• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

તાલાલા પંથકમાં 15 કલાકમાં ભૂકંપના નવ આંચકા અનુભવાયા

તમામ આંચકાનું કેન્દ્રાબિંદુ તાલાલાથી 14થી 24 કિ.મી દૂર નોર્થ-નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું

20 જેટલા ગામોમાં ભૂકંપના આંચકાની અસર વર્તાઈ 

તાલાલા ગિર, તા.29: તાલાલા પંથકમાં ભુગર્ભનાં પેટાળમાં હિલચાલ વધતા ભૂકંપના આંચકા અવિરત વધતા લોકોમાં ભયની લાગણી પ્રસરી છે. ગત મોડીરાત્રીથી આજ બપોર સુધીના 15 કલાકના સમયગાળામાં ધરતીકંપના નવ આંચકા અનુભવાયા હતાં. વહેલી સવારે આવેલય આંચકાની તિવ્રતા સૌથી વધુ હોય મીઠી નિંદર માણી રહેલય લોકો સફાળા જાગી ઘરની બહાર દોડી ગયાં હતાં.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના જણાવ્યા પ્રમાણે તાલાલા પંથકમાં રવિવારે મોડીરાત્રીથી આજ બપોર સુધીમાં નવ આંચકા નોંધાયા છે. જેમાં મોડીરાત્રે 02:29 કલાકે આવેલય આંચકાની તીવ્રતા 1.2ની હતી, જેની ભૂગર્ભ ઉંડાઈ માત્ર 3.1 કિ.મી હતી. બીજો આંચકો 03:31 કલાકે નોંધાયો હતો તેની તિવ્રતા 0.9ની અને ઉંડાઈ 3.1 કિ.મી હતી.

ત્રીજો આંચકો 04:30 કલાકે 1.2 તિવ્રતાનો નોંધાયો હતો જેની ઉંડાઈ 3 કિ.મી હતી. ચોથો આંચકો વહેલી સવારે 06:07 કલાકે 3.2 તિવ્રતાનો હતો, જે ભૂગર્ભમાંથી માત્ર 2.9 કિ.મીની ઊંડાઈએથી આવ્યો હોય આંચકાની અસર અનેક ગામોમાં થઈ હતી. પાંચમો આંચકો 6:14 કલાકે નોંધાયો હતો, તેની તિવ્રતા 2.2ની હતી અને ઉંડાઈ 3.1 કિ.મી.હતી. છઠો આંચકો 10:05 કલાકે 1.4 તિવ્રતાનો હતો, જેની ઉંડાઈ 2.9 કિ.મી.હતી. સાતમો આંચકો બપોરે 02:32 કલાકે 2.7 તિવ્રતાનો હતો, જેની ઉંડાઈ 5.9 કિ.મી.હતી. આઠમો આંચકો 4:39 કલાકે 1.3 તિવ્રતાનો હતો, જેની ઉંડાઈ 3.2 કિ.મી હતી. થોડી સેકન્ડ બાદ ફરીથી 04:39 કલાકે 1.8ની તિવ્રતાનો આંચકો નોંધાયો હતો, જેની ઉંડાઈ 7.5 કિ.મી હતી. તમામ આંચકાનું કેન્દ્રાબિંદુ તાલાલા ગિરથી 14 થી 24 કિ.મી ઉત્તર-પૂર્વ દિશામાં નોંધાયું છે. સવારે 06:07 કલાકે આવેલા આંચકાની તીવ્રતા 3.2ની ભારે હતી અને ભૂગર્ભમાંથી માત્ર 2.9 કિ.મી ની ઉંડાઈએથી આવ્યો હોય તાલાલા પંથકના હિરણવેલ, હરીપુર ગિર, ચિત્રાવડ, બોરવાવ ગિર, ધાવા ગિર સહિતના ઉત્તર અને પૂર્વ દિશામાં આવેલા 20 જેટલા ગામોમાં ભૂકંપની અસર જોવા મળી હતી. ધરતીકંપના આંચકાથી નુકસાની થયાના કોઈ સમાચાર નથી. તાલાલા પંથકમાં ધરતીકંપના અવિરત આંચકાનો દોર શરૂ થતાં લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક