અમદાવાદ, તા.28 : ગુજરાતમાં બેટી બચાવો અને વિકાસના નારા આપતી ભાજપ સરકારની વાસ્તવિકતા ચોંકાવનારી રીતે સામે આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા ઓક્ટોબર-નવેમ્બર 2025 દરમિયાન કરાયેલા સર્વે અને 3 ડિસેમ્બર 2025ના રોજ રજૂ થયેલા સત્તાવાર ડેટા મુજબ રાજ્યમાં 13થી 16 વર્ષની કુલ 1633 દીકરીઓ સગર્ભા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગુજરાતમાં બાળલગ્નની ગંભિર સ્થિતિ અંગે નેશનલ ફેમીલી હેલ્થ સર્વે-5ના આંકડા ભાજપ સરકારની સદંતર નિષ્ફળતા દર્શાવે છે કે, ગુજરાતમાં બાળ લગ્ન પ્રતિબંધક ધારા-2006 માત્ર કાગળ પર જ રહી ગઈ છે. સરકારની આંખ સામે કાયદાનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે છતાં કોઈ અસરકારક કાર્યવાહી દેખાતી નથી તેવો સ્પષ્ટ આરોપ મુકતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, નેશનલ ફેમીલી હેલ્થ સર્વેના સત્તાવાર આંકડાનુસાર ગુજરાતમાં બાળલગ્નનો દર 21.8 ટકા છે, જે રાષ્ટ્રીય સરેરાશ 23.3 ટકા કરતા થોડો ઓછો હોવા છતાં, હકીકતમાં આ આંકડો ભાજપ સરકાર માટે શરમજનક છે. કારણ કે સરવે સ્પષ્ટ રીતે બતાવે છે કે રાજ્યમાં જિલ્લાવાર ભારે અસમાનતા છે અને કેટલાક જિલ્લાઓમાં બાળલગ્નનું પ્રમાણ અત્યંત ઊંચું છે. આ માત્ર આંકડા નથી, પરંતુ સરકારની નિષ્ફળ નીતિઓના શિકાર બનેલી દીકરીઓનું દુ:ખ છે. નાની ઉંમરમાં માતા બનવાથી દિકરીઓ અને સંતાન બન્નેના જીવન જોખમમાં મુકાઈ રહ્યાં છે. એક તરફ 65 ટકા મહિલાઓ કુપોષિત અને 45 ટકા બાળકો કુપોષણનો ભોગ બની રહ્યાં છે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ભાજપ સરકારના બેટી બચાવો, બેટી પઢાવો જેવા નારા જમીન પર નિષ્ફળ સાબિત થયા છે.