• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

નાતાલના મિનિ વેકેશનમાં સોમનાથ સહિતના પ્રવાસન સ્થળે પ્રવાસીઓ ઉમટયા

પ્રવાસીઓ ઉમટતા હોટલ, ગેસ્ટહાઉસો હાઉસફુલ : ભવનાથ તળેટીમાં માનવ મહેરામણ: રોપ-વેમાં લાંબી લાઈન

વેરાવળ, તા.28 : નાતાલ અને 31 ફસ્ટ ડિસેમ્બરના મીની વેકેશન દરમિયાન દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ વિદેશના ભાવીકોનો મોટો પ્રવાહ ઉમટી પડયો છે. ચાર દિવસમાં જ 4.50 લાખ ભાવિકો ઉમટી પડયા હતા. જ્યારે ભવનાથ તળેટી પણ માનવ મહેરામણથી ઉભરાઈ હતી. રોપ-વે માટે લાંબી લાઈન લાગી હતી. 

નવા વર્ષના પ્રારંભે ગુજરાત બહારના પરપ્રાંતિય પ્રવાસીઓએ મિનિ વેકેશન ગાળવા સૌરાષ્ટ્રભણી પ્રયાણ કર્યું હોય તેમ દ્વારકા, સોમનાથ અને સાસણગીર સાથે સંઘ પ્રદેશ દીવમાં પ્રવાસીઓનો મોટો પ્રવાહ જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને ભગવાન સોમનાથના અલૌકિક દર્શન અને આરતીનો લ્હાવો લઇ ઘન્યતા અનુભવી રહ્યા છે. તા.25થી 28 ડિસેમ્બર ચાર દિવસમાં સોમનાથમાં સાડા ચાર લાખથી વધુ પ્રવાસીઓ ઉમટી પડયા હોવાનું સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયાસિંહ ચાવડાએ જણાવ્યું હતું. હજુ 31 ડિસેમ્બર સુધી આ આંકમાં વધારો થશે.

સોમનાથ મંદિર ખાતે ભાવિકોની ભીડને ધ્યાને લઈ દર્શનમાં કોઈ અગવડતા ના પડે તે માટે વધારે સિક્યુરિટી સ્ટાફ પણ ગોઠવવામાં આવ્યો છે. સોમેશ્વર પૂજાના સ્લોટ વધારી દેવાયા છે અને લાઈટ એન્ડ સાઉન્સ શોની સંખ્યા પણ વધારી દેવાઈ છે. સોમનાથ મંદિર ટ્રસ્ટની હોટેલો સાથે આસપાસની હોટલોના બુકીંગ ફૂલ જોવા મળી રહ્યા છે. જૂનાગઢમાં પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં પહોચ્યા છે. ગીરનાર પર જવા અને અંબાજી માતાજીના દર્શન માટે રોપ-વે માટે લોકોની લાંબી લાઈન લાગે છે. સોમનાથ, સાસણ ગીર, સંઘ પ્રદેશ દિવ જેવા હરવા ફરવાના સ્થળો સાથે ધાર્મિક સ્થાનોમાં પ્રવાસીઓનું મિનિ વેકેશન શરૂ થયું છે. ત્યારે ગિર સોમનાથ મહાદેવના દર્શન સાથે સાસણ ગીર સિંહ દર્શન તથા સાથે દીવ પર્યટન સ્થળની મુલાકાતે પ્રવસીઓ ખુબ મોટી સંખ્યામાં ઉમટી પડયા છે. હોટલ, ફાર્મ હાઉસ, ગેસ્ટહાઉસ હાઉસફુલ થયા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક