નલિયા 11.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર: રાજકોટનું તાપમાન બે ડિગ્રી જેટલું ઉંચકાયું
(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા. 16: આ વર્ષ શિયાળો
જાણે રમતે ચડયો હોય તેવું લાગી રહ્યું છે. શિયાળાનો વિચિત્ર માહોલ જોવા મળી રહ્યો છે.
એક દિવસ લઘુતમ તાપમાનમાં ઘટાડો થાય છે તો બીજી દિવસે તાપમાન ઉંચકાય જાય છે. આજે પણ
કચ્છનું નલિયા 11.2 ડિગ્રી સાથે રાજયનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. હવામાન વિભાગની
આગાહી મુજબ, આગામી 24 કલાક દરમિયાન તાપમાન યથાવત રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,
પૂર્વ તરફના પવન ફૂંકાવાનું શરૂ થતા જ ઠંડીનું જોર ઘટવા લાગશે. આ ઉપરાંત ઉત્તર ભારતમાં
એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે, જેની સીધી અસર ગુજરાતના હવામાન
પર પડશે. આ સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો
વધારો નોંધાઈ શકે છે, જેનાથી લઘુતમ તાપમાન ઊંચકાશે. જો કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં
હજુ પણ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર
આજે અમદાવાદનું લઘુતમ તાપમાન 15.4 ડિગ્રી સેલ્શિયસ
નોંધાયું હતું. આ ઉપરાંત અમરેલીનું તાપમાન
12.6 ડિગ્રી, બરોડાનું લઘુતમ તાપમાન
11.8 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 18 ડિગ્રી,
ભુજનું તાપમાન 14.4 ડિગ્રી, ડિસાનું તાપમાન 14 ડિગ્રી, દિવનું તાપમાન 16.4 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 19.2 ડિગ્રી ગાંધીનગરનું તાપમાન 13 ડિગ્રી, કંડલાનું તાપમાન 17 ડિગ્રી, નલીયાનું લઘુતમ તાપમાન 11.2 ડિગ્રી, ઓખાનું તાપમાન 21.3 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 12.9 ડિગ્રી, રાજકોટનું
તાપમાન 15.3 ડિગ્રી, સુરતનું તાપમાન 18.9 ડિગ્રી, વેરાવળનું તાપમાન 18.1 ડિગ્રી અને જૂનાગઢનું તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું હતું. આજે ભાવનગર, ભૂજ, દમણ,
દિવ, દ્વારકા, કંડલા, ઓખા, રાજકોટ, સુરત અને જૂનાગઢ એમ 10 શહેરોમાં લઘુતમ તાપમાનનો
પારો ઉંચકાયો હતો જ્યારે અમદાવાદ, અમરેલી, બરોડા, ડિસા, ગાંધીનગર, પોરબંદર, નલિયા અને
વેરાવળના તાપમાનમાં ઉછાળો નોંધાયો હતો. રાજકોટના લઘુતમ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો
નોંધાયો છે.