અમદાવાદ, તા.29 : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓમાં વધતા જતા તણાવ અને આપઘાતના કિસ્સાઓએ સરકાર અને શિક્ષણ જગતની ચિંતામાં વધારો કર્યો છે. આ ગંભીર સમસ્યાને ડામવા માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક ઐતિહાસિક અને અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની તમામ યુનિવર્સિટીઓ, સરકારી અને ખાનગી કોલેજો તેમજ ખાનગી કાચિંગ ઇન્સ્ટિટયૂટ માટે નવી મેન્ટલ હેલ્થ પોલીસી જાહેર કરવામાં આવી છે. હવે તમામ કોલેજો અને યુનિવર્સિટીઓમાં દર 100 વિદ્યાર્થીએ એક કાઉન્સેલર રાખવો ફરજિયાત છે. આ ગાઇડલાઇનનું પાલન થાય છે કે નહીં તે માટે સમયાંતરે નિરીક્ષણ કરવામાં આવશે. જો કોઈ સંસ્થા આ નિયમોનું ઉલ્લંઘન કરતી જણાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
શિક્ષણ
વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતવાર ગાઇડલાઇન મુજબ હવે દરેક શૈક્ષણિક સંસ્થાએ
પોતાના કેમ્પસમાં મેન્ટલ હેલ્થ પોલિસી લાગુ કરવાની રહેશે. આ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ્ય
વિદ્યાર્થીઓને એક સુરક્ષિત અને તણાવમુક્ત વાતાવરણ પૂરું પાડવાનો છે. ઘણીવાર શૈક્ષણિક
ભારણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓનાં કારણે વિદ્યાર્થીઓ ડિપ્રેશનનો શિકાર બનતા હોય છે
ત્યારે આ નવી નીતિ તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ ગાઇડલાઇનનું સૌથી મહત્ત્વનું
પાસું ‘કાઉન્સાલિંગ’ છે. સરકારે આદેશ આપ્યો છે કે, દરેક યુનિવર્સિટી અને કોલેજે દર
100 વિદ્યાર્થીઓની સંખ્યા પર ઓછામાં ઓછા એક પ્રોફેશનલ કાઉન્સેલરની નિમણૂક કરવાની રહેશે.
આ કાઉન્સેલર વિદ્યાર્થીઓ સાથે સતત સંપર્કમાં રહેશે અને તેમની માનસિક સમસ્યાઓ, પરીક્ષાનો
ડર કે અંગત મુંઝવણોને સાંભળીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે.
સ્પર્ધાત્મક
પરીક્ષાઓ અને ટયુશન ક્લાસ ચલાવતા ખાનગી કાચિંગ ઇન્સ્ટિટયૂટ માટે પણ કડક સૂચનાઓ અપાઈ
છે. વારંવાર જોવા મળતું હતું કે, કાચિંગ સેન્ટરો પર્ફોર્મન્સના આધારે વિદ્યાર્થીઓને
અલગ-અલગ બેચમાં વહેચી દેતા હતા, જેનાં કારણે નબળા વિદ્યાર્થીઓમાં લઘુતાગ્રંથી પેદા
થતી હતી. સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવેથી પર્ફોર્મન્સના આધારે કોઈપણ વિદ્યાર્થીને
અલગ રાખી શકાશે નહીં. તમામ વિદ્યાર્થીઓને સમાન તક અને સન્માન આપવું અનિવાર્ય રહેશે.