી છે.