• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

અમરેલી નજીક અકસ્માતના બે બનાવમાં બેનાં મૃત્યુ સાત લોકોને ઈજા થતા હોસ્પિટલે ખસેડાયા

અમરેલી, તા.28: અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ બે અકસ્માતમાં બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે 7 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થયાની ઘટના બનવા પામેલ છે.

પ્રથમ બનાવમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ગામે આવેલા વાલ્મીકિ નગરમાં બાલમંદિર વાળી શેરીમાં રહેતા બાબુભાઈ રમેશભાઈ પરમાર નામના 40 વર્ષીય યુવકના પત્ની દમુબેન તથા તેમના બાળકો જતીન, ઈશા તથા તેમના સસરા દેવશીભાઈ જેઠવા તથા તેમના સંબંધી વીકીભાઈ તથા દિપકભાઈ કૃષ્ણભાઈ વડીયાતરની રીક્ષા ભાડેથી બાંધી જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામેથી એક સામાજિક પ્રસંગ પતાવી રીક્ષામાં કુલ અગીયારેક માણસો બેસી પરત પોતાના ઘર તરફ જતા હતા. તે દરમિયાન ધારી તાલુકાના દેવળા ગામથી નજીક ખીચા ગામ તરફ આવતા હતા ત્યારે સામેથી એક ફોરવ્હીલ ચાલકે ફોરવ્હીલ રોંગ સાઈડમાં માણસોની જિંદગી જોખમાય તે રીતે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી અથડાવી દઈ આ યુવકને જમણા પગે ગોઠણે સામાન્ય ઈજા થતા દમુબેનને વીકીભાઈને દેવશીભાઈને તથા રીક્ષા ડ્રાઈવર દિપકભાઈને નાની મોટી ઈજા થઈ હતી તથા યુવકની દીકરી ઈશાબેનને માથાના ભાગે કપાળના ઉપર ગંભીર ઈજા નીપજાવી આરોપી ફોરવ્હીલ સ્થળ પર મુકી નાસી જઈ ગયાની બાબુભાઈ રમેશભાઈ પરમાર નામના યુવકે ધારી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

બીજા બનાવમાં સુરતના અમરોલી ગામે રહેતા અને મુળ બાબરા તાલુકાના ચમારડી ગામે રહેતા રત્ન કલાકાર કલ્યાણભાઈ ભીખાભાઈ સોજીત્રાના પિતાજી ભીખાભાઈ ગત તા.18ના રોજ પોતાનું બાઈક લઈ પોતાની વાડીએ મજુરને ચા, ખાંડ તથા દુધ દેવા જતા હતા. ત્યારે ચમારડીથી બાબરા તરફ જતા હાઈવે રોડ પર લુણકી જવાના કાચા રસ્તા પાસે એક ફોરવ્હીલના ચાલકે પોતાની ફોરવ્હીલ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ભીખાભાઈના મોટર સાઈકલ સાથે ભટકાડી તેને માથાના ભાગે ગંભીર ઈજા કરી જમણા પગમાં ફેક્ચર કરી ભીખાભાઈને ગંભીર ઈજા કરતા તેને સારવાર માટે દવાખાને ખસેડાયેલ. જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

ઇ-પેપરના નવા શુલ્ક