ખેડૂત આગેવાનો મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા, ફુલ અને શાલ ઓઢાડીને આભાર વ્યક્ત કર્યો
(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા.16 : ગુજરાતમાં તાજેતરમાં
પડેલા કમોસમી વરસાદથી પાકને થયેલા વ્યાપક નુકસાનના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની
આગેવાની હેઠળની રાજ્ય સરકારે જાહેર કરેલા આશરે 10 હજાર કરોડના ઐતિહાસિક કૃષિ રાહત પેકેજનો
લાભ અસરગ્રસ્ત ખેડૂતોને મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ઓનલાઈન પોર્ટલ પર અરજી કરનારા
ખેડૂતોને ડીબીટી (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા 5300 કરોડથી વધુની સહાય રકમ તેમના
ખાતામાં જમા કરવામાં આવી છે. સરકારના ખેડૂતલક્ષી નિર્ણય પછી ઝડપી ખેડૂતોને સહાય આપવાને
લઈને ખેડૂત આગેવાનો મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા. આ
દરમિયાન ખેડૂતો વતી ખેડૂત નેતાઓએ ફુલ અને શાલ ઓઢાડીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો
આભાર વ્યક્ત કર્યો હતો.
રાજ્યના મોટાભાગના જિલ્લાઓના
ખેડૂતોના ખાતામાં સીધી સહાયની રકમ પહોંચી રહી છે. રાજ્ય સરકારે ખેડૂતોને તેમના નુકસાન
સામે રાહત મળે તેવી સંવેદનશીલ જાહેરાત કર્યા બાદ એકદમ ઝડપી પૈસાની ચૂકવણી પણ ચાલુ કરી
દીધી છે. આગામી થોડા જ દિવસોમાં રાજ્યભરના તમામ ખેડૂતોના ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર
કરીને ખેડૂતોને રાહત આપવામાં આવશે. આ પેકેજની જાહેરાત 7 નવેમ્બર 2025ના રોજ કરવામાં
આવી હતી. જેમાં પિયત અને બિનપિયત પાકો માટે એક સમાન ધોરણે પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાની
સહાય (મહતમ 2 હેક્ટર સુધી) આપવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં 44 લાખ હેક્ટરથી વધુ
વિસ્તારમાં 16,500થી વધુ ગામોના ખેડૂતો અસરગ્રસ્ત થયા છે. સહાયની રકમ સીધી ખેડૂતોના
ખાતામાં જમા થતાં ખુશીનું વાતાવરણ છે, જેનાથી આગામી વાવેતર માટે નાણાકીય મુશ્કેલીઓ
દૂર થઈ રહી છે.
આ કિસાન હિતકારી પગલાં માટે રાજ્યના
વિવિધ એપીએમસી, માર્કેટયાર્ડ અને ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળીને આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, મગફળી
સહિત અન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી કરીને પણ સરકાર ખેડૂતોની હામી બની છે. કોઈપણ આપદાની
વેળાએ ધરતીપુત્રોની પડખે ઊભા રહેવા માટે મુખ્યમંત્રી અને રાજ્ય સરકારની સંવેદનશીલતા
માટે સમગ્ર રાજ્યના ખેડૂતો વતી આભાર માનવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ
વાઘાણી તેમજ મંત્રીઓ ઋષિકેશભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, નરેશભાઈ પટેલ, અર્જુનભાઈ
મોઢવાડિયા અને ડૉ. પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહ્યા હતા.